વેરાવળ તાલુકાના ઇણાજ ગામે દોઢ દાયકાથી એકલવાયુ જીવન જીવતા ૭૦ વર્ષીય વૃધ્ધાની તેમના જ ઘરમાં લુંટના ઇરાદે ઘાતકી રીતે ક્રૂર હત્યા થતા ગીર સોમનાથ જીલ્લા પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે. હત્યારાઓ વૃધ્ધાએ કાનમાં પહેરેલ સોનાના વેઢલા અને સોનાના હાર કિં. રૂા.૧.૩૫ લાખની લુંટ કરી નાસી ગયા છે. ઘટનાના પગલે પોલીસે હત્યારાઓને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વેરાવળ પંથકમાં થયેલ લુંટ અને મર્ડરની ઘટનાને લઇ જાણવા મળેલ વિગતો અનુસાર ઇણાજ ગામે લૂંટના ઇરાદે ૭૦ વર્ષીય વૃધ્ધાની ઘાતકી હત્યાની ચકચારી ઘટનાના પગલે નાના એવા ગામમાં સંન્નાટો પ્રસરી જવા પામ્યો છે. ઘટના અંગે ગામના પૂર્વ સરપંચ રમેશભાઈ ઝાલાના જણાવ્યા પ્રમાણે મૂળ સુત્રાપાડાના લાટી ગામના આહીર કડવીબેન પરબતભાઈ બારડ છેલ્લા પંદરેક વર્ષથી ઇણાજ ગામમાં રહેતા અને મજૂરી કામ કરી એકલવાયું જીવન ગાળતા હતા. ગઈકાલે વહેલી સવારે વૃધ્ધાના મકાનના દરવાજા ખુલ્લા હોય અને ત્યાંથી પસાર થતા પાડોશી મહિલા વૃધ્ધાના ઘરે જતા કડવીબેનનો લોહીથી લથબથ મૃતદેહ જાેઈ ડઘાઈ ગયેલ અને ગ્રામજનોને જાણ કરતા તાત્કાલીક પોલીસને જાણ કરાઈ હતી. મૃતક કડવીબેનના કાનમાં પહેરેલા સોનાના વેઢલા અને સોનાનો હાર ગાયબ હોય જેથી કોઈએ લૂંટના ઇરાદે હત્યા નિપજાવી હોવાનું અનુમાન વ્યકત થયુ હતું. મૃતક કડવીબેનના પરિવારમાં એક પુત્ર છે જે લોઢવા ગામે ઘરજમાઈ તરીકે રહે છે. જયારે સાત દીકરીઓ છે જે તમામ જુદા જુદા ગામે સાસરે છે. ઘટના અંગે પોલીસને જાણ થતાં પ્રભાસપાટણ પોલીસ તથા ગીર સોમનાથ જીલ્લા ક્રાઇમ બ્રાન્ચ સહિત ટીમના અધિકારીઓ દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટના અંગે મૃતક કડવીબેનની દિકરી જીવતીબેને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યકિત સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડીવાયએસપી બાંભણીયાના જણાવ્યા મુજબ મૃતક વૃધ્ધા કડવીબેનને પ્રથમ ગળે ટૂપો આપ્યા બાદ માથાના ભાગે બોથડ પદાર્થના આડેધડ ઘા મારી કરપીણ હત્યા નિપજાવેલ હતી. હાલ તો પોલીસે લૂંટ વિથ મર્ડરની ઘટના અંગે એફ.એસ.એલ સહિત સર્વેલન્સ ટીમની મદદથી ગુન્હાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરેલ છે. પ્રાથમિક અનુમાન મુજબ વૃધ્ધાની હત્યામાં નજીકના જ કોઈ જાણભેદુ વ્યક્તિની સંડોવણી સામે આવવાની શકયતા વર્તાય રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે. અત્રે નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં હત્યાના ગુન્હા સતત વધી રહ્યા છે છેલ્લા ૪૫ દિવસમાં જિલ્લામાં જુદા જુદા ૬ હત્યાના ગુન્હા નોંધાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews