ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં સંગઠન પ્રભારી અને રાજસ્થાનનાં પૂર્વ આરોગ્યમંત્રી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, એ.આઇ.સી.સી.નાં સહ પ્રભારી ડો. બીશ્વરંજન મોહંતી, જીતેન્દ્ર બઘેલજી, સેવાદળનાં રાષ્ટ્રીય પ્રમુખ લાલાજી દેસાઈ, સોશ્યલ મીડિયાનાં રાષ્ટ્રીય પ્રમુખ રોહન ગુપ્તા, મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષા ગાયત્રીબા વાઘેલા, ગુજરાત કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા ડો. મનીષ દોશી, કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્યો, ૪૦૦થી વધુ ડેલીગેટો, પ્રદેશનાં પદાધિકારીઓ દ્વારકા ચિંતન શિબિરમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ ચિંતન શિબિરમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો, ડેલીગેટો ‘દ્વારકા ચિંતન શિબિર’ની ચર્ચામાં ભાગ લઈ આગામી વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ માટેનો રોડમેપ તૈયાર કરશે. જેમાં દ્વારકા રાજ્યમાં નાગરિકોને પડી રહેલી વિવિધ સમસ્યાઓ અંગે ૧૮થી વધુ મુદ્દાઓની સઘન ચર્ચા કરવામાં આવશે. તેમજ તા.ર૬ ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં ભાગ લેવા દ્વારકા આવશે. સૌ પ્રથમ દ્વારકાધીશને ધ્વજારોહણ કરી આશીર્વાદ મેળવી “દ્વારકા ચિંતન શિબિર”માં ઉપસ્થિત ૫૦૦ ડેલીગેટને ચર્ચા કરીને માર્ગદર્શન આપશે. આ શિબિરમાં કોંગ્રેસ પક્ષના તમામ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓ, કોર કમીટીના સભ્યો, કોર્ડિનેસન કમીટીના સભ્યો ભાગ લઈ વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૫ બેઠક જીતવા રોડ મેપ બનાવશે. ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ, જનતાને સ્પર્શતા મુદ્દાઓ, ભાજપની નિષ્ફળતા સાથે ચાર્ટર ડીમાન્ડ રજુ કરાશે. તા.૨૭મીએ ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીને ગુજરાત ૬ કરોડ જનતા માટે ‘દ્વારકા ડેકલેરેશન’ રજુ કરશે.