ભવનાથ મંદિરે સાધુ-સંતોની બેઠક યોજાઈ : મહાશિવરાત્રી મેળાની વ્યવસ્થા અંગે ચર્ચા કરાઈ

0

જૂનાગઢનાં ભવનાથ તળેટી ખાતે આગામી શુક્રવારથી ગરવા ગિરનારની ગોદમાં બે વર્ષ બાદ મહાશિવારાત્રીનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારે ભાવિકોની સુખાકારી માટે વહિવટી તંત્રની સાથે સાથે સાધુ-સંતો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મેળો લોકો સુખમય શાંતિ સાથે માણી શકે વધુને વધુ સારી વ્યવસ્થા જળવાય તે માટે સાધુ-સંતો બેઠક યોજી તંત્રને માર્ગદર્શન આપી રહ્યા છે. ગઈકાલે ભવનાથ મહાદેવ મંદિર ખાતે સાધુ-સંતોની બેઠક યોજાઈ હતી જેમાં ભવનાથ મંદિરનાં મહંત હરીગીરીજી મહરાજનાં અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાયેલ હતી. જેમાં આ મેળામાં આવનાર ભાવિકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેમજ સ્વચ્છતા જળવાય, ગટરની વ્યવસ્થા, ગંદકી ન સર્જાય તે માટે તંત્ર યોગ્ય કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત ગિરનાર સીડી ઉપર લાઈટ, શોૈચાલય, પીવાનાં શુધ્ધ પાણીની વ્યવસ્થા કરાવવા અંગે જૂનાગઢ આવતા મુખ્યમંત્રીને રજૂઆત કરાશે તે નક્કી કરવામાં આવેલ હતું. આ બેઠકમાં જુના અખાડાનાં સભાપતિ પ્રેમગીરીજી મહારાજ, ભારતી આશ્રમનાં પૂ. હરીહરાનંદ ભારતીબાપુ, મુચકુન્દ આશ્રમનાં મહીન્દ્રાનંદજી, શ્રી રૂદેશ્વર જાગીર ભારતી બાપુ આશ્રમનાં પૂ. ઈન્દ્રભારતી બાપુ, અંબાજી મંદિરનાં પૂ. તનસુખગીરી બાપુ, દિવ્યાનંદ ભારતીબાપુ સહિતનાં સંતો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!