સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને કડકડતી ઠંડીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરાઇ છે. તેમાં સિંહ, વાઘ અને દિપડા જેવા પ્રાણીઓને ઠંડીથી બચાવવા તેમના પાંજરાની દિવાલોને ગાર માટીથી લીંપવામાં આવી છે. આ માટે હિટર, બલ્બ, પાંજરા ફરતે નેટ, અંદર ઘાસ પાથરવું લગાવવા સહિતની કામગીરી કરાઇ છે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, ઝૂમાં વિવિધ પ્રકારના મળી કુલ ૧,૧૦૦ કરતા પણ વધુ પ્રાણીઓ છે. અહિં દરેક ઋતુ પ્રમાણે પ્રાણીઓની કાળજી લેવાય છે. ઉનાળાની ઋતુમાં વન્યજીવોને ગરમીથી બચાવવા માટે ફૂવારા સહિતની વ્યવસ્થા ઉભી કરાય છે. જ્યારે હાલ શિયાળાની શરૂઆત થઇ ગઇ છે પરિણામે વાતાવરણ ટાઢુંબોળ રહે છે. સાથે દિવસ તેમજ મોડી રાતના સૂસવાટા સાથે કાતીલ ઠંડા પવન પણ ફૂંકાય રહ્યા છે. ત્યારે આવા સમયે કડકડતી ઠંડીથી પ્રાણીઓને બચાવવા માટે અને તેમનું શરીરનું ટેમ્પ્રેચર જળવાઇ રહે તે માટે વિશેષ સુવિધા ઉભી કરાઇ છે. ખાસ કરીને સસ્તન વર્ગના પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા તેમના પાંજરાની અંદર કોથળા પાથરી દેવાય છે. આ ઉપરાંત પાંજરા ફરતે ગ્રીનનેટ બાંધી દેવાય છે પરિણામે ઠંડા પવન અંદર ન પ્રવેશે અને પ્રાણીઓને ઠંડીથી બચાવી શકાય. જ્યારે સિંહ, દિપડા જેવા હિંસક અને માંસભક્ષી પ્રાણીઓને મોટાભાગે ઠંડીની સિઝનમાં નાઇટ શેલ્ટર હાઉસમાં રાખવામાં આવે છે. અહિં હીટર લગાવી દેવાયા છે જેથી વાતાવરણમાં ગરમાવો રહે અને ઠંડીથી રક્ષણ મળી શકે. જ્યારે તૃણભક્ષી એટલે કે જે ઘાસ ખાતા હોય તેવા હરણ, સાબર સસલા જેવા પ્રાણીઓને ઠંડીમાં ઠુંઠવાવું ન પડે તે માટે તેમના પાંજરામાં ઘાસ પાથરી દેવામાં આવ્યું છે જેથી વાતાવરણમાં ઠંડીની અસર ઓછી રહે છે અને ગરમાવો મળી રહે છે. જ્યારે સાપ, અજગર જેવા સરિસૃપો ઠંડા જીવો હોય છે. ત્યારે તેમને ગરમી મળી રહે તે માટે તેમના રહેઠાણમાં હિટર ગોઠવી દેવાયા છે. આ ઉપરાંત સાપ વગેરેના પાંજરામાં માટલા રાખી દેવાયા છે. આ માટલામાં લેમ્પ રાખી દેવાયા છે જેથી ગરમાવો મળી રહેતા સાપ, અજગર વગેરે માટલામાં પૂરાઇને બેસી રહે છે અને શિયાળાની ઋતુમાં પણ ઠંડીનો સામનો સારી રીતે કરી શકે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ, દીપડા જેવા ૨૦૦થી વધુ માંસભક્ષી પ્રાણીઓ છે. જ્યારે ઘાસખાઇને જીવતા હરણ, સાબર, સસલા જેવા તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા ૪૫૦થી વધુ છે. જ્યારે પોપટ, મોર જેવા વિવિધ જાતના ૩૫૦થી વધુ પક્ષીઓ છે. જ્યારે સાપ, અજગર જેવા વિવિધ પ્રકારના ૧૨૦થી વધુ સરિસૃપો છે. શિયાળાની ઋતુમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા હિટર, બલ્બ લગાવવા તેમજ ઘાસ પાથરી દેવું, નેટ બાંધી દેવા સહિતની કામગીરી તો કરાય જ છે. સાથોસાથ શિયાળામાં પ્રાણીઓને ભૂખ વધુ લાગતી હોય તેને ધ્યાને રાખી તેમના ખોરાકની માત્રામાં પણ વધારો કરી દેવાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews