જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામના બે ગાઢ મિત્રો ઐયુબ અને રવિ બુધવારે સાંજે બાઈક ઉપર આરેણાથી હુસેનાબાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં બંધ પડેલ બોઘી સાથે બાઈક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પરિણામે બંને મિત્રોના મોત નિપજતા આખું હુસેનાબાદ ગામ હિબકે ચડયું હતું. આ બનાવની મળતી વિગતો મુજબ હુસેનાબાદના બે મિત્રો અયુબ મોહમદ કાલવાત(ઉ.વ.૨૧) અને રવિ રણજીત કામરીયા(ઉ.વ.૨૨) આ બંને મિત્રો બાઈક ઉપર બુધવારની સંધ્યાએ કોઈ કામ સબબ આરેણા ગયા હતા. ત્યાંથી રાત્રે ૯ વાગ્યાની આસપાસ બંને મિત્રો બાઈક ઉપર પરત પોતાના ઘરે હુસેનાબાદ ગામે આવી રહ્યા હતા એ દરમ્યાન સુપરવડ પાસે વળાંક ઉપર બંધ હાલતમાં પડેલી બોઘીમાં બાઈક ધડાકાભેર અથડાઈ હતી. પરિણામે ઐયુબને માથાના ભાગે અને તેના મિત્ર રવિને છાતી અને બાવળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બંનેને તાત્કાલિક અસરથી માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં અયુબને તબિબો દ્વારા મૃત જાહેર કરાયો હતો જ્યારે તેના મિત્ર રવિને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું પણ મોત નીપજ્યું હતું. ભાઈ જેવા બંને જુવાનજાેધ મિત્રોના અકાળે મોત થતા આખા ગામમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પાલિકા પ્રમુખ મોહંમદહુસેનભાઈ ઝાલા, જમીયત ઉલમા જૂનાગઢ જિલ્લા સેક્રેટરી અ. રજાક ગોસલીયા, હુસેનાબાદ તાલુકા પંચાયત સદસ્ય આહમદભાઈ બતક સહિતના આગેવાનો સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. આ બાબતે માંગરોળ પોલીસ દ્વારા પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews