ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભા શોધ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રમતના વિકાસનો આધાર સ્તંભ બની ગયો છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ખેલ મહાકુંભમાં નોંધણી માટે ‘કર્ટેન રેઈઝર’ પોર્ટલનો શુભારંભ પ્રસંગે કહ્યું કે, ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભા શોધ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રમતના વિકાસનો આધાર સ્તંભ બની ગયો છે. ખેલ મહાકુંભ દ્વારા રાજયની ખેલ નીતિની એક આગવી ઓળખ ઉભી થઈ છે. આ વર્ષે કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેલમહાકુંભ યોજાશે એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રમત-ગમત ક્ષેત્રને ઉપેક્ષાથી બહાર લાવી ‘ખેલે તે ખિલે’ના સૂત્ર સાથે ગુજરાતમાં આજથી દશકા પહેલાં શરૂ થયેલો ખેલમહાકુંભ હવે વિરાટ જનરમતોત્સવ બની ગયો છે. ગુજરાતના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપી વૈશ્વિકસ્તરે તૈયાર કરવા તત્કાલીન મુખ્યમંત્રી અને પીએમ મોદી દ્વારા ગુજરાતમાં ખેલ મહાકુંભ-રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ઓલમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થઇ શકે તે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ થઇ રહ્યું છે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં રમતગમતની એવી ઇકોસિસ્ટમ અને કલ્ચર ડેવલપ થયું છે કે હવે ગુજરાતના ખેલાડીઓ માટે સ્કાય ઇઝ ધ લિમિટ છે. ખેલ મહાકુંભના કારણે રમતગમત ક્ષેત્રે ગુજરાતે અભાવને મિટાવીને પ્રભાવ સજર્યો છે. આજે ગુજરાતના ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે નામના વધારી રહ્યાં છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ‘રમશે ગુજરાત-જિતશે ગુજરાત’નો મંત્ર હવે ગુજરાતમાં આબાલ-વૃદ્ધ સૌના મનમાં ગૂંજતો થયો છે. બાળકમાં બચપણથી ખેલકૂદ મેદાનમાં પરસેવો પાડવાના સંસ્કાર સિંચનનો આ મહાકુંભ છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ખેલમહાકુંભની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રમત-ગમતના બધા જ ક્ષેત્રોમાં ગુજરાતે ઉત્તમ માનવ સંસાધન શકિતનું નિર્માણ કર્યુ છે તેની આ ખેલમહાકુંભની શ્રૃંખલાઓ સાક્ષી છે. આ માત્ર રમત મહોત્સવ નથી પણ આ તો ગુજરાતના વિકાસનો ખૂબ જ મહત્વનો પડાવ છે એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, સ્પર્ધાના યુગમાં યુવાનોની માનસિક અને શારીરિક ક્ષમતા વૈશ્વિક કક્ષાની બને તે માટેના મહા-અભિયાનનો આ એક સફળ આયામ છે. આ આયામ આજે તેના નવા પડાવ ઉપર પહોંચ્યો છે જે ગુજરાતમાટે ગૌરવપૂર્ણ બાબત છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ ખેલમહાકુંભ માત્ર પ્રતિભા શોધ માટે નહી પરંતુ ગુજરાતમાં રમતના વિકાસનો આધાર સ્થંભ બની ગયો છે. ખેલ મહાકુંભનો મુખ્ય આશય લોકોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય, શારિરીક તદુંરસ્તી જળવાય રહે અને રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેલ મહાકુંભમાં લોકોની બહોળી ભાગીદારી જાેવા મળી છે. દર વર્ષે રજિસ્ટ્રેશનની સંખ્યા પણ વધતી જ જાય છે. ૨૦૧૦માં યોજાયેલા ખેલમહાકુંભમાં ભાગ લેવા માટે સાડા સોળ લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગુજરાતના યુવાનો-રમતવીરોને અપીલ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આઝાદીના અમૃત વર્ષે ખેલમહાકૂંભમાં ૭૫ લાખ રજીસ્ટ્રેશનનું લક્ષ્ય છે. આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ગુજરાતના કિશોર, તરૂણ, યુવાનો નાના-મોટા સૌ અને રમતવીરો આ ખેલમહાકૂંભના મહત્તમ ભાગીદાર બને એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. ખેલમહાકૂંભના આ કર્ટેન રેઝર અવસરે મુખ્યમંત્રીએ દેશના સ્વાતંત્રવીરોમાંથી-મહાપુરૂષોમાંથી ફીટનેસની પ્રેરણા લેવાનો પણ અનુરોધ કર્યો હતો. સ્વસ્થ રાજ્યના નિર્માણ માટે ખેલમહાકૂંભ જેવા આયોજનો સહાયરૂપ બનશે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના રાજયમંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક પ્રવચનમા જણાવ્યું હતું કે, રાજયના દરેક ગામ, તાલુકા, જીલ્લાના યુવાઓની શક્તિ બહાર લાવવાનું માધ્યમ એટલે ‘ખેલમહાકુંભ’. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલી ખેલમહાકુંભની મુહીમ આજે નવા આયામો સાકાર કરી રહી છે. ‘ખેલમહાકુંભ’ના પગલે રાજયના ખેલાડીઓ વૈશ્વિક કક્ષાએ પોતાનું કૌશલ્ય ઝળકાવી શક્યા છે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘ખેલમહાકુંભ’ની પ્રવૃત્તિ સુનિયોજિત પણે આગળ વધી રહી છે. રાજ્યના ૪૦ લાખથી વધુ ખેલાડીઓ તેમાં સહભાગી થશે તેવી આશા છે. રાજય સરકાર પણ કોવિડની ગાઈડલાઈનના અમલ સાથે આયોજન કરી રહી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજય સરકાર રાજયમાં અનેક સ્થળોએ અત્યાધુનિક સ્પોર્ટ્‌સ સેન્ટર બનાવવા જઈ રહી છે. સાથે સાથે ઉપલબ્ધ માળખાગત સુવિધાઓને ધ્યાને લઇ રમતગમતની આનુષંગિક સુવિધાઓ વિકસાવવા કટિબદ્ધ છે. આગામી સમયમાં રાજયના યુવાનોને રમતગમતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજય સરકારે સર્વગ્રાહી આયોજન કર્યું છે. વિવિધ રમતો માટે નિષ્ણાંત કોચ યુવાનોને તાલીમ માર્ગદર્શન આપે તેવું પણ આયોજન છે. મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં ‘સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્‌સ યુનિવર્સીટી’નું કાર્ય સંપન્ન કરવાની દિશામાં રાજય સરકાર પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. આગામી બે માસમાં હજી વધુ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ૧૫ મી મે -૨૦૨૨ સુધીમાં તેને કાર્યરત બનાવવા કટિબદ્ધ છે. રાજ્યમાં ‘સ્પોર્ટ્‌સ પોલીસી’ બનાવવાની દિશામાં રાજય સરકાર કાર્યરત છે તેનો ઉલ્લેખ કરી મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ટેક્ષટાઈલ હબ એવા સુરત અને અમદાવાદ સહિત અન્ય શહેરોમાં સ્પોર્ટ્‌સવેરના ઉત્પાદનો વધારવાનો પ્રયાસ હાલ ચાલુ છે એમ તેમણે ઉમેર્યું હતું. રાજયના રમતવીરોને પોલીસ વિભાગમા નોકરી મળે તે માટેની પોલીસી બની રહી હોવાની વિગતો પણ તેમણે આપી હતી. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ અશ્વિનીકુમારે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, રાજ્યમાં રમતગમત પ્રત્યેનું હકારાત્મક વાતાવરણ છે. યોજાનારા કાર્યક્રમના પગલે આ વાતાવરણને વધુ પ્રોત્સાહન મળશે. સિટીઝન સેન્ટ્રીક રાજયના એવા ગુજરાતમાં ખેલમહાકુંભ જેવી પ્રવૃત્તિઓના પગલે ગુજરાત મુઠ્ઠી ઉંચેરૂ બન્યું છે. સમગ્ર વિશ્વમાં સ્વસ્થ જીવનના પાયામાં રમતગમત અંત્યત ઉપયોગી છે, ત્યારે ગુજરાતમાં યોજાતા આ પ્રવૃતિ રાજયના રમતવીરોને વધુ સ્પર્ધાત્મક અને પરિણામલક્ષી બનાવશે. આ ખેલમહાકુંભમાં મહત્તમ રજીસ્ટ્રેશન થાય તે માટેના પ્રયાસો વધારવા તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજ કુમાર, અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે, મહેશ પટેલ કિરીટભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અનિલભાઈ ધામેલીયા, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ, સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આર.ડી. ભટ્ટ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્‌સ યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા, ભૂતપૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દરેક જિલ્લા સ્તરેથી જિલ્લાધિકારીઓ, પદાધિકારીઓ પણ વર્ચ્યુઅલી જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!