Wednesday, December 1

ગીરનારની લીલી પરિક્રમા અંતિમ ચરણમાં : આવતીકાલે સવારે ૭ સુધી જ ભાવિકોને પ્રવેશ અપાશે

0

ગીરનારની પરિક્રમામાં કલેક્ટરના આદેશ મુજબ તા.૧૯ નવેમ્બર ૨૦૨૧ના રોજ સવારે ૭ વાગ્યા સુધી જ પ્રવેશ મળી શકશે. ત્યારપછી વનવિભાગ ગેટ બંધ કરી દેશે અને તમામે સાંજ સુધીમાં જંગલ છોડી દેવાનું રહેશે. એ પછી બોરદેવી ગેઇટ પણ બંધ થઇ જશે એમ સુત્રોનું કહેવું છે. ગીરનારની પરિક્રમામાં આવતા અડધાથી વધુ લોકો કાચું રાશન સાથે લાવે છે અને જંગલમાં જાતે જ રાંધીને ભોજન કરે છે. આ લોકો સામાન્ય રીતે રોટલી, રોટલા, શાક, કઢી, ખીચડી જેવી રસોઇ બનાવતા હોય છે. ગ્રુપના લોકોની રસોઇ બનાવી હોય તેમાં સાથે એકલ દોકલ આવેલા યાત્રાળુનો પણ સમાવેશ થઇ જાય છે. આખો દિવસ ચાલ્યા હોય એટલે ભૂખ પણ સારી એવી લાગે અને ઉંઘ પણ સારી આવે. પણ આખું વર્ષ કામની ઘટમાળમાંથી થોડા દિવસ પ્રકૃતિના ખોળે પરિવાર-મિત્રો સાથે વિહરવાનો આનંદ આગામી વર્ષ માટે જાણેકે મનનું ચાર્જીંગ કરી દે છે. તેમાંય સાથે ચાલતા સાવ અજાણ્યા પરિક્રમાર્થીઓને કોઇ અપેક્ષા અને ઉંચ નીચનો ભેદ રાખ્યા વિના જમાડવાનું પુણ્ય આપોઆપ મળી જાય છે. પરિક્રમામાં જાતે રાંધનાર કોઇ પણ વ્યક્તિ પાસે જઇને ખાવાનું કોઇ માંગે એટલે કોઇ ના નથી પાડતું. નિજાનંદમાં મસ્ત રહેવાની આવી મોજ ઉપર તંત્ર ગમે એટલું નિયંત્રણ ભલેને મૂકે આવનાર ક્યારેય રોકાવાના નથી. અમરેલી પંથકમાંથી અમે છેલ્લા ૩૨ વર્ષથી પરિક્રમામાં આવીએ છીએ. પતિ-પત્ની ૩૨ વર્ષથી કાચું રાશન સાથે જ લાવે છે અને જાતે રાંધે છે. તેઓ કહે છે, અન્નક્ષેત્ર નથી છત્તાં અમને ભોજનની તકલીફ નથી પડી. પણ પાણીની અને રહેવાની ખુબજ તકલીફ પડી છે. અમે જે ૩ દિવસે પરિક્રમા પૂરી કરતા એ આ વખતે દોઢ દિવસમાં પૂરી કરવી પડી તેમ જમનાબેન મનજીભાઇ પરસાણિયાએ જણાવ્યું હતું. વધુમાં અમારા કુટુંબના ૧૫-૨૦ સભ્યો છેલ્લા ૪૮ વર્ષથી પરિક્રમામાં આવે છે. રાશન સાથે જ હોય છે. અમે ક્યારેય અન્નક્ષેત્રમાં નથી જમતા. જાતે જ રાંધીએ અને કોઇ એકલ દોકલ યાત્રાળુ હોય તો તેને જમાડીએ પણ છીએ. આ વખતે ઝીણાબાવાની મઢીના મહંતને પણ સાથે જમાડ્યા તેમ ધીરૂભાઇ ગોપાલભાઇ શેખ, બોટાદએ જણાવ્યું હતું. પરિક્રમામાં અસંખ્ય ભાવિકો આવે છે. આ વખતે અન્નક્ષેત્રો નથી અને ધાર્મિક સ્થળોએ રાશન મર્યાદિત છે. બીજી તરફ ૩૬ કિમી લાંબા ડુંગરાળ રૂટ ઉપર ચાલતા ભૂખ કકડીને લાગે જ છે. આથી ભવનાથનાં મહંત હરીગીરીજી, ચાંપરડાના મુક્તાનંદજી, તનસુખગીરીજી સહિતના સંતોએ ટ્રેક્ટરો ભરીને બુંદી-ગાંઠિયા મોકલ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!