રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલા ભીષણ યુદ્ધે હાલ સર્વત્ર ભય અને ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. જેમાં ખાસ કરીને યુક્રેન ખાતે અભ્યાસ અર્થે ગયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. યુક્રેનમાં વણસતી જતી પરિસ્થિતિ વચ્ચે ભારતના રહીશો તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સ્વદેશ પરત લાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા મિશન ગંગા અંતર્ગત ખાસ ઝુંબેશ ધરવામાં આવી છે. આ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયા હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા તેમના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઇ અને સાંત્વના આપવામાં આવી રહી છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના રહીશ ભરતકુમાર મુરૂભાઈ ગોરાણીયાના ઘરે અહીંના જિલ્લા શિક્ષણ અધિકારી તથા કલ્યાણપુર તાલુકાના નોડલ અધિકારીએ ખાસ મુલાકાત લીધી હતી. આ વિદ્યાર્થીના પરિવારજનોને સાંત્વના આપી અને સરકાર દ્વારા શક્ય તમામ મદદ કરી કરવામાં આવશે અને તેમના સંતાનોને પરત લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ વચ્ચે આ વિદ્યાર્થી યુક્રેન બોર્ડર ક્રોસ કરી અને પોલેન્ડ પહોંચી ગયો હોવાનું તથા ત્યાં હાલ સંપૂર્ણ સલામત હોવાનું પણ તંત્રના ધ્યાને આવ્યું છે.