રાજ્યના શ્રમયોગીઓને ઈલેકટ્રીક ટુ-વ્હીલર ખરીદવા રૂા.૩૦ હજાર સુધીની સબસિડી આપતી સરકારની ગો-ગ્રીન યોજના

0

રાજ્યના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને પરિવહન માટે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર વાહન ખરીદવા સબસિડી આપતી ગો-ગ્રીન યોજનાનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યું હતું. આ યોજના અંતર્ગત સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને રૂા.૩૦ હજારની મર્યાદામાં વાહન માટે સબસિડી આપવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રજાજનોની સુખાકારી અને યુવાનોને રોજગારી સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું. તો શ્રમ રોજગાર મંત્રીએ રાજ્યની આઈટીઆઈમાં ચાલતા અભ્યાસક્રમોનું અપગ્રેડેશન કરવાની જાહેરાત પણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઈટીઆઈના વિવિધ ટ્રેડમાં જાેડાઇ રહેલા નવનિયુકત સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર્સને નિમણુંકપત્રો એનાયત કરતા કહ્યું કે, રાજ્યમાં મહત્તમ લોકોને રોજગારી મળે તેવો સરકારનો ધ્યેય છે. તેમણે વિપક્ષ ઉપર નિશાન સાધતા કહ્યું કે, યુવાનોને રોજગાર અવસર મળતા નથી તેવું કહેનારાઓ ગુજરાતની તૂલના અન્ય રાજ્યોના રોજગારીના આંકડા સાથે કરે તો ગુજરાતમાં અન્ય રાજ્યોની સાપેક્ષમાં કેટલી રોજગારી મળી રહી છે તેનો ખ્યાલ આવી જશે. મુખ્યમંત્રીએ રાજ્યના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને યાતાયાત માટે ટુ વ્હીલર ઇ-વ્હીકલની ગો-ગ્રીન યોજનાનું લોંચીંગ કરતાં કહ્યું કે, પર્યાવરણને ઓછામાં ઓછી હાનિ પહોંચે, વાયુ પ્રદૂષણ અટકે અને શ્રમિકોને વાહન યાતાયાતમાં સરળતા રહે તે માટે ઇ-વ્હીકલનો વ્યાપ વધારવા ગો ગ્રીન જેવી યોજનાઓ શરૂ કરી છે એમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાએ આપણને પ્રાણવાયુનું મહત્વ સમજાવી દીધું છે અને લોકો વધુને વધુ વૃક્ષો પોતાના વિસ્તારોમાં, ઘરના આંગણમાં વાવતા થયા છે. હવે, આ ઇલેકટ્રીક વ્હીકલના ઉપયોગથી પણ કાર્બન ઉત્સર્જન અટકાવી પર્યાવરણ રક્ષા પણ કરી શકાશે. શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશકુમાર મેરજાએ જણાવ્યું હતું કે, રાજ્યની પ્રગતિના ચાર માપદંડ શાંતિ, સલામતી, સ્થિરતા અને સુશાસન છે. ગુજરાતમા છેલ્લા ૨૭ વર્ષથી શાંતિ અને સુશાસનના પરિણામે આજે વિશ્વ કક્ષાના ઉદ્યોગ ગૃહોની ગુજરાતમાં સ્થાપના થકી વ્યાપક રોજગારીનુ નિર્માણ થયું છે. તેમણે ઉમેર્યુ કે, આગામી સમયમાં આધુનિક તાલીમબધ્ધ અને કૌશલ્યબધ્ધ યુવાનોની ઉદ્યોગગૃહોની માંગ અનુસાર માનવબળ પૂરૂ પાડવા માટે રાજયમા કાર્યરત આઈ.ટી.આઈમાં ચાલી રહેલા અભ્યાસક્રમોનું અપગ્રેડેશન કરવાની પણ રાજ્ય સરકારની નેમ છે. રાજ્ય સરકારની “ગો-ગ્રીન યોજના” અંતર્ગત સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુવ્હીલરની ખરીદી ઉપર ખાસ નાણાંકીય સહાય આપવામાં આવશે. જેમાં સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના ૩૦ ટકા અથવા રૂા.૩૦ હજારની મર્યાદામાં સબસિડી ચૂકવવામાં આવશે. જ્યારે બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીને વાહનની કિંમતના ૫૦ ટકા અથવા રૂા.૩૦ હજારની મર્યાદામાં સબસિડી આપવાની જાેગવાઈ યોજનામાં કરવામાં આવી છે. આ ઉપરાંત આ યોજના હેઠળ વાહનના આરટીઓ રજિસ્ટ્રેશન ટેક્ષ તથા રોડ ટેક્સ ઉપર વન-ટાઇમ સબસીડી પણ આપવામાં આવશે. આ યોજનાના અસરકારક અમલીકરણ માટે મોબાઇલ એપ્લિકેશન અને અત્યાધુનિક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!