વેરાવળ-સોમનાથ નગરપાલીકાનું ચુંટણલક્ષી ૨૯ કરોડના વિકાસકામોની જાેગવાઇવાળુ ૮૨ કરોડના કદનું બજેટ સતાધારી ભાજપે વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતિથી પસાર કર્યુ

0

વેરાવળ-સોમનાથ નગરપાલીકાની બજેટ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોના વિરોધ વચ્ચે પાલીકાનું વર્ષ ૨૦૨૨-૨૩ નું રૂા. ૮૨ કરોડનું કદનું અને ૨૯ કરોડના વિકાસ કામોની જાેગવાઇ ધરાવતા વિકાસલક્ષી બજેટને સતાધારી ભાજપના સભ્યોએ બહુમતીએ મંજૂર કરી પસાર કરી દીઘું હતું. પુર્ણાહુતિ સમયે કોંગી નગરસેવીકના પતિદેવએ બેઠકની અંદર આવી બાંધકામ શાખાના અધિકારીઓને ધમકાવી આક્ષેપ કરી હોબાળો કરતા પ્રમુખે બજેટ બેઠકને પુર્ણ જાહેર કરી દીધી હતી. જેને લઇ કોંગ્રસના સભ્યોએ સભાખંડમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ગઈકાલે સાંજે પાલીકાના સભાખંડમાં બજેટ બેઠક મળી હતી. જેમાં સતાધારી ભાજપના ૨૫ અને કોંગ્રેસના ૧૧ મળી ૩૬ સભ્યો હાજર રહેલ જયારે બંને પક્ષના ૮ સભ્યો ગેરહાજર રહયા હતા. બેઠકમાં પ્રથમ યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ અંગે મિનીટનું મૌન પાડી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ આગામી વર્ષ ૨૦૨૨-૨૩નુ બજેટ રજુ કરવામાં આવેલ હતુ. જેને વિપક્ષ કોંગ્રેસના સભ્યોના શાબ્દીક વિરોધ વચ્ચે સતાધારી ભાજપના સભ્યોએ બહુમતિના જાેરે મંજૂરી આપી પસાર કર્યુ હતુ. બજેટ ઉપર ચર્ચામાં સતાપક્ષ તરફથી તમામ વોર્ડની જરૂરીયાતોને ધ્યાને રાખી રૂા.૨૯ કરોડના વિકાસ કામો કરવાની સાથે જરૂરી ખર્ચાઓની જાેગવાઇ કરવામાં આવી છે. તો કોંગ્રેસના સભ્યોએ પ્રાથમીક સુવિધાના અને વિકાસના કામો ન થતો હોવાનું જણાવી વિરોધ કર્યો હતો. બેઠકના અંતે એક મુદાને લઇ કોંગ્રેસના સભ્યોએ હોબાળો શરૂ કરતા પ્રમુખે પુર્ણ જાહેર કરી દીધી હતી જેને સભાખંડમાં વિપક્ષએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. હોબાળા અંગે પાલીકા પ્રમુખ પીયુષ ફોંફડીએ જણાવેલ કે, બજેટ બેઠકમાં અગાઉથી સભ્યો સિવાય કોઇના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ હોવા છતાં કોંગ્રેસના એક મહિલા નગરસેવીકાના પતિ ચાલુ બેઠકમાં અંદર પ્રવેશી બાંધકામ શાખાના અધિકારીઓ ઉપર જાહેરમાં આક્ષેપ કરી ધમકાવા લાગેલ જેથી તેને બહાર નિકળી જવા આદેશ કરેલ હતો. આ મુદાને લઇ કોંગ્રેસના સભ્યોએ નાટક શરૂ કરી હોબાળો કર્યો હતો. અમોએ સભ્યને નહીં ફકત તેમના પતિને બહાર જવા કહયુ હતુ. બેઠકમાં થયેલ વાસ્તવીક વાતને ભટકાવી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કોંગ્રેસના સભ્યોએ કર્યુ હોય જેને અમે વખોડીએ છીએ.   આ બજેટમાં વિકાસ કામો અંગે પાલીકા પ્રમુખ પીયુષ ફોફંડીએ જણાવેલ કે, આગામી વર્ષમાં શહેરમાં વિકાસના કામો માટે ૨૯ કરોડની જાેગવાઇ કરી છે. જેમાં ચોપાટી ફેઝ-૨ની કામગીરી કરવી. ચોપાટીમાં હાઇમાસ્ટ ટાવર ઉભો કરી ૩૦ મીટરની ઉંચાઇએ રાષ્ટ્રીય ધ્વજ લગાડવાનું કામ મંજુર કરાયુ છે. સોમનાથની ભૂમિ હરી અને હરના સંગમ તરીકે પ્રખ્યાત છે ત્યારે જાેડીયા શહેરને તેની ઐતિહાસીક ઓળખ ફરી અપાવવા અને અર્વાચીન નગરી બનાવવા માટે ઉચ્ચ કક્ષાના નિષ્ણાંતોની સલાહકાર સમિતીની રચના કરવાનો ર્નિણય કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના પ્રવેશદ્રાર ઉપર દેવકા નદીના પટ ઉપર રીવરફ્રન્ટ બનાવવા તથા ભીડીયા ચોપાટીનો વિકાસ કરવા માટે રાજય સરકારને દરખાસ્ત કરવાનું નકકી કરવામાં આવેલ છે. આ ઘટનાક્રમ અંગે વિપક્ષીના નેતા ગુલામખાનએ જણાવેલ કે, બજેટની ચર્ચા દરમ્યાન ભાજપના સભ્યએ ગેરવર્તન કરેલ ઉપરાંત શાસકપક્ષનું વર્તન વિપક્ષ પ્રત્યે આરમાયુ હતુ. છેલ્લા એક વર્ષમાં કોંગ્રેસના સભ્યોના એકપણ કામો શાસકોએ કર્યા નથી. ખાસ કોંગ્રેસના વોર્ડ નં.૨, ૫ અને ૬ માં અગાઉની બોડીમાં મંજૂર થયેલા કામો જ થયા છે જયારે નવી બોડીએ એક પણ કામ કર્યુ ન હોવાનો આક્ષેપ કર્યો હતો. શાસકોના વર્તનના વિરોધ અને વિકાસ કામો ન થવાને લઇ બજેટનો અમોએ વિરોધ કરેલ હતો. આ બજેટ બેઠકમાં ચીફ ઓફીસર ચેતન ડુડીયા, કારોબારી ચેરમેન નિલેશભાઇ વિઠલાણી, પવડી ચેરમેન બાદલ હુંબલ, ટીપી ચેરમેન જયેશ માલમડી, સેનીટેશન ચેરમેન કિશન જેઠવા, સેક્રેટરી દિગંત દવે સહિત પાલીકાના અધિકારીઓ હાજર રહયા હતા.

 

error: Content is protected !!