ભગવાન શિવજીની ભકિતમાં લીન થવાનો અવસર જૂનાગઢને આંગણે આવી ગયો છે. તિર્થોની નગરી એવી જૂનાગઢ શહેરની તદન નજીક આવેલા ભવનાથ ખાતે આવતીકાલે મહાવદ-૯ તા. રપ ફેબ્રુઆરીનાં રોજ ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાનો વિધીવત પ્રારંભ થશે. આ સાથે શ્રી પંચદશનામ જુના અખાડા, આહવાન અખાડા અને વિવિધ અખાડાઓ તેમજ ધાર્મિક જગ્યાઓએ પણ ધ્વજારોહણનાં કાર્યક્રમો યોજાશે. આવતીકાલથી શરૂ થતો શિવરાત્રી મેળો પાંચ દિવસ યોજાશે. જેમાં આ વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની ધારણા છે. છેલ્લા બે વર્ષ બાદ પૂર્ણ રીતે શિવરાત્રી મેળો આ વર્ષે યોજાઈ રહયો છે ત્યારે ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે. શિવરાત્રી મેળામાં આવનારા ભાવિકોની સુવિધા અને મેળો શાંતિપૂર્ણ રીતે યોજાઈ તે માટે જીલ્લા વહીવટી તંત્ર તેમજ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો, ઉતારા મંડળ દ્વારા ભાવિકો માટે ભોજન પ્રસાદ માટે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવી રહેલ છે. શિવરાત્રી મેળો શરૂ થવાને હવે ગણતરીનાં કલાકો જ બાકી રહયા છે ત્યારે શિવરાત્રી મેળાનું ખાસ આકર્ષણ એવા સંત, મહાત્માઓ પોત પોતાનાં ધુણા, સ્થાનો ઉપર બિરાજમાન થઈ રહયા છે. શિવરાત્રી મેળામાં ભાવિકોને સંતોનાં દિવ્ય દર્શનનો લ્હાવો મળશે. આજે ભવનાથ ક્ષેત્રમાં ભાવિકો ઉમટી રહયા છે, તો બીજી તરફ સંતો પોતાનાં સ્થાન ઉપર જાેવા મળી રહયા છે. જયારે રોજગારી માટે આવતા વેપારી, ધંધાર્થીઓને પણ શિવરાત્રી મેળામાં રોજગારી મળવાની છે. તેમજ બાળકો માટે ફજેત ફાળકા પણ ગોઠવાઈ રહયા છે. ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં યોજાતો શિવરાત્રી મેળો સર્વેને માટે શુભ અને કલ્યાણકારી બની રહે તેવી શુભેચ્છાઓ થઈ રહી છે. ભવનાથ ક્ષેત્રમાં ‘નગર મેં જાેગી આયા, અજબ હૈ તેરી માયા’નાં દ્રશ્યો જાેવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews