ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ સતત ત્રીજી વખત બિન હરીફ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ કે જેની બોડીની મુદત તાજેતરમાં સંપૂર્ણ થઈ હતી, તેની ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. ખંભાળિયાના મહત્વના એવા માર્કેટિંગ યાર્ડ માટે ફોર્મ ભરવાના ગઈકાલે બુધવારે અંતિમ દિવસે કુલ ૧૬ બેઠક માટે ૧૬ ઉમેદવારીપત્રો ભરાયા છે. જેની ચકાસણી આજે ગુરૂવારે થનાર છે. નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા સામાન્ય ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત યાર્ડની ચૂંટણીનું મતદાન તા.૧૫ નવેમ્બર તથા તેની મતગણતરી ૧૬ નવેમ્બરના રોજ મુકરર કરાઇ હતી. પરંતુ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જુદા જુદા વિભાગ માટે કુલ ૧૬ બેઠકો પૈકી તમામ બેઠક માટે એક-એક ઉમેદવારના જ ફોર્મ ભરાયા છે. આમ, ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ વધુ એક વખત બિનહરીફ થયાનું ચિત્ર જાેવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લી ત્રણ ટર્મથી તત્કાલીન ચેરમેન પી.એસ. જાડેજાના વડપણ હેઠળ તમામ વહીવટ બિનવિવાદાસ્પદ અને સુચારૂ રૂપે થઈ રહ્યો છે. મહત્વની બાબત તો એ છે કે, અગાઉની બે ટર્મમાં પણ તમામ ૧૬ બેઠક બિનહરિફ થઈ હતી. આ સાથે આગામી ટર્મ માટે પણ ખેડૂત વિભાગની દસ બેઠક, વેપારી વિભાગની ચાર બેઠક તથા ખરીદ વેચાણ વિભાગની બે બેઠક મળી કુલ સોળ બેઠક માટેના ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે એક-એક ફોર્મ આવ્યા છે. જેની વિધિવત રીતે ચકાસણી થશે અને સંભવતઃ વધુ એક વખત અહીંનું માર્કેટિંગ યાર્ડ બિનહરીફ થશે. આમ, ખંભાળિયાના રાજકીય આગેવાન પી.એસ. જાડેજાના વડપણ હેઠળ તેમની આ ચોથી ટર્મ ત્રીજી વખત બિન હરીફ થશે. જે સમગ્ર રાજ્યમાં ઐતિહાસિક બની રહેશે.

માર્કેટીંગ યાર્ડના નવા ઉમેદવારોની નામાવલી

ખંભાળિયા માર્કેટીંગ યાર્ડની આગામી બોડી માટે ગઈકાલે બુધવારે ખેડૂત વિભાગમાંથી તત્કાલીન પ્રમુખ પી.એસ. જાડેજા, ભીખુભા દજુભા જાડેજા, પ્રભાપસિંહ ગગુભા જાડેજા, મહાવીરસિંહ માનસંગજી જાડેજા, વિરેન એભાભાઈ કરમુર, ચંદુબા પ્રતાપસિંહ જાડેજા, પ્રભાત કાળુભાઈ ચાવડા, પંકજભાઈ રાણસુરભાઈ રૂડાચ, જયંતિલાલ ડાયાલાલ નકુમ અને બાબુભાઈ માલદેભાઈ ગોજીયા તેમજ વેપારી વિભાગ માટે રામભાઈ ગોકરભાઈ કણજારીયા, અશોકકુમાર મંગલદાસ વિઠ્ઠલાણી, વિજય હીરાભાઈ નકુમ અને સીદાભાઈ દેવાણંદભાઈ કારીયા તથા ખરીદ વેંચાણ મંડળી માટે પરબતભાઈ દેવતભાઈ છૂછર અને વિજયસિંહ જેઠુભા સોઢા નામના કુલ ૧૬ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે. ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડની બોડી સતત ત્રીજી વખત બિનહરીફ વિજેતા જાહેર થાય તો સમગ્ર રાજ્યમાં ઐતિહાસિક બની રહે તેવું ચિત્ર જાેવા મળી રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!