ખેડૂતોને ધ્યાને લઇ વેરાવળ માર્કેટીંગ યાર્ડ ખાતે સહકાર ભોજનાલયનો કલેકટરના હસ્તે પ્રારંભ કરાયો

0

પોતાના પાકોનું વેંચાણ કરવા અર્થે દુર-દુર ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડુતોની ચિંતા કરીને વેરાવળ માર્કેટીંગ યાર્ડ દ્વારા યાર્ડમાં જ સહકાર ભોજનાલયનો પ્રારંભ કરાયો છે. જેમાં માત્ર નેવું રૂપીયાના નજીવા દરે ત્રણ પ્રકારના શાક સહિતના વ્યંજનો પીરસવામાં આવશે. આ ભોજનાલયનો બપોર અને સાંજ બંને ટાઇમ યાર્ડમાં આવતા ખેડુતો, શ્રમીકો અને વેપારીઓ ઉપરાંત નજીકમાં આવેલ યાત્રાધામ સોમનાથ આવતા યાત્રીકો પણ સાત્વીક ભોજનનો લાભ લઇ શકશે તેવું આયોજન કરાયેલ છે. ખેડુતો માટે આવી સુવિધા કદાચ સૌરાષ્ટ્રમાં પ્રથમ વેરાવળ યાર્ડમાં થઇ હશે તેવુ અનુમાન વ્યકત થઇ રહયુ છે. સમગ્ર રાજ્યમાં અનેક માર્કેટિંગ યાર્ડો અસ્તિત્વ ધરાવે છે ત્યારે સામાન્ય રીતે ખેડુતો પોતાનો પાક લઈ અને દુર-દુર ગ્રામ્ય વિસ્તારોમાંથી વહેલી સવારથી લઇ રાત્રી સુધી માર્કેટિંગ યાર્ડના ધક્કા ખાતા હોય છે. જેમાં ઘણી વખત વહેલી સવારે નીકળેલા ખેડુત યાર્ડમાં પોતાનો વેપાર કરીને મોડી રાત્રે ઘરે પહોંચતા હોય છે. જે સ્થિતીને ધ્યાને લઇ ખેડુતોને યાર્ડમાં જ નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભરપેટ ભોજન માત્ર રૂા.૯૦ માં આપવાની સુવિધાનો વેરાવળ (કાજલી) માર્કેટિંગ યાર્ડે કર્યો છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવ સિંહ ગોહિલ અને યાર્ડના ચેરમેન ગોવિંદભાઈ પરમારે સોમનાથ બાયપાસ નજીક આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે આ સહકાર ભોજનાલયનો રીબીન કાપી પ્રારંભ કરાવ્યો છે. આ તકે તાલુકાભરમાંથી અગ્રણીઓ, ખેડૂતો, વેપારીઓ મોટીસંખ્યામાં હાજર રહયા હતા. સૌરાષ્ટ્રમાં કદાચ પ્રથમ કોઈ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોની પરિસ્થિતિની ચિંતા કરીને તેમના માટે નહિ નફો નહિ નુકસાનના ધોરણે ભોજનાલય નિર્માણ કર્યુ હશે તેવી લાગણી વ્યકત થઇ રહી હતી. આ સુવિધા અંગે યાર્ડના ચેરમેન ગોવિંદભાઇ પરમારે જણાવેલ કે, વેરાવળ યાર્ડમાં ખાલી એક નહીં આસપસના ઘણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો પાકોનું વેંચાણ કરવા આવે છે અહીં માત્ર ભજીયા-ગાઠીયા જેવા નાસ્તા જ મળતા હતા. જેથી ખેડૂતો હેરાન થતા હોય તેને ધ્યાને લઇ સહકાર ભોજનાલયની શરૂઆત કરવાનું નકકી કર્યુ હતુ. ભોજનાલયમાં સારી બેઠક વ્યવસ્થા સાથે ગુણવત્તા યુક્ત ભોજન માત્ર રૂા.૯૦ માં અનિલિમિટેડ ભોજન ખેડૂતોને મળે તેવું આયોજન કરાયુ છે. ભોજનમાં ત્રણ પ્રકારના શાક, રોટલી, દાળ-ભાત, સંભારો અને દર ગુરૂવારે ખેડુતોને મીઠાઈ પણ પીરસવામાં આવશે. અહીં માત્ર ખેડુતો જ નહીં પરંતુ શ્રમીકો, વેપારીઓ અને સોમનાથ આવતા યાત્રાળુઓ પણ સહકાર ભોજનાલયમાં રાહત દરનું ભોજન લઇ શકશે. આ ભોજનાલય બપોરે ૧૧ થી ૩ અને સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ ભોજનલાયનો પ્રારંભ કરાવતી વેળાએ ગીર સોમનાથ જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલે જણાવેલ કે, વર્તમાન સમયમાં ફકત રૂા.૯૦ ભરપેટ ગુજરાતી ભાણુ પીરસવું એ સેવાના કાર્ય સમાન છે. યાર્ડ દ્વારા ખેડૂતોથી લઇ શ્રમીક સહિત તમામની સુવિધા માટે ભોજનાલય શરૂ કરવાની પહેલ આવકારદાયક છે. જેને અન્ય લોકોએ પણ અનુસરવું જાેઇએ. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ માનસીંહ પરમાર, જીલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, ડીડીઓ રવિન્દ્ર ખતાલે, તાલુકા પંચાયત પ્રમુખ સરમણભાઇ સોલંકી, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પટાટ, તાલુકા પ્રમુખ હરદાસભાઇ સોલંકી, યાર્ડના સેક્રેટરી કનકસિંહ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!