ગરવા ગિરનારની લીલી પરીક્રમા યોજવા માટેનો ‘દડો’ ગુજરાત સરકાર તરફે !

0

દેવ દિવાળીની મધરાતની શરૂ થતી ગરવા ગિરનારની લીલી પરીક્રમા ગયા વર્ષે રપ લોકોની મર્યાદામાં નિયંત્રણ સાથે યોજાઈ હતી. પરંતુ આ વર્ષે જયારે પરીક્રમાને દોઢ પખવાડીયા જેટલો સમય બાકી છે ત્યારે આ બાબતે મળેલી મીટીંગમાં કોઈ ચોકકસ નિર્ણય તો થયો નથી. પરંતુ તેના બદલે અમુક લોકોને બોલાવીને લેવાયેલ નિર્ણય મામલે વિવાદ થયો હતો. શરૂઆતમાં ૪૦૦ લોકોને મંજુરી આપવા માટે દરખાસ્ત મુકવામાં આવી બાદમાં અન્ય લોકોની રજુઆત આવતા જૂનાગઢ જીલ્લા કલેકટરે આ બધી દરખાસ્ત સરકારને મોકલશે પછી નિર્ણય કરવામાં આવશે. જૂનાગઢમાં ગઈકાલે બપોરનાં ૧ર.૩૦ કલાકે જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે વીસી હોલમાં પરીક્રમાને લઈને બેઠક મળી હતી. જેમાં કેટલા લોકોને ઉપસ્થિત રાખવા તે કોણે નકકી કર્યુ તે ખબર નથી. બેઠકમાં અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ, મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, ઉતારા મંડળનાં ભાવેશભાઈ વેકરીયા, પોલીસ અધિકારી, વન વિભાગનાં અધિકારી સહીતનાં ગણ્યા ગાઠયા લોકો જ ઉપસ્થિત રહયા હતાં. ખરેખર જાે લીલી પરીક્રમાને ગણતરીનાં દિવસો જ બાકી છે તો સર્વપક્ષીય બેઠક પહેલેથી જ બોલાવી હોત તો વહેલાસર નિર્ણય થઈ જાત પરંતુ એવું થયું નથી. આ બેઠકમાં જેટલા લોકો ઉપસ્થિત રહયા હતાં તેમણે નકકી કરી નાંખ્યું કે ૪૦૦ લોકોને મંજુરી આપવાની દરખાસ્ત રાજય સરકારમાં મોકલવામાં આવે. જેમાં ઉતારા મંડળનાં ૧૦૦ લોકોની યાદી, સાધુ-સંતોનાં ૧૦૦ લોકોની યાદી, પદાધિકારીઓના ૧૦૦ લોકોની યાદી અને અધીકારીઓનાં ૧૦૦ લોકોની યાદી મળીને ૪૦૦ લોકોને મંજુરી આપવી તેવી દરખાસ્ત મુકવામાં આવી હતી. પરંતુ પૂર્વ નિર્ધારીત રીતે માત્ર આટલા લોકોએ નિર્ણય કર્યા બાદ વિવાદ સર્જાયો હતો. ઉપરાંત મંડળ પોતાના રોટલા સેકવા રાજકીય રીતે જીલ્લા તંત્ર બદનામ થાય તેવા પ્રયત્નો ખુલ્લા પડી ગયા હતાં તેમ ઈલેકટ્રોનિક મિડીયાનાં મિત્રોમાં ચર્ચાઈ રહયું છે. બેઠક પુરી થયા બાદ બપોરે ૩.૩૦ કલાકે વિશ્વ હિન્દુ પરીષદનાં હિરેન રૂપારેલીયા સહીતનાં કાર્યકરો, બીએસપી આગેવાન બટુકભાઈ મકવાણા, ભાજપ આગેવાન અમૃતભાઈ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ સહીતનાઓ જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતાં. અને આ નિર્ણય સામે વિરોધ કર્યો હતો. અને જૂનાગઢ જીલ્લા કલેકટરને મળી તેમનાં અભિપ્રાય લેવા જણાવ્યું હતું. ત્યારે તેઓએ પોતાના અભિપ્રાયમાં આ બેઠકમાં જૂનાગઢ ધારાસભ્યથી લઈને અનેક સંસ્થાઓના આગેવાનો અને સર્વપક્ષીય આગેવાનોને ન બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું. અને જેમ ભાવિકો વગરનો શિવરાત્રીનો મેળો યોજવો શકય નથી તેમ ભાવિકો વગર લીલી પરીક્રમા પણ ન યોજવી જાેઈએ તેવો આગ્રહ રાખીને પરીક્રમામાં તમામને પ્રવેશ આપવામાં આવે અથવા માત્ર સાધુ-સંતોને જ પ્રવેશ આપી પરીક્રમાની પરંપરા જળવાય તેવું આયોજન કરવા જણાવ્યુ.ં હતું. આ વાત સાંભળીને જૂનાગઢ જીલ્લા કલેકટર અને મેયરે બેઠકમાં જે દરખાસ્ત નકકી થયેલ છે તેની સાથે પાછળથી આવેલ લોકોનાં અભિપ્રાય જાેડીને તમામ મુદાઓ સાથે રાજય સરકારને મોકલાશે અને આખરી નિર્ણય ગુજરાત રાજય સરકાર કરશે તેવું મેયરે જણાવ્યું હતું. પરીક્રમાને લઈને વહેલાસર નિર્ણય થવા જાેઈએ તેવી અગાઉ પણ ઉતારા મંડળ દ્વારા માંગ કરવામાં આવી હતી. પરંતુ હવે જાેવાનું એ રહયું કે શું નિર્ણય આવે છે. પરંતુ આધારભૂત સુત્રોનાં કહેવા મુજબ આ વખતની લીલી પરીક્રમામાં ભાવિકોને પ્રવેશ નહી મળે.

શાકભાજીવાળા, વાહન ચાલક, નાના ધંધાર્થી, રેસ્ટોરન્ટ, એસટી તંત્રને ૮૦ કરોડનું નુકશાન થશે

ગિરનારના ૩૬ કિમીના વિસ્તારમાં યોજાતી લીલી પરિક્રમા રદ કરી નાંખવામાં આવતા લોકોના આખા વર્ષની કમાણી ઉપર જાણે કાતર ફરી ગઇ છે. લોકોની આર્થિક જીવાદોરી જ કાપી નાંખવામાં આવતા તમામ જૂનાગઢવાસીઓમાં છૂપો રોષ જાેવા મળી રહ્યો છે. લીલી પરિક્રમામાં ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા છેલ્લા ૨ વર્ષથી કોરોનાના કારણે ઉદ્યોગ-ધંધા ઠપ્પ થયા બાદ આ વર્ષે કમાણી કરી બે વર્ષની આર્થિક નુકસાની સરભર કરવાના સપના ઉપર પાણી ફરી વળ્યું છે. જૂનાગઢમાં પ્રતિ વર્ષ કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાતી હોય છે. આ પરિક્રમા સ્વયંભૂ હોય છે જેમાં કોઇપણ જાતની જાહેરાત કે આમંત્રણ વગર જ લોકો આવી પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે. આ પરિક્રમામાં ૧૦,૦૦,૦૦૦થી વધુ ભાવિકો આવતા હોય છે. જેમના ભોજન સહિતની વ્યવસ્થા ઉતારા મંડળો, વિવિધ જ્ઞાતિની વાડી, ધર્મશાળાઓ દ્વારા કરવામાં આવતો હોય છે. આ ખર્ચ માટે દાતાઓ દાનનો ધોધ વહાવતા હોય છે. દરમ્યાન ગત વર્ષે કોરોનાના કારણે લીલી પરિક્રમા રદ કરાઇ હતી. જ્યારે આ વર્ષે તો કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ ગઇ છે અને ત્રીજી લહેર આવવા વિષે પણ નક્કી નથી. છત્તાં કોરોનાના બહાના હેઠળ પરિક્રમા રદ કરી દેવાતા ભાવિકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને લીલી પરિક્રમાના કારણે જૂનાગઢને અંદાજીત ૮૦ કરોડથી વધુની આવક થતી હોય છે. ત્યારે પરિક્રમા રદ થતા આર્થિક રીતે જૂનાગઢને મોટો ફટકો લાગશે. તેમજ ટ્રેનો, ખાનગી બસો, એસટી, રીક્ષા ચાલકો, મ્યુઝીયમ વગેરેની આવકને પણ ફટકો પડશે.

છેલ્લે… છેલ્લે..

જૂનાગઢ ખાતે યોજાતો શિવરાત્રીનો મેળો સાધુ-સંતોનો મેળો યોજાયો હતો. પરંતુ આ મેળો આખરે વીઆઈપી મેળો બની ગયો હતો ત્યારે આગામી પરીક્રમા ફકત અને ફકત સાધુ-સંતો માટે જ જાે યોજવાની હોય તો એ વીઆઈપી પરીક્રમા ન બને તેવી લાગણી પણ પ્રવર્તી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!