Wednesday, December 8

ગિરનારની લીલી પરીક્રમાનાં આયોજન માટેની બેઠકમાં પત્રકારોને પ્રવેશ ન અપાતા રોષ

0

જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનાર ખાતે પ્રતિવર્ષ યોજાતી લીલી પરિક્રમાનાં આયોજન અંગે ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ઈલેકટ્રોનિક મિડીયા કર્મચારીઓને પ્રવેશ ન મળતા અને બાકાત રાખવામાં આવતા પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મિડીયાનાં કર્મચારીઓમાં રોષની લાગણી ફાટી નીકળી હતી અને અઠે દ્વારકા કરી અને ત્યાં સ્થળ ઉપર જ જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજયો હતો. ધરણાનો આ કાર્યક્રમ બપોરનાં સમયથી લઈ સાંજ સુધી ચાલ્યો હતો અને ત્યારબાદ જૂનાગઢનાં મેયરની મધ્યસ્થીથી વહિવટી તંત્ર સાથે ચર્ચા થઈ હતી અને ત્યારબાદ મિડીયા કર્મચારીઓનાં આંદોલનનો અંત આવ્યો હતો. દેવદિવાળીનાં દિવસથી ગીરનારની લીલી પરિક્રમા યોજાતી હોય છે આ લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો દર વર્ષે ઉમટી પડતા હોય છે જેને લઈને જૂનાગઢ અને સોરઠ પંથકનાં નાના ધંધાર્થીઓથી લઈ મોટા વ્યવસાયકારોને પણ રોજગારી માટેનું પ્રોત્સાહન મળતું હોય છે, આમ જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે શિવરાત્રીનો મેળો અને લીલી પરિક્રમાનો મેળો આદ્યાત્મિક ભાવના સાથે રોજગારી પાડનારૂ ક્ષેત્ર પણ બની રહયું છે. દરમ્યાન કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે ગત વર્ષે તકેદારીનાં ભાગરૂપે ગીરનારની લીલી પરિક્રમા પ્રતિકાત્મક રૂપે યોજવામાં આવી રહી છે જેની દરખાસ્ત સરકારમાં કરાઈ છે. આ ઉપરાંત શિવરાત્રીનો મેળો પણ સાધુ-સંતો માટે યોજાયો હતો. (જાે કે આ મેળો પછી વીઆઈપી મેળો બની ગયો હતો) આ વર્ષે પરીક્રમાનાં દિવસો નજીક આવી રહયા છે ત્યારે ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને ટીવી ઈલેકટ્રોનિક મિડીયાનાં  મિત્રોને બાકાત રાખવામાં આવ્યા હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી. આ ઉપરાંત ગઈકાલે યોજાયેલી બેઠકમાં તંત્રનાં અધિકારીઓ તેમજ જુદા જુદા વિભાગનાં અધિકારીઓ અને સંતો તેમજ પદાધિકારીઓની બેઠકમાં ફકત ૪૦૦ લોકોને પરીક્રમાની મંજુરી આપવા માટે નકકી થયું હતું. અને પરીક્રમામાં કોણ કોણ જઈ શકે તે અંગે નકકી કરવામાં આવશે તેવી વાત પ્રથમ જાહેર થઈ હતી. બીજી તરફ જૂનાગઢ શહેરનાં વિકાસથી લઈ આમપ્રજાનાં પ્રશ્નો કે કોઈ મહત્વની બાબત હોય જયારે જયારે પણ જૂનાગઢનાં પત્રકારોનું ધ્યાન આ બાબત ઉપર ગયું છે ત્યારે કાયમને માટે પ્રિન્ટ – ઈલેકટ્રોનિક મિડીયા તેમજ જૂનાગઢનાં અખબાર નવેશોએ કોઈપણ જાતનાં ભેદભાવ વિના પોઝીટીવ થિન્કીંગ રાખી તંત્રને કાયમને માટે સહયોગ અને સહકાર આપ્યા છે. જયાં જયાં જરૂર પડી ત્યાં મિડીયાએ પોતાની અસરકારક ભૂમિકા કોઈપણ જાતની લોભ, લાલચ કે સ્વાર્થ વિના નિભાવી છે અને કાયમને માટે નિભાવતું રહેશે એટલું જ નહી જયારે જયારે સ્થાનિક તંત્રની સારી વાત હોય, સરકારની સારી વાત હોય કે પ્રજા માટેની કોઈ સારી યોજના હોય ત્યારે પણ જૂનાગઢનાં મિડીયા જગતે સૌપ્રથમ તેની નોંધ લઈ પોત પોતાની રીતે પુરતુ કવરેજ આપી એક નવો ચિલો અંકિત કર્યો છે. જૂનાગઢનાં મિડીયા જગતને સામાજીક સંસ્થાઓ, રાજકીય અગ્રણીઓ, તંત્ર તેમજ સામાન્ય નાગરીક પણ એક સન્માનની દ્રષ્ટીએ જુએ છે એટલું જ નહી પોતાના કોઈપણ પ્રશ્ન હોય મિડીયા સમક્ષ મુકતા હોય છે અને મિડીયાએ પણ લોકોનાં પ્રશ્નોને વાચા આપી તેનો ઉકેલ લાવવાનું કાર્ય કર્યું છે. આમ જૂનાગઢનાં ૭૦ વર્ષનાં આઝાદીનાં ઈતિહાસમાં વિકાસની જે કોઈ પ્રક્રિયા થઈ તેમાં મિડીયા જગતે પોતાનો ફાળો આપ્યો છે. આમ પાયાની ભુમિકામાં રહેલા મિડીયાનાં કર્મચારીઓને ગઈકાલે ગીરનારની લીલી પરિક્રમા યોજવી કે નહી તે અંગે યોજાયેલી મહત્વની બેઠકમાંથી બાકાત રાખવામાં આવતા પત્રકાર જગતમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી. બપોરનાં સમયથી સાંજનાં સમય સુધી પત્રકાર જગતે ધરણા આદર્યા હતા આ ધરણા અંગેની જાણ રાજકીય ક્ષેત્રનાં મહાનુભાવો, સામાજીક સંસ્થાનાં અગ્રણીઓ, સાધુ-સંતો, જાગૃત નાગરીકો સહિત લોકોને થતાં તેઓ પણ તાત્કાલીક મિડીયા જગતનો સંપર્ક સાધી યોગ્ય કરવાની ખાતરી આપી હતી. એટલું જ નહી વિવિધ સંગઠનો દ્વારા ટેકો પણ મિડીયા જગતને આપવામાં આવ્યો હતો. ધામિર્ક સંગઠનોને પણ પરીક્રમાની બેઠકમાં પ્રવેશ અપાયો ન હોવાથી તેમાં પણ રોષની લાગણી ઉઠવા પામી હતી. દરમ્યાન મિડીયા કર્મચારીઓએ ગઈકાલની બાબત અંગે જણાવ્યું હતું કે, પ્રથમ અમને એવું જણાવવામાં આવ્યું હતું કે, પરીક્રમાની બેઠક નીચેનાં હોલમાં રાખવામાં આવી છે. પરંતુ પાછળથી જાણ થઈ હતી કે, પરીક્રમાની બેઠક તો ઉપર બંધ બારણે ચાલી રહી છે જેથી વહીવટી તંત્રનાં જવાબદાર કર્મચારીને પત્રકાર મિત્રોએ કવરેજનાં થોડા ફૂટેજ લેવા અંગે રજુઆત કરતા તેમને એવું જણાવવામાં આવેલ કે, બેઠકમાં અંદર પ્રવેશવાની ના પાડવામાં આવી છે જેને લઈને પત્રકારો રોષે ભરાયા હતા અને આખરે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પત્રકારોનાં ધરણા મોડી સાંજ સુધી ચાલ્યા હતા. આ દરમ્યાન જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા થઈ નહી હોવાનું કહેવાય છે તો બીજી તરફ જૂનાગઢ પોલીસ દ્વારા ધરણા ઉપર બેઠેલા પત્રકાર મિત્રોને માટે ઠંડા પીણા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓને તડકામાં નહી બેસવા તેમજ છાંયામાં બેસવા પણ જણાવવામાં આવેલ હતું જેને લઈને પત્રકારોએ તેમની લાગણીનો સ્વીકાર કર્યો હતો. બીજી તરફ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા ગાંધીનગર હોય તેમને આ બાબતની જાણ થતાં તેઓએ જૂનાગઢનાં મેયર ધીરૂભાઈ ગોહેલને આ અંગે વાતચીત કરી પત્રકારોનાં પ્રશ્ને યોગ્ય કરવા જણાવેલ હોય જેને લઈને જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલે આ સમગ્ર મામલો પોતાના હાથ ઉપર લઈ અને મધ્યસ્થી બન્યા હતા અને પત્રકારોનાં પ્રશ્ને સમાધાનની ભૂમિકા નિભાવી હતી અને પત્રકારોનાં આંદોલનનો અંત આવ્યો હતો. જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પત્રકારો સાથે બેઠક યોજવામાં આવી હતી અને તેમના પ્રશ્નો અંગે રજુઆત સાંભળી હતી આ તકે પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાનાં કર્મચારીઓએ જૂનાગઢ જીલ્લા કલેકટર રચિત રાજ સાથે બેઠક પણ યોજી હતી અને પોતાની લાગણી વ્યકત કરી હતી. પત્રકારો સાથેની વાતચીત અને તેમના પ્રશ્નો અંગેની રજુઆત સાંભળી આખરે જૂનાગઢ જીલ્લા કલેકટર રચિત રાજે તાત્કાલીક અસરથી પ્રેસ અને મિડીયા સાથે કાયમને માટે સંપર્કનો સેતુ જળવાઈ રહે અને રેવન્યુ વહીવટી તંત્ર તરફથી જે કંઈ કાર્યક્રમો જાહેર થતા હોય તે અંગેનું અપડેટ મળતું રહે તે માટે એક ઉચ્ચ અધિકારીને પીઆરઓ તરીકે નીમણુંક આપી દીધી છે અને આ રીતે પત્રકારોનાં પ્રશ્નોનાં યોગ્ય નિકાલની ખાતરી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!