ગરવા ગિરનારની લીલી પરીક્રમા દેવ દિવાળીના દિવસથી શરૂ કરવામાં આવી હતી. તંત્રએ છુટ આપ્યા બાદ પરીક્રમા શરૂ થઈ હતી. આ પરીક્રમામાં આ વર્ષે કોઈપણ પ્રકારનું આયોજન થઈ શકયું ન હોય તેમજ અન્નક્ષેત્રો સહીતની વ્યવસ્થા પણ ન હોય તેમ છતાં સંખ્યાબંધ ભાવિકોએ આ વર્ષે કઠીન મનાતી એવી ગિરનારની લીલી પરીક્રમાનું પુનીત ભાથુ બાંધવા કમર કસી હતી અને પરીક્રમા માટે નિકળી ગયા હતા. દરમ્યાન ગિરનાર મંડળના સંતો હરીગીરી મહારાજ, અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુ, અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પૂ.મુકતાનંદબાપુ તેમજ ત્રણે ત્રણ અખાડાના સંતો દ્વારા તાત્કાલીક અસરથી નિર્ણય લઈ અને પરીક્રમાર્થીઓ માટે ગુંદી, ગાઠીયા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. માળવેલા, જીણાબાવાની મઢી, બોરદેવી આ ત્રણેય રૂટ ઉપર પરીક્રમાર્થીઓને સંતો દ્વારા પ્રસાદ અપાયો હતો અને જેને લઈને ભાવિકો પણ કૃતાર્થ થયા હતા. સંતોની સાથે મહાનગરપાલિકાના કોર્પોરેટર એભાભાઈ કટારા અને અનુયાયીઓ પણ જાેડાયા હતા અને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો અને આ સાથે જૂનાગઢ ડીવીઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સહાય અને વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.