અરબી સમુદ્રની ઉછળતી તોફાની લહેરોને મ્હાત આપી ૨૧ જેટલા તરવૈયાઓએ ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પાર્ધાને સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. આ સ્પાર્ધામાં ભાઈઓના વર્ગમાં સુરતનો અનિકેત પટેલે ૫ કલાક ૫ મિનિટ અને ૪૦ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમે બાજી મારી હતી. જ્યારે બહેનોમાં ૧૯ વર્ષિય નાગપુરે સિલ્કએ ૩ કલાક ૪૮ મિનિટ અને ૨૦ સેકન્ડમાં સ્પર્ધા પુર્ણ કરી પ્રથમ ક્રમે બાજી મારી હતી. આ સ્પર્ધાનો ચોરવાડથી સાંસદ રાજેશભાઇ ચૂડાસમાએ દરિયાદેવની વિધિવત પૂજન કરી અને લીલી ઝંડી આપી આ ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. ચોરવાડથી વેરાવળ બંદર સુધીની ૨૧ નોટીકલ માઈલની ભાઈઓ માટેની આ સ્પર્ધામાં સુરતના કાનીરકર નિલયે ૫ કલાક ૧૩ મિનિટ અને ૩૬ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી દ્વિતીય ક્રમે રહ્યો હતો. જ્યારે તૃતીય ક્રમે પૂણેનો કાંબલે સાગરે ૫ કલાક ૧૫ મિનિટ અને ૩૨ સેકન્ડમાં આ સ્પર્ધા પૂર્ણ કરી હતી. આદ્રીથી વેરાવળ બંદર સુધીની ૧૬ નોટીકલ માઈલની બહેનો માટેની આ સ્પર્ધામાં સુરતની ડોલ્ફી સારંગ ૪ કલાક અને ૧૧ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી દ્વતીય ક્રમે રહ્યા હતા. જ્યારે તૃતીય ક્રમે રહેનાર સુરતના જ સેલર દર્શનાએ ૪ કલાક ૬ મિનિટ અને ૧૨ સેકન્ડમાં પૂર્ણ કરી હતી. આ વિજેતા તરવૈયાઓને વેરાવળની ખારવા સમાજની વાડી ખાતે મેડલ, પ્રમાણપત્ર અને પુરસ્કાર રાશીનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ તરવૈયાઓને પણ મેડલ અને પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. કઠિન ગણાતી આ સ્પર્ધામાં અરબી અસુદ્ર ઉછળતી તોફાની લહેરો વચ્ચે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાંથી આવેલા તરવૈયાઓએ પોતાની હિંમત અને કૌવતનો પરિચય કરાવ્યો હતો. મહત્વનુ છે કે, આ સ્પાર્ધામાં ભાઈ માટે ૨૧ નોટીકલ માઈલ અને બહેનો માટે ૧૬ નોટીકલ માઈલ જેટલુ દરિયામાં તરીને અંતર કાપવાનું હોય છે. હરિઓમ આશ્રમ, નડિયાદ- સુરત તરફથી પ્રથમ, દ્વીતીય, અને તૃતીય ક્રમે ભાઈઓ-બહેનોના વર્ગમાં વિજેતા તરવૈયાઓને અનુક્રમે ૧ લાખ, ૫૧ હજાર અને ૩૧ હજારને શિષ્યવૃત્તિ સ્વરૂપે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગતર્ષની સરખામણીમાં આ વર્ષે પુરસ્કાર રાશીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પાર્ધાના સમાપન સમારોહમાં ગુજરાત મેરીટાઈમ પૂર્વ ડિરેક્ટર કિશોરભાઈ કુહાડા, ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, અગ્રણી બચુભાઈ વાજા, બોટ અસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી, સિનિયર કોચ કાનજી ભાલીયા, હરિઓમ આશ્રમના ટ્રસ્ટી શૈલેસભાઈ ગોટી, વ્યાયમ સંઘના અર્જુનભાઈ પરમાર, યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં ત્રીજી ભાગ લઈ રહેલા સુરતાના અનિકેત પટેલે મેદાન માર્યુ
૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાઈઓના વર્ગમાં સુરતના અનિકેત પટેલે ચોરવાડથી વેરાવળ બંદર સુધીનું ૨૧ નોટીકલ માઈલનું અંતર ૫ કલાક ૫ મિનિટ અને ૪૦ સેકન્ડમાં કાપી મેદાન માર્યું છે. ત્રીજી વખત આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલ અનિકેત કહે છે કે, નિરાશ થયા વગર સતત મહેનત કરતા રહેવુ જાેઈએ. એક દિવસ અચૂક સફળતા મળે છે. હું છેલ્લાં ઘણાં સમયથી મારા કોચ વિનોદ સારંગીના માર્ગદર્શન હેઠળ સ્વીમીંગની પ્રક્ટીસ કરી રહ્યો હતો. અનિકેત કહે છે કે, દરેક ખેલાડી-સ્વીમરનું સ્વપ્ન હોય છે કે, પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે, તેમ મારૂ પણ ભારત તરફથી રમવાનું સ્વપ્ન છે અને તેને સાકાર કરવા માટે અથાગ મહેનત પણ કરી રહ્યો છું.
સુરતની ૧૯ વર્ષીય નાગપુરે સિલ્કીએ બાજી મારી, એશિયન ગેમ્સમાં મેડલ મેળવવાનું લક્ષ્યાંક
૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધામાં સુરતની ૧૯ વર્ષીય નાગપુરે સિલ્કીએ બાજી મારી છે. આ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી સિલ્કીએ ૦૩ કલાક ૪૮ મિનિટ અને ૨૦ સેકન્ડમાં આદ્રીથી વેરાવળ બંદર સુધીનું ૧૬ નોટિકલ માઈલનું અંતર કાપ્યું હતું. સિલ્કી કહે છે કે, હવે આગામી સમયમાં એશિયન ગેમ્સમાં મેડલ મેળવવાના લક્ષ્યાંક સાથે મહેનત કરી રહી છે, ત્યારબાદ ઓલમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું પણ મારૂ લક્ષ્ય છે. સ્વીમીંગમાં છેલ્લા ૧૨ વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છું. નિયમિત પણે દરરોજ પાંચથી છ કલાક જેટલું સ્વિમિંગ કરૂ છું. તેમણે ઉમેર્યું કે, પોતાના બહેન ચાર વખત આ સ્પર્ધાના ચેમ્પિયન રહ્યા છે પરંતુ પીએસઆઇની પરીક્ષા હોવાથી આ વખતે ભાગ નથી લઈ શક્યા. સિલ્કી કહે છે કે, આ સફળતાની પાછળ મારા માતા-પિતા નોંધપાત્ર યોગદાન છે. જે તે સમયે મારા પિતા સ્પોર્ટસમાં આગળ વધવા માંગતા હતા. પરંતુ સંજાેગોવસાત સ્પોર્ટ્સમાં આગળ વધવાનું સ્વપ્ન સાકાર થઈ શક્યું ન હતું. પરંતુ આજે મારા મમ્મી-પપ્પા મને ખૂબ સપોર્ટ કરે છે. કદાચ કોઈ સ્પર્ધામાં મેડલ આવે કે, ના આવે તો પણ તેઓ સતત મને સપોર્ટ કરી રહ્યા છે. આમ, હું પણ મારા પિતાનું સ્વપ્ન સાકાર તનતોડ મહેનત કરી રહી છું. આ તકે સિલ્કીએ પોતાના કોચ પરેશ સારંગ અને ધવલ સારંગનો આભાર વ્યક્ત કર્યો હતો. સિલ્કીએ આ સ્પર્ધામાં ભાગ લેવા પહેલા દસ દિવસના કેમ્પમાં ભાગ લીધો હતો જેમાં સારૂ પ્રદર્શન કર્યા બાદ આ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી હતી.