જૂનાગઢ જીલ્લા જેલમાં અમદાવાદની ઝડપી સ્કવોડે સર્ચ ઓપરેશન હાથ ધરીને જેલમાં પાણીની પાઇપલાઇન તેમજ ગટરમાં છુપાવેલા ૪ મોબાઇલ અને કેદીઓના બિસ્તરામાંથી તમાકુ, બીડી અને તમાકુવાળા માવા કબ્જે કરતા સનસની મચી ગઇ હતી. જૂનાગઢ જેલમાં ગઇકાલે અમદાવાદ જેલર ગ્રુપ-બેની ઝડતી સ્કવોડના દેવશીભાઇ કરંગીયા વગેરેએ ઓચિંતી તપાસ હાથ ધરી હતી. બપોરના ૧૨ઃ૫૫થી સાંજના ૪ઃ૧૦ દરમ્યાનના સર્ચ ઓપરેશનમાં જેલની અલગ અલગ બેરેકની તલાશી લેવામાં આવી હતી. આ ઝડતી દરમ્યાન પાણી નિકાલની પ્લાસ્ટીકની પાઇપલાઇનમાં છુપાવેલા ચાલુ હાલતમાં બે મોબાઇલ મળી આવ્યા હતા. તેમજ જુની બેરેકની સામે ગટરની કુંડીમાંથી તુટેલી હાલતમાં બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ ઉપરાંત જેલની બેરેકો, કેદીઓની અંગ ઝડતી અને બિસ્તરાની તલાશી લેતા બુધાલાલ તમાકુની ૧૦ પડીકી, વિમલ ગુટખાની પાંચ પડીકી, રાજકમલ બીડીની ૬ ઝુડી, મોબાઇલની એક બેટરી તેમજ પાંચ તમાકુવાળી ફાકી મળી આવતા ઝડપી સ્કવોડ ચોંકી ઉઠી હતી. ઝડતી સ્કવોડે આ તમામ વસ્તુઓ કબ્જે કરી જૂનાગઢ જિલ્લા જેલના અજાણ્યા કેદીઓ સામે ફરિયાદ નોંધાવતા એ-ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. આર.પી.ચુડાસમા ચલાવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews