શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૪મો પદવીદાન સમારોહ : ૭૫૬ છાત્રોને ડિગ્રી એનાયત કરાશે

0

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૪માં પદવીદાન સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં ૭૫૬ જેટલા છાત્રોને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની પ્રત્યક્ષ પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ સાથે જ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પરિસરમાં રૂા.૭.૬૧ કરોડના ખર્ચે નવનિર્મિત બૃહસ્પતિ ગ્રંથાલયનું લોકાર્પણ કરવામાં આવશે. માધ્યમકર્મીઓ સાથે સંવાદ કરતા ઉપરોક્ત જાણકારી આપતા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલપિત ડો. લલિતકુમાર પટેલ અને કુલ સચિવ ડો. દશરથ જાદવે જણાવ્યું કે, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળનો ૧૪મો પદવીદાન સમારોહ તા.૨૮-૨-૨૦૨૨ને સોમવારે સવારે ૧૧ કલાકે યુનિવર્સિટી પરિસરમાં આયોજિત કરવામાં આવ્યો છે. આ પદવીદાન સમારોહમાં ગુજરાત રાજયના રાજયપાલ દેવવ્રત આચાર્ય અધ્યક્ષ સ્થાને(ઓનલાઇન) ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહેશે. ઉપરાંત સારસ્વત અતિથિ તરીકે સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વારાણસીના કુલપતિ પ્રો. હરેરામ ત્રિપાઠી પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે. આ સાથે જ યુનિવર્સિટી પરિસરમાં રાજ્ય સરકારના અનુદાનથી નવનિર્મિત ‘‘બૃહસ્પતિઃ’’ ગ્રંથાલયનું લોકાર્પણ ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને યુનિવર્સિટીઓના કુલાધિપતિ દેવવ્રત આચાર્ય(ઓનલાઈન), ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે થનાર છે. યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી(બી.એ.)-૩૩૩, આચાર્ય(એમ.એ.)-૧૮૪, પી.જી.ડી.સી.એ.-૧૭૪, શિક્ષાશાસ્ત્રી(બી.એડ.) ૫૧, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)-૦૯ અને વિદ્યાવારિધિ(પીએચ.ડી.)-૦૫ મળીને કુલ ૭૫૬ ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારોહમાં કુલ ૨૦ ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને ૪ સિલ્વરમેડલ (રજત પદક) એમ કુલ મળીને ૨૪ જેટલા પદકો પણ એનાયત કરવામાં આવશે. આ સાથે વિશેષમાં શ્રી ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ, જૂનાગઢ અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વચ્ચે થયેલ એમઓયુ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યાકરણ વિષયનાં સંસ્કૃત વિદ્વાન(શ્રીમતિ સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૨)-પુરસ્કાર ડો. વાચસ્પતિ મિશ્રજીને એનાયત કરવામાં આવશે તેમ કાર્યકારી કુલપતિ લલીતકુમાર પટેલ અને કુલસચિવ ડો. દશરથ જાદવે જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!