તોકતે વાવાઝોડા બાદ ગીર પંથકના કેસર કેરીના આંબાના બગીચાઓમાં આશ્ચર્યજનક ઘટના, એક આંબામાં ખાખડી પણ આવી અને ફલાવરિંગની પ્રક્રીયા પણ ચાલુ

0

ગત વર્ષે તોકતે વાવાઝોડાના કહેરમાં ગીર સોમનાથ જીલ્લાના ઉના, ગીરગઢડા, કોડીનાર અને તાલાલા ગીર પંથકમાં આવેલા સેંકડો કેસર કેરીના આંબાના બગીચાઓમાં ભારે નુકસાન પહોચ્યું હતું. ત્યારબાદના સમયગાળામાં આ ચારેય પંથકમાં કલાઇમેન્ટડ ચેન્જના કારણે બદલતા વાતાવરણએ પણ નુકસાન પહોંચાડયાની આંશકા કેરી પકવતા ખેડૂતો વ્યકત કરી રહયા હતા. ત્યારબાદ હાલના દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાના આ ચારેય પંથકના કેસર કેરીના આંબાનાં કેટલાય બગીચાઓમાં ખાખડી (નાની કેરી) આવી ચુકી છે. તો હજુ કેટલાક બગીચાઓમાં ફલાવરીંગની પ્રક્રીયા શરૂ છે. તો કેટલાક બગીચાઓમાં એક જ આંબા ઉપર ખાખડી પણ આવી છે અને ફલાવરિંગ પણ થઈ રહ્યું છે. આમ, ગ્લોબલ વોર્મિંગને કારણે આંબાના બગીચાઓમાં આશ્ચર્યજનક ઘટનાઓ બની રહયાનું સામે આવ્યુ છે. તો એકંદરે કેસરનો પાક લેતા ખેડુતો અને ઈજારદાર આશ્ચર્યચકિત હોવાની સાથે થોડા ખુશ પણ જાેવા મળી રહ્યા છે. હાલના દિવસોમાં ગીર પંથકમાં આવેલા કેટલાક ગરમ વિસ્તારોમાં ખાખડી પણ આવી રહી છે. તો કેટલાય ઠંડા વિસ્તારમાં હજુ આંબા ઉપર ફલાવરિંગ આવી રહ્યું છે. આવી અચરજ ભરી ઘટના ગ્લોબલ વોર્મિંગના કારણે બની રહી હોવાનું કેરી પકવતા ખેડૂતો જણાવી રહ્યા છે. કેરીના એક જ બગીચામાં રહેલા એક આંબા ઉપર એક તરફ ખાખડી ઝુલી રહી છે તો બીજી તરફ હજુ ફલાવરિંગની પ્રક્રીયા ચાલુ જાેવા મળે છે ! આંબામાં આગતર-પાછતર ફલાવરિંગને કારણે આવું થઈ રહ્યું હોવાનું ગીરનાં ખેડૂત હરિસિંહ રાઠોડ માનતા હોવાનું જણાવી કહે છે કે, ‘કોઈપણ પ્રકારની ખેતીમાં ૨૫ ટકા ખેડુતની મહેનત અને ૭૫ ટકા કુદરતની કૃપા જરૂરી છે. તમે ગમે તેટલી મહેનત કરો જાે કુદરત રૂઠે ત્યાં કોઈ આડા હાથ દઈ શકતું નથી.’ ગીરગઢડા અને ઉના તાલુકા કરતા કોડીનાર અને તાલાળા વિસ્તારમાં તોકતે વાવાઝોડા બાદ સ્થિતિ ઘણી સારી છે. તોકતે વાવાઝોડાએ ઉના અને ગીરગઢડા પંથકના વિસ્તાારોમાં તો આંબાઓને મુળ સમેત ઉખાડીને ફેંકી દીધા હતા. જેની સામે તાલાલા અને કોડીનાર પંથકના વિસ્તારમાં આંબાઓ મોટી નુકસાનીથી બચી ગયા હતા. આવા આંબાઓની માવજત કરવાથી હાલ તેમાં ફલાવરિંગ પણ આવી રહ્યું છે તો કેટલાક બગીચાઓમાં ખાખડી પણ આવી ચુકી છે. હવે કુદરત મહેરબાન થાય અને વાતાવરણની વિષમતા ન આવે તો એપ્રિલમાં કેસર કેરીના રસિકોને કેરી ખાવા મળી રહેશે. તો ગીર પંથકનાં આંબાનાં કેટલાક બગીચાઓમાં ખાખડી બાઝી ગઈ છે. ત્યારે ખેડૂતો અને ઈજારદારમાં ખુશી જાેવા મળે છે. પણ સાથે ભય પણ છે જે અંગે ખેડૂત દિલીપભાઇ બારડ જણાવે છે કે, જાે વાતાવરણ બદલાય અને કમોસમી વરસાદ થાય અને વધુ પડતી ઝાંકળ પડે તો હાથમાં આવેલો કોળીયો ઝુંટવાઈ જશે અને આંબે આવેલી ખાખડી પણ ખરી પડશે. આંબામાં આગતર-પાછતર ફલાવરિંગના કારણે કેસર રસીયાઓને કેરીનો સ્વાદ ચાખવા જરૂર મળશે પણ ઉંચી કિંમત ચુકવીને ! વાતાવરણ જાે સ્થિર રહેશે તો આગામી એપ્રિલની શરૂઆતમાં કેસર કેરી બજારમાં આવતી થશે. પરંતુ જાે ઝાંકળ વધી તો ખાખડી ખરી જવાની પુરેપુરી સંભાવના છે. આમ પણ આ વર્ષે કેસર કેરીનું ઓછું ઉત્પાદન થશે તેવું કેરી પકવતા ખેડુતો અને ઈજારદારો આંશકા વ્યકત કરી રહ્યા છે. કેસર કેરીના રસીકોને ગીરની પ્રખ્યાત કેરી ખાવા તો મળશે પરંતુ તેની કિંમત વધુ ચુકવવી પડશે તે નક્કી છે. તો સાથે ખેડુતો પણ સતત ચિંતિત છે કે વાતાવરણ વિષમ ન થાય તો પ્રભુ કૃપા.

error: Content is protected !!