દેવભૂમિ દ્વારકામાં રહેતો એક હિન્દુ વાઘેર પરિવારમાં પતિ-પત્ની વચ્ચેના ગ્રહકલેસમાં કરૂણ અંજામ આવ્યો હતો. પતિએ આવેશમાં આવી પત્નીને કુહાડ વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે પણ એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયો હતો. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકાના રૂક્ષ્મણી ગેઈટ વિસ્તારમાં આવેલી ઝંુપડપટ્ટી ખાતે રહેતા લખમણભા કરસનભા સુમણીયા નામના આશરે ૫૦ વર્ષના આધેડને તેમના પત્ની સંતોકબેન(ઉ.વ.૪૬) સાથે કોઈ કારણોસર અવારનવાર બોલાચાલી થતી હતી. દંપતી વચ્ચે ચાલી રહેલા ઘર કંકાસે ગઈકાલે બપોરે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સંતોકબેનના પતિ લખમણભાના માથા ઉપર કાળ સવાર થઈ જતા બપોરે આશરે એકાદ વાગ્યાના સમયે તેણે પોતાના હાથમાં કુહાડો લીધો હતો અને પોતાની પત્ની સંતોકબેનના માથામાં ઝીંકી દીધો હતા. જેથી લોહી લુહાણ હાલતમાં મૂર્છિત બનેલા સંતોકબેનને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેણીનું મૃત્યું નીપજ્યું હતું. આ બનાવ પછી પતિ લખમણભાએ પણ પોતાના ઘરે એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સ્થાનિક હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દંપતીનો લગ્નગાળો આશરે ૨૬ વર્ષનો હતો અને લગ્નજીવન દરમ્યાન હાલ તેમને ચાર સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી એક પુત્ર તથા એક પુત્રીના લગ્ન થઈ ચૂક્યા છે. આ સમગ્ર બનાવ અંગે ટી.વી. સ્ટેશન વિસ્તારમાં અલગ રહેતા મૃતકના પુત્ર જગદીશભા લખમણભા સુમણીયા(ઉ.વ.૨૫) એ પોતાના પિતા સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવતા આરોપિ પિતા સામે હત્યાની કલમ ૩૦૨ વિગેરે મુજબ ગુનો નોંધી દ્વારકાના પી.આઈ. પી.એ. પરમાર તથા દ્વારકા પોલીસ સ્ટાફ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી છે. આ બનાવે દ્વારકા પંથકમાં ભારે ચકચાર જગાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews