જૂનાગઢમાં સોશ્યલ મીડિયાનાં ગેરઉપયોગ અંગેનો વધુ એક કિસ્સો : પોલીસની સમજાવટથી મામલે થાળે પડયો

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તેમજ મહિલાઓના મદદ માટે શરૂ કરવામાં આવેલ સી ટીમ દ્વારા મહિલાઓને મદદ કરવા તથા સુરક્ષા આપવા, જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલના સાંપ્રત સમયમાં સોશ્યલ મીડિયાના ગેર ઉપયોગના કારણે નાની ઉમરના બાળકો ઉપર પડતી વિપરીત અસરના બનાવો પણ બનતા રહેતા હોય છે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે પણ સોશ્યલ મીડિયાના ગેર ઉપયોગના કારણે ટીન એજર ઉપર પડેલ વિપરીત અસર અંગેનો એક કિસ્સો બહાર આવેલ છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતી સંસ્કારી મહિલા રાધાબેન(નામ બદલાવેલ છે)ના મોબાઇલ ફોન ઉપર અજાણ્યા નંબર ઉપરથી અજાણ્યા માણસ દ્વારા વોટ્‌સએપ ઉપર ખરાબ મેસેજ અને ફોન કોલ કરવાનું ચાલુ થયું હતું. મહિલા દ્વારા પ્રતિસાદ નહીં આપતા, મહિલા વાત કે મેસેજ નહીં કરે તો, વિસાવદર આવતા હોવાનું જણાવતા, સંયુક્ત કુટુંબમાં રહેતી મહિલા રાધા દ્વારા પોતાના પિતાને જાણ કરી, બંને પિતા પુત્રી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મોબાઈલ ફોન દ્વારા, ગભરાયેલા સ્થિતિમાં સમગ્ર હકકીત જણાવેલ હતી. સમાજમાં આબરૂ જવાની બીકે તેઓ મૌખિક જાણ કરેલ અને જરૂર પડે તો ફરિયાદ કરવા જણાવેલ અને આ છોકરો ફોન કરતો બંધ થાય એવું કરવા વિનંતી કરવામાં આવેલ હતી. આવા કિસ્સામાં આબરૂદાર મહિલાઓની માનસિક સ્થિતિ ખરાબ થઈ જતી હોવાના ઘણા કિસ્સાઓ બનતા હોય, બાબતની ગંભીરતા આધારે કોઈપણ અરજી ફરિયાદ કાગળની કાર્યવાહીમા પડયા સિવાય પીડિત આબરૂદાર મહિલા રાધાને મદદ કરવાના હેતુથી, તાત્કાલિક ટેક્નિકલ સેલ આધારે માહિતી મેળવી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમા, સ્ટાફના એ.એસ.આઈ. ભીમાભાઈ, રામદેભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય, સી ટીમના હે.કો. સુનિતાબેન, પો.કો. જ્યોતિબેન, મનીષાબેન સહિતની ટીમ દ્વારા મહિલાને મદદ કરી, સોશ્યલ મીડિયા દ્વારા મહિલાને પજવણી કરનારને શોધવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, સી ટીમ અને ડી સ્ટાફના માણસો દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા, યુવક કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હોય, ગણતરીના કલાકોમાં ટીન એજર યુવક પોતાના કુટુંબીજનો સાથે અને આગેવાન સાથે જૂનાગઢ પોલીસ સમક્ષ રજુ થઈ અને ભૂલનો સ્વીકાર કરી, ભવિષ્યમાં આ મહિલાને તો નહીં પણ કોઈપણ સ્ત્રીને મેસેજ કે ફોન નહીં કરવાની વાત કરતા, મહિલા અને તેના કુટુંબીજનોએ પણ હાશકારો અનુભવેલ હતો. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમા, સ્ટાફના એ.એસ.આઈ. ભીમાભાઈ, રામદેભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય, સી ટીમના હે.કો. સુનિતાબેન, પો.કો. જ્યોતિબેન, મનીષાબેન સહિતની ટીમ દ્વારા કુટુંબીજનો અને આગેવાનોની હાજરીમાં ટીન એજર યુવકને ભવિષ્યમાં ભણવામાં ધ્યાન આપવા, સોશ્યલ મીડિયાનો ગેરઉપયોગ બંધ કરવા સલાહ આપી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા ટીન એજર યુવકના કુટુંબીજનો તથા આગેવાનોને પણ સોશ્યલ મીડિયા દ્વારા બાળક કોઈ ગુન્હો કરી ના બેસે તે બાબતે પોતાના સંતાનનું ધ્યાન રાખવા પણ જાણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસની સી ટીમ દ્વારા માહિલાને મદદ કરવા વગર કાગળ તાત્કાલિક સંહિષ્ણુતાભરી કાર્યવાહી હાથ ધરી, જૂનાગઢ પોલીસની સતર્કતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે મહિલાને પજાવતા ટીન એજરને શોધી કાઢેલ હતો. મહિલાના પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. મહિલાના પરિવારજનો દ્વારા ટીન એજર દ્વારા ભૂલ સ્વીકારેલ હોય, યુવકના અભ્યાસને ધ્યાનમાં રાખી, ફરિયાદ કરવાનું ટાળેલ હતું. આજના આધુનિક સાંપ્રત સમયમાં સોશ્યલ મીડિયાના ગેરઉપયોગનો નાની ઉંમરના તરૂણો ઉપર કેવી વિપરીત અસર લાવે છે ? તે બાબતને ઉજાગર કરતો આ કિસ્સો સમાજના બાળકો અને તેના કુટુંબીજનો માટે લાલબત્તી સમાન સાબિત થયેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સકારાત્મક અભિગમ દ્વારા મહિલાને મદદ કરી, તેને પજવતા યુવકને શોધી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

 

error: Content is protected !!