ભારતી આશ્રમ ખાતે આજથી પાંચ દિવસીય ઉત્સવનો શુભારંભ

0

સમગ્ર વિશ્વની શ્રેષ્ઠતમ આધ્યાત્મીક ભૂમિ ગરવા ગિરનારની ગોદમાં ભારતી આશ્રમ ખાતે આજથી પાંચ દિવસ સુધી દિવ્ય અને ભવ્ય ધર્મોત્સવ યોજાય રહયો છે. પૂ. બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભરભારતી બાપુની સાધના સ્થલી શ્રી ભારતી આશ્રમ ખાતે આશ્રમના મહંત શ્રી હરીહરાનંદ ભારતીજી મહારાજનાં સાંનિધ્યે સતત પાંચ દિવસ સુધી પંચ દિવસીય ઉત્સવમાં સમગ્ર ભારતમાંથી તપસ્વી અને પૂજનીય સંતો-મહંતો ઉપસ્થિત રહેનાર છે. જેમાં આચાર્ય મંડલેશ્વર જુના પીઠાધીશ્વર  અવધેશાનંદગીરીજી મહારાજ, શ્રી મહંત હરીગીરીજી મહારાજ, પીઠાધીશ જયશ્રીકાનંદજી માતાજી, સભાપતિ ઉમાશંકર ભારતીજી મહારાજ, વર્તમાન સભાપતિ મહંત પ્રેમભારતીજી મહારાજ, સ્થાયી ભવનાથનાં વરીષ્ઠ સંતો, અધ્યક્ષ  ઈન્દ્રભારતીજી, સભાપતિ  અગ્નિ અખાડાનાં મુકતાનંદજી મહારાજ, યોગી શેરનાથ બાપુ, જુના અખાડાનાં પીઠાધિકારીઓ તથા સંતો-મહંતો, દેહાણ જગ્યાનાં સંતો, શ્રી પરબધામ, પાળીયાદ, સતાધાર, તોરણીયા, દુધરેજ, વડવાળા વગેરે ઉપસ્થિત રહેશે. બાપુના ખાસ અંગત મિત્ર દલપતગીરી બાપુ (શિવ નિકેતન), મહાદેવગીરી બાપુ જેવા સંતો-મહંતો ઉપસ્થિત રહેનાર છે. આજે તા. રપ-ર-રરનાં રોજ શિવરાત્રી મેળાના પ્રારંભ સાથે આશ્રમ ઉપર ભજન, ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ રચાશે. તા. ર૬-ર-રરનાં રોજ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. તા. ર૭-ર-રરનાં રોજ ભવ્ય ધર્મસભા યોજાશે જેમાં તપસ્વી અને પૂજનીય સંતો ઉપસ્થિત રહી સભામાં અભિવૃધ્ધિ કરશે. તા. ર૮-ર-રરનાં રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વરીષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં  પૂ. બ્રહ્મલીન ભારતીબાપુની સમાધિ મંદિરની મૂર્તિનું અનાવરણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે. તેમજ ભારતભરમાંથી પધારેલ સંતોનાં સાંનિધ્યમાં ષોડશી ભંડારો તેમજ સમાધિ પૂજન કરવામાં આવશે. આ પાંચ દિવસ દરમ્યાન રાત્રીનાં ૯.૩૦ થી કિર્તીદાન ગઢવી, નિરંજનભાઈ પંડયા તેમજ નામી-અનામી કલાકારો દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. યજ્ઞ મહોત્સવ, સાધુ-સંતોની ભવ્ય ધર્મસભા, પૂ. ભારતીબાપુની સમાધિ મંદિરનું પૂજન, ભારતી બાપુની મૂર્તિ અનાવરણ પૂ. ભારતી બાપુનો ષોડશી ભંડારો આ બધા કાર્યક્રમો પાંચ દિવસ દરમ્યાન યોજાવાના છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમના મહંત હરીહરાનંદ ભારતીબાપુ દ્વારા વિવિધ સમીતીઓ બનાવી સુંદર આયોજન કરવામાં આવેલ છે. તેમજ ભારતીબાપુ પરીવારનાં સંતો મહંતો અને સેવક સમુદાય દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ભારતી આશ્રમ હાલ સંતોથી સુશોભિત અને સત્સંગમય અનુભૂતિ દ્વારા મેળાની શોભામાં અભિવૃધ્ધિ કરી રહયા છે. ત્યારે સર્વ ધર્મપ્રેમી જનતાને આ તમામ કાર્યક્રમમાં પધારવા ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ ભારતીબાપુ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!