જૂનાગઢ તાલુકાના ડુંગર ઈન્દ્રેશ્વર બિટના ખાખરા ઢોરી, પાંચપીર વાડી વીડીમાં સુખપુર બામણ ગામ, ચોકલી, વડાલ વગેરે ગામોના માલધારીઓને છેલ્લા ત્રણ વર્ષથી ફોરેસ્ટ વિભાગે મસવાડી પાસ આપ્યા નથી અને જેને કારણે માલધારીઓને મુંગા પશુ ચરાવવાની વીડીમાં મનાય કરી દેવામાં આવી છે. જેને લઈને માલધારીઓને પશુઓના નિભાવ માટે પશુધનના દુધની જે આવક થાય છે તે ચારો ખરીદવામાં વપરાઈ જાય છે અને જેના કારણે માલધારીઓને આર્થિક મુશ્કેલી ઉભી થઈ છે. દરમ્યાન વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા અને જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયાની આગેવાની હેઠળ ગઈકાલે એક આવેદનપત્ર જૂનાગઢ જીલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ તેમજ માલધારીઓને સહાયરૂપ થવા તેમજ તત્કાલીક અસરથી માલધારીઓને મસવાડી પાસ અપાવવા અને પશુધનને ચરાવવાની મંજુરી આપવાની માંગણી સાથેનું આવેદનપત્ર જીલ્લા કલેકટર મારફત વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવને મોકલવામાં આવેલ છે. ૧પ દિવસમાં જાે ન્યાય નહીં મળે તો માલધારીઓ પોતાના માલઢોર સાથે કલેકટર કચેરીએ ધામા નાખશે. જેથી આ બાબતે તત્કાલીક અસરથી યોગ્ય કરવાની માંગણી કરવામાં આવી હોવાનું જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક યાદીમાં જણાવેલ છે. આવેદનપત્ર આપતી વખતે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસના અગ્રણીઓ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી વિભાગના ઉપપ્રમુખ રાણાભાઈ કોડીયાતર તેમજ ઉપપ્રમુખ ચાવડા જીવાભાઈ દાનાભાઈ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews