જૂનાગઢ મનપાનાં પૂર્વ મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર હિમાંશુ પંડયા, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન રાકેશ ધુલેશીયા, શાસક પક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, શાસક પક્ષકનાં દંડક ધરમણભાઈ ડાંગર સહિતનાં પદાધિકારીઓની અઢી વર્ષની મુદત પુર્ણ થતાં એક શુભેચ્છા-મિલન સમારંભનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. ગત શનિવારે હોટેલ બેલવ્યુ સરોવર પોર્ટીકો ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રવાસન મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, શ્રીમતિ મીતાબેન ચાવડા તેમજ કોર્પોરેશનનાં પદાધિકારીઓ ઉપરાંત પૂર્વ ડે. મેયર ગીરીશભાઈ કોટેચા તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડીયાનાં તમામ પત્રકારો ઉપસ્થિત રહયા હતા. શનિવારે યોજાયેલા આ સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતું તેમજ મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયાએ અઢી વર્ષનાં શાસનકાળ સમયની રૂપરેખા વર્ણવી હતી તેમજ સહયોગ આપનારા તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ તકે મેયર ધીરૂભાઈ ગોહેલે અંદાજીત ૯૦૦ કરોડનાં વિકાસ કામોની રૂપરેખા દર્શાવી હતી તેમજ જૂનાગઢ શહેર માટે ખાસ કરીને નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશન તેમજ રીંગ રોડ માટે કરોડોની જમીન વિનામૂલ્યે અર્પણ કરનાર ગૌલોકવાસી પૂ.પાદ શ્રી કિશોરચંદ્રજી મહારાજ પ્રત્યે જૂનાગઢ શહેર અને જનતા કાયમ ઋણી રહેશે અને ગાયોની સેવામાં જીવન વ્યતીત કરનાર પૂ. કિશોરચંદ્રજી મહારાજને કોટી કોટી વંદના પણ કરવામાં આવેલ હતી. આ તકે પૂર્વ ડે. મેયર ગીરીશભાઈ કોટેચાએ પોતાની આગવી શૈલીમાં ધીરૂભાઈ ગોહેલનાં શાસનકાળ અંગે વિસદ છણાવટ કરી હતી. આ તકે પત્રકારો મિત્રોએ પણ પોતાના મંતવ્યો અને પ્રતિભાવ આપ્યા હતા. પૂર્વ પ્રવાસન મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ ધીરૂભાઈ ગોહેલનાં મેયર તરીકેનું નામ જાહેર કરવાથી લઈ અને જંગી બહુમતીથી જૂનાગઢ મનપામાં ભાજપને બહુમતી અપાવી એટલું જ નહી અઢી વર્ષનાં શાસનકાળ દરમ્યાન કોઈપણ જાતનું ખોટું કર્યુ નથી અને ભ્રષ્ટાચાર રહિત શાસન આપ્યું હતું તેમ જણાવ્યું હતું અને મેયર ધીરૂભાઈ ગોહેલનું શાલ ઓઢાડી બહુમાન કર્યુ હતું. શનિવારે યોજાયેલા કાર્યક્રમનું સંચાલન હારૂનભાઈ વિહળે કર્યુ હતું.