ટ્રેનોમાં અનરિઝર્વડ ટીકીટ (જનરલ ટિકિટ) લઇને મુસાફરી કરતા પ્રવાસીઓની મુશ્કેલી ઘટાડવાની સાથે નવી સુવિધા આપવાના અભિગમ સાથે રેલ્વેના ભાવનગર ડીવીઝન દ્વારા યાત્રાધામ વેરાવળ અને સોમનાથના બંને રેલ્વે સ્ટેશનો ઉપર ઓટોમેટીક ટીકીટ વેન્ડીંગ મશીન (એટીવીએમ)ની સુવિધા પુરી પાડી છે. ડીવીઝનમાં આ સુવિધા સૌપ્રથમ ભાવનગર ટર્મિનસ રેલ્વે સ્ટેશન ઉપર શરૂ થઇ હતી. ત્યારબાદ કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક એવા યાત્રાધામ સોમનાથ અને વેરાવળના બંને રેલ્વે સ્ટેશનો ઉપર સુવિધા ઉભી કરી છે. આ બંને સ્ટેશનો ઉપરથી ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓને મશીન મારફત ટિકીટ લેવા રેલ વિભાગએ અનુરોધ પણ કર્યો છે. આ સુવિધા અંગે ડીવીઝનના અધિકારી માશુક અહમદએ જણાવેલ કે, વેરાવળ અને સોમનાથ રેલ્વે સ્ટેશન ઉપર એટીવીએમ મશીનો પ્રવાસીઓની જરૂરિયાત અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ઉભી કરવામાં આવી છે. ખાસ કરીને જે મુસાફરો અનરિઝર્વ્ડ (જનરલ) ટિકીટો સાથે દરરોજ નજીક અથવા મધ્યમ અંતર કે દુરના શહેરો સુધી જવા માટે મુસાફરી કરે છે. તેવા મુસાફરો એટીવીએમ મશીનમાંથી જનરલ ટિકિટ મેળવી શકશે. જાે કે ટિકીટ બારી ઉપરથી પહેલાની માફક ટિકીટ તો મળતી રહેશે પરંતુ મુસાફરોને લાઇનમાં ઉભા રહેવાથી સમયનો બગાડ અને ભાગદોડની સમસ્યા નિવારવા અર્થે રેલ્વે વિભાગ દ્વારા આ વધારાની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આવા મશીનો બોટાદ, જૂનાગઢ, પોરબંદર, કેશોદ અને ગોંડલના સ્ટેશનો ઉપર પણ મુકવામાં આવશે.
મુસાફરો સ્વયં આ રીતે ટિકીટ લઇ શકશે
રેલ્વે સ્ટેશનોમાં મુકવામાં આવેલ એટીવીએમ મશીનનો ઉપયોગ કરવાની પદ્ધતિ ખૂબ સરળ છે. આ માટે રેલ્વે વિભાગ મુસાફરોને એક કાર્ડ આપશે. આ કાર્ડને એટીવીએમના સેન્સર ઉપર મૂકવાનું રહેશે. ત્યારબાદ ભાષા અને ઝોન પસંદ કર્યા પછી મુસાફરોએ ગંતવ્ય સ્થાન, માર્ગ અને વર્ગ પસંદ કરવાનો રહેશે. આ પછી, સિંગલ રિટર્ન અને બાળક, પુખ્ત વયના વિકલ્પનો ઉપયોગ કરીને ટિકીટનો નંબર દાખલ કરવો પડશે. બાદમાં પલભરમાં પ્રિન્ટેડ ટિકીટ મુસાફરના હાથમાં આવી જશે. આથી ટિકીટ બારી ઉપર વધુ ભીડથી બચવા માટે આ નવી સરળ સુવિધાનો વધુ લાભ લેવા મુસાફરોને રેલ વિભાગે અપીલ કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews