દત્ત અને દાતારની પાવનકારી ભૂમિ એવા જૂનાગઢ શહેર અને તેના રમણીય સ્થાનો, ઐતિહાસીક વિરાસત અને ધાર્મિક પરંપરાની વાત જ નિરાળી છે. પંચરંગી પ્રજા અને કોમ કોમ વચ્ચે ભાઈચારો ભાઈબંધી અને કોમી એકતાની લાગણી જાેવા મળે છે એવા જૂનાગઢ શહેરમાં આવેલા ઐતિહાસીક અને રમણીય સ્થળો પ્રવાસી જનતાને આ સોરઠી શહેરમાં વારંવાર આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. વેલકમ ટુ જૂનાગઢનો નાદ ગુંજી રહ્યો છે અને તેના પડઘા ચોમેર ગુંજી રહ્યા છે. દેશના મહત્વના ધામો અને હિલ સ્ટેશનો કરતાં પણ અનેકગણું આકર્ષણ જૂનાગઢના વિવિધ સ્થળો ધરાવે છે અને એટલા માટે તો પ્રવાસન ક્ષેત્રના વિકાસનું પ્રવેશદ્વાર જૂનાગઢને માનવામાં આવી રહ્યું છે. અહીં છે સૌથી ઉંચો ગઢ ગિરનાર. જયાં ગિરનારની ટોચ ઉપર જગત જનની માં જગદંબા અંબા માતાજીના બેસણા છે તો સાથે જ ભગવાન ગુરૂદતાત્રેયની ટુંક આવેલી છે. ગૌમૂખી ગંગા, જૈન દેરાસરો વગેરે તો ખરા જ તેમજ એક તરફ દાતારના ડુંગર ઉપર દાતારબાપુ બિરાજે છે તો તળેટી જવાના રસ્તે વાઘેશ્વરી માતાજી, ગાયત્રી માતાજી મંદિર, રાધા દામોદરજી મંદિર, બેઠકજી, મુચકુંદ ગુફા આવેલ છે. ભવનાથ મહાદેવ સાક્ષાત બિરાજે છે. આવા પાવન પવિત્ર ભૂમિમાં વર્ષ દરમ્યાન શિવરાત્રી મેળો, પરીક્રમાનો મેળો, દાતાર બાપુનો ઉર્ષ, અંબાજી માતાનો પ્રાગટય દિન, દત્ત જયંતિ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાતા રહે છે. લાખો ભાવિકો દર વર્ષે ભવનાથ અને ગિરનારની પવિત્ર ભૂમિમાં પધારે છે. ૩૩ કરોડ દેવતાઓનો જયાં વાસ છે. તેવા ગરવા ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં સેવાભાવી સંસ્થા, ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભાવિકોની સુવિધા માટે અન્નક્ષેત્રો અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તળેટીમાં પ્રવેશતા જ લંબે હનુમાનજીનું મંદિર આવેલું છે. જયાં ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. ધાર્મિક અને સંસ્કારી નગરી એવા જૂનાગઢ અને તેની તદન નજીક આવેલ ભવનાથ અને ગિરનાર ક્ષેત્રનું ખુબ જ મહત્વ છે. ગિરિમાળાની રમણીય પર્વતમાળાનો કુદરતી ખજાનો નયનોને ઠંડક આપે છે. આ ઉપરાંત ગિરનારની ટોચ ઉપર બિરાજતા માં અંબાના દર્શનનો લ્હાવો ભાવિકો લઈ શકે તે માટે એશિયાનો સૌથી મોટા રોપવે કાર્યરત થયો છે. દુર દુરથી પ્રવાસી જનતા જૂનાગઢ આવે છે અને રોપવેની રોમાંચક સફર માણી અંબા માતાજીના દર્શનનો લાભ લઈ ભાવ વિભોર બની જાય છે. ભવનાથ ક્ષેત્રનું આકર્ષણ લોકોને ખુબ જ રહે છે. આ ધાર્મિક સ્થળે સિધ્ધ પુરૂષ, સંતો, ઓલિયાઓનાં દર્શનનો પણ લાભ ભાવિકોને મળે છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો શહેરની મધ્યમાં ભૂતનાથ મહાદેવ બીરાજે છે. ઉપરાંત બીએપીએસ અક્ષરવાડી સ્વામિ નારાયણ મંદિર આવેલ છે. જયારે જવાહર રોડ ઉપર ભગવાન સ્વામિ નારાયણના સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો બિરાજે છે. સ્વામિ નારાયણ મુખ્ય મંદિરે ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. જૂનાગઢ શહેરમાં વાઘેશ્વરી માતાજીના બેસણા છે. કૃષિ યુનિવર્સિટીમાં આવેલ ખોડીયાર માતાજી મંદિર, ખામધ્રોળ વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજી મંદિર તેમજ ઉપરકોટ ખાતે રા’નવઘણના કુળદેવી ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે. આ ઉપરાંત શહેરમાં કાળભૈરવ દાદાનું મંદિર, શનિદેવ મંદિર, ચામુંડા માતાજી મંદિર, રાંદલ માતાજી મંદિર, મહાલક્ષ્મી માતાજી મંદિર, જલારામ મંદિર પણ આવેલા છે. આ થઈ ધાર્મિક સ્થળોની વાત હવે વિવિધ ફરવા લાયક સ્થળોની વાત કરીએ. રાજાશાહી યુગ અને નવાબી શાસનકાળની અનેક સોનેરી યાદ તાજી કરનારા ઐતિહાસીક સ્થળો આવેલા છે. જેમાં ઉપરકોટનો સુપ્રસિધ્ધ કિલ્લો, મહાબત મકબરા, સંગ્રહાલય, સકકરબાગ પ્રાણી સંગ્રહાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટિ, અશોક શિલાલેખ સહીતના સ્થળો મુખ્ય ગણી શકાય. આ ઐતિહાસીક અને ફરવાલાયક સ્થળોએ દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસી જનતા મુલાકાતે આવે છે. ગુજરાત રાજયનું ઐતિહાસીક, રાજકીય, સામાજીક અને સાંસ્કૃતિક રીતે પણ જે ગુજરાતનાં આઠ મહાનગર પૈકીનું સૌથી શ્રેષ્ઠ સ્થળ છે એવા જૂનાગઢ શહેર પ્રવાસી જનતા માટે હોટ ફેવરીટ છે. એટલું જ નહી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતનાં નવનિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ જૂનાગઢ શહેરનો વિકાસ કરવામાં રસ છે અને એટલા માટે તો જૂનાગઢ શહેરના ઐતિહાસીક સ્થળોનો વિકાસ કરવા અને તેના રીનોવેશન માટે માતબર રકમની ફાળવણી કરાઈ છે. ઉપરકોટ, મહાબત મકબરાના રીનોવેશનની કામગીરી પુરજાેશથી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થતા જ જૂનાગઢની જનતાને ઉપરકોટ અને મહાબત મકબરાની ભેટ મળશે. આમ જૂનાગઢ શહેર આગામી દિવસોમાં પ્રવાસન ક્ષેત્રનું હબ બની જવાનું છે અને તેનો આનંદ જૂનાગઢ શહેરના વાસીઓને છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews