Monday, July 4

દલીત સમાજનાં જાગૃત અને લડાયક નેતા પૂર્વ મેયર લાખાભાઈ પરમારને ભાવભરી શ્રધ્ધાંજલી

0

જૂનાગઢ મનપાનાં પૂર્વ મેયર તેમજ દલીત સમાજનાં લડાયક નેતા અને લોકપ્રશ્ને સતત જાગૃત રહી અને જીવનનાં અંતિમ શ્વાસ સુધી પ્રજાકીય પ્રશ્ને લડત આપનારા શ્રી લાખાભાઈ પરમારનું ગઈકાલે નિધન થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આંબેડકરનગર વિસ્તારમાં પોલીસ ચોકીની માંગણી સાથે છેલ્લા ૧૯ દિવસથી તેઓ ઉપવાસ આંદોલન કરી રહયા હતાં. અને આ દરમ્યાન ગઈકાલે તેમને પેરેલીસસનો હુમલો આવતા તેમને સારવાર માટે લઈ જવામાં આવી રહયા હતાં તે દરમ્યાન તેઓએ અંતિમ શ્વાસ છોડયા હતાં. અને આજરોજ સદગતની અંતિમયાત્રામાં વિવિધ ક્ષેત્રનાં આગેવાનો, અગ્રણીઓ, કોર્પોરેશનનાં પદાધિકારીઓ, કોંગ્રેસ પક્ષ તેમજ અન્ય પક્ષોનાં આગેવાનો, દલીત સમાજનાં અગ્રણી આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. અને શ્રી લાખાભાઈ પરમારને ભાવાંજલી અર્પણ કરી  હતી.  જૂનાગઢ બિલખા રોડ ઉપર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવાની માંગણી સાથે મનપાનાં પૂર્વ મેયર શ્રી લાખાભાઈ પરમાર છેલ્લા ૧૯ દિવસ થયા ઉપવાસી છાવણી નાંખી અને આંદોલન કરી રહયા હતાં. આ દરમ્યાન ગઈકાલે સવારે તેમને પેરેલીસસનો હુમલો આવતાં સિવીલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં લઈ જવામાં આવી રહેલ હતાં તે દરમ્યાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતાં. શ્રી લાખાભાઈ પરમારનાં દુઃખદ નિધનનાં સમાચાર વાયુવેગે પ્રસરી જતાં તેમનાં નિવાસ સ્થાને અગ્રણી આગેવાનો, દલીત સમાજનાં લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતાં. શ્રી લાખાભાઈ પરમારનું સત્યાગ્રહ આંદોલન દરમ્યાન જ દુઃખદ નિધન થયું હોય જેને લઈને તેમનાં પરીવારજનો તેમજ દલીત સમાજનાં લોકોએ આ વિસ્તારમાં શ્રી લાખાભાઈ પરમારની જે અંતિમ ઈચ્છા હતી તે પોલીસ ચોકીની માંગણી તે માંગણી પુરી કરવા માટે જયાં સુધી લેખીત ખાત્રી ન મળે ત્યાં સુધી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કર્યો હતો. અને એક તકે વાતાવરણ ગરમાયું હતું. આ દરમ્યાન જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા બનાવનાં સ્થળે દોડી ગયા હતાં. અને શ્રી લાખાભાઈ પરમારનાં પરીવારજનો તેમના સ્નેહીઓ, ચાહકો અને દલીત સમાજનાં લોકો સાથે બેઠક કરી હતી અને આંબેડકરનગર વિસ્તારમાં પોલીસ ચોકી આપવાની ખાત્રી આપ્યા બાદ મામલો થાળે પડયો હતો. દરમ્યાન કોંગ્રેસ પક્ષનાં એક વરીષ્ઠ આગેવાન, મનપાનાં મેયર તેમજ સતત ૯ વખત પોતાનાં વિસ્તારમાં ચુંટાયેલા કોર્પોરેટર એવા લોકોનાં ખાસ કરીને દલીત સમાજનાં જાગૃત અને લડાયક નેતા શ્રી લાખાભાઈ પરમારનાં મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવેલ હતો. જયાં વિવિધ ક્ષેત્રનાં આગેવાનો તેમજ તેમનાં ચાહકોએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ, જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા, મહામંત્રી વી.ટી. સીડા, જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીનાં પ્રતિનિધિ તરીકે મનોજભાઈ જાેષી તેમજ દલીત સમાજનાં જાગૃત આગેવાન અને અગ્રણી એવા રાજુભાઈ સોલંકી તેમજ વિવિધ ક્ષેત્રનાં આગેવાનો ઉપસ્થિત રહી અને સદગતને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. લાખાભાઈ પરમાર દલીત સમાજનાં અગ્રણી, જાગૃત કાર્યકર્તા અને પછાત વર્ગનાં મસીહા તરીકે પણ ઓળખાતા હતાં. તેમજ લડાકુ નેતા તરીકે તેઓની આગવી છાપ હતી અને ગમે તેને મ્હોં ઉપર જ સત્ય કહી આપતા હતાં. તેમજ બંધારણનાં ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનાં નિયમો અનુસાર ચાલનારા તેમજ દર વર્ષે આંબેડકર જયંતિનાં કાર્યક્રમો પણ ઉત્સાહપૂર્વક યોજતા હતાં. તેમજ દલીત સમાજનાં લોકોનાં વિવિધ પ્રશ્નો, પ્રજાકીય પ્રશ્નો તેમજ તેમનાં વિસ્તારનાં પ્રશ્નો અંગે કાયમને માટે ચિંતીત રહેતા હતાં અને સ્થાનિક કક્ષાએથી લઈ ઉચ્ચ કક્ષાએ પણ યોગ્ય રજુઆત કરી અને આ પ્રશ્નો ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હતાં. આ ઉપરાંત ઝુંપડપટ્ટીને રેગ્યુલાઈઝ કરવા માટેની પણ તેઓ દ્વારા સતત આંદોલન અને રજુઆતો કરવામાં આવી રહી છે. આમ પોતાનાં જીવન દરમ્યાન સતતને સતત પ્રજાકીય પ્રશ્ને લડત આપનારા લડાકુ નેતા જીવનનાં અંતિમ શ્વાસ સુધી પણ પ્રજાકીય પ્રશ્ને લડત આપતા હતાં અને વિરગતિ પામ્યા હોય તેમ ગઈકાલે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતાં. આ લડાયક નેતાને વિવિધ સમાજ, રાજકીય પક્ષો, દલીત સમાજ વગેરે દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર ભૂમિ પરીવાર દ્વારા પણ સદગતને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!