જૂનાગઢનાં ભવનાથ તિર્થ ક્ષેત્રમાં આજે મહાવદ-૯ના દિવસે શિવરાત્રીના મેળાનો ભક્તિભાવપુર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેવાધી દેવ ભવનાથ મહાદેવને સવારે ધ્વજારોહણ સાથે શિવરાત્રીનો મેળો વિધીવત રીતે શરૂ થયો હતો. અને હર..હર.. મહાદેવ હર.., જય ભોલે, બમ ભોલે..ના નાદો ગુંજી ઉઠયા હતા. ભવનાથ તળેટી ખાતે પરંપરાગત રીતે યોજાતા શિવરાત્રી મેળાનો ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે સંતો, મહંતો, મહાનુભાવો, પદાધિકારીઓ તેમજ ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. વાજતે-ગાજતે સંતો દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. આજે ભવનાથ મહાદેવ મંદિરે તેમજ પંચ દશનામ જૂના અખાડા, આહવાન અખાડા તેમજ વિવિધ અખાડાઓમાં ધ્વજારોહણનાં કાર્યક્રમ યોજાયા હતા. પાંચ દિવસના શિવરાત્રી મેળામાં ભજન, ભોજન અને ભક્તિની સરવાણી વહેતી થશે. ભાવિકોને શિવરાત્રીના મેળામાં પધારવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.