પંચાયત વિભાગની ભરતીમાં એકને ગોળ અને એકને ખોળની નીતિના આક્ષેપ

0

પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવતી ગ્રામસેવક ભરતીમાં અગાઉ કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવતા હતા પરંતુ તા.૧૧-૧-૨૦૨૨ના જાહેરનામા દ્વારા ઉચ્ચ ડિગ્રીઓનો સમાવેશ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે પંચાયત મંત્રી દ્વારા એક ટીવી ઇન્ટરવ્યૂમાં આ બાબતે વધુ સ્પષ્ટતા ન કરતા બધાને તક આપવા માંગીએ છે તેવો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓની યોગ્ય માંગણીને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પંચાયત વિભાગ દ્વારા તાજેતરમાં અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) વર્ગ-૩ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવતા તેમાં માત્ર ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ લાયકાત રાખવામાં આવી છે અને આ બાબતે બી.ઇ. સિવિલના વિદ્યાર્થીઓએ વિરોધ કરતા પંચાયત મંત્રીએ સ્પષ્ટતા કરી કે ડિપ્લોમા ઇન સિવિલના વિદ્યાર્થીઓ માટે સીમિત તકો હોવાથી તેમજ અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) વર્ગ-૩ કક્ષાની ભરતી છે તેમજ મર્યાદિત તકો હોવાથી માત્ર ડિપ્લોમા ઇન સિવિલ માન્ય રાખવામાં આવેલ છે અને જે ઉચ્ચ ડિગ્રી ધારકો છે તેને વર્ગ-૧ અને વર્ગ-૨માં વિપુલ તકો મળી રહે છે. આમ એક જ વિભાગની બે અલગ અલગ ભરતીઓમાં અલગ-અલગ નીતિ જાેવા મળતા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓએ પંચાયત મંત્રી સહિતનાઓને પત્ર તેમજ સોશ્યલ મીડિયા માધ્યમથી રજુઆતો કરી રહ્યા છે કે અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) વર્ગ-૩ની ભરતીમાં તમે સમજી શકતા હોવ કે ડિપ્લોમા માટે માત્ર સીમિત તકો છે તો ‘ગ્રામસેવક’ ભરતીમાં અમારી રજૂઆતને સમજીને કેમ ન્યાય નથી આપી રહ્યા ? વિશેષમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ગ્રામસેવક ભરતી માટે ૧-૧-૨૦૧૮ના નિયમ મુજબ ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવતા હતા તે વિદ્યાર્થીઓ માટે પણ માત્ર ગ્રામસેવક પૂરતી જ તક રહેલી છે અને આ બાબતે અનેક એમપી/એમએલએ, વિદ્યાપીઠો તેમજ વિદ્યાર્થીઓ રજૂઆતો કરી ચુક્યા છે તેમ છતાં ન્યાય નથી મળી રહ્યો. ત્યારે અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) વર્ગ-૩ની જાહેરાત બાદ ખુદ પંચાયત મંત્રી સ્વીકારે છે કે, ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે સીમિત તકો છે, તો બે અલગ અલગ ભરતીમાં એકને ગોળ અને એકને ખોળની નીતિ કેમ ? માટે પંચાયત મંત્રી પાસે અમારી અડગ માંગણી છે કે, ૧૧-૧-૨૦૨૨નું જાહેરનામું રદ કરી તા.૧-૧-૧૮ના આરઆર પ્રમાણે ગ્રામસેવકની ભરતી કરી ન્યાય આપવામાં આવે.

error: Content is protected !!