વેરાવળમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા જશોદા એવોર્ડથી સન્માનિત કરાયા

0

વેરાવળના કોમ્યુનિટી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા જશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વહાલી દિકરી સહિતની મહિલા કલ્યાણકારીઓના લાભાર્થીઓને હુકમપત્રોનું મહાનુભોવો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામીબેન વાજાએ જણાવ્યું કે, પ્રવર્તમાન સમયમાં મહિલાઓ બિચારી કે બાપડી રહી નથી. પુરૂષોની  સાથે ખંભે ખંભો મિલાવી દરેક ક્ષેત્રમાં મહિલાઓ અગ્રેસર રહી છે. આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ જાેવા મળી રહ્યું છે. સાથે જ પોતાની જવાબદારી સુપેરે નિભાવી રહી છે. દેશનો વિકાસ પણ મહિલા વિકાસ વગર શક્ય નથી તેમ જણાવી કહ્યું કે, સમાજના વિકાસમાં આંગણવાડી અને તેડાગર બહેનોનું મહત્વનું યોગદાન રહ્યું છે. નાના ભૂલકાઓના પોષણ અને રચનાત્મક પ્રવૃત્તિમાં વાળવામાં આંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનોની મહત્વની ભૂમિકા રહેલી છે. આ સાથે તેમણે માતા યશોદા અવોર્ડ મેળવનાર બહેનોને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ સમારોહમાં આંગણવાડી કેન્દ્રનું શ્રેષ્ઠ સંચાલન અને કામગીરી માટે જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ તાતીવેલા આંગણવાડી કેન્દ્ર-૨ના કાર્યકર બારિયા રાણીબેન રાજાભાઈ અને તેડાગર બહેન મકવાણા મનીષાબેન સંજયભાઈને એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં અનુક્રમે ૩૧૦૦૦ અને ૨૧૦૦૦ પુરસ્કાર રાશી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરાવમાં આવ્યું હતું. આ ઉપરાંત નગરપાલિકા ઘટક અને ગીર-સોમનાથ ગ્રામ્ય ઘટકમાં પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને અનુક્રમે ૨૧ હજાર અને ૧૧ હજાર ચેક અને મોમેન્ટો મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિશિષ્ટ  સિદ્ધિ મેળવનાર ઝૂડોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર નાઘેરા અર્ચનાબેન, રાષ્ટ્રીય સ્તરના ગોળાફેકના ખેલાડી લોબી શેહનાઝ બેન, યુવા મહોત્સવમાં છેલ્લા ત્રણ વર્ષથી લોકગીતમાં વિજેતા થયેલા સંગીતાબેન ચૌહાણ, સફાઈ કામદારના આશ્રિતો પૈકી સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ સ્થાન મેળવનાર દર્શનાબેન રાઠોડને પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું આગવું સ્થાન છે. મહિલાઓનુ શક્તિ સ્વરૂપે પૂજન કરવામાં આવે છે. ત્યારે કહી શકાય કે, વર્ષના ૩૬૫ દિવસ મહિલા દિવસ છે. આ સાથે તેમણે મહિલાઓના સમાજમાં યોગદાનની સરાહના કરી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જિલ્લા વહીવટી તંત્રમાં ઉત્કૃષ્ટ ફરજ નિભાવી રહેલા  મહિલા અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે તેમણે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. પ્રાંત અધિકારી સરયુબા જસરોટિયાએ વર્કિંગ વુમેનની જુદી વિભાવના આપતા કહ્યું કે, મહિલાઓ કોઈને કોઈ સ્વરૂપમાં કાર્યશીલ હોય છે. જે બાળકોના ઉછેરથી સમાજના ઘડતરમાં મહત્વનું યોગદાન આપે છે. આમ, ઘર સંચાલનમાં મહત્વનનું ભૂમિકા નિભાવનાર વર્કિંગ વુમેન જેટલા જ સન્માનના હકદાર છે. સમાજમાં જાગૃતિના પરિણામે દૂધપીતી જેવા કૂરિવાજાે નાથમવામાં આપણે સફળ રહ્યા છે. પ્રભાસ પાટણ રેન્જના આર.એફ.ઓ. રસીલાબેન વાઢેરે પોતાની વન વિભાગમાં સેવાકાળને વાગોળતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગવી વિધારધારાના પરિણામે મહિલાઓને ઘણા ક્ષેત્રોમાં કામ કરવાની તક મળી રહી છે. આ સાથે તેમણે સમાજમાં મહિલાઓ ભૂમિકાઓ ચિતાર આપ્યો હતો. નાયબ નિયામક એ.જે. ખાચરે જણાવ્યું કે, નોકરી દરમ્યાન ઘણાં મહિલા અધિકારીઓની કાર્યકુશળતા જાેવા મળી છે. વણેસેલી પરિસ્થિતિમાં ઉત્તમ વહીવટકર્તા હોવાનું પૂરવાર કર્યુ છે. જે સાબિત કરે છે કે, મહિલાઓ પડકારજનક પરિસ્થિતિમાં સફળતાપૂર્વક પોતાની ફરજ બજાવી શકે છે. ૨૦૨૧માં આઈપીએસ તરીકે પસંદગી પામનાર સુમન નાલાએ જણાવ્યુ કે,  સ્ત્રી-પૂરૂષમાં કોઈ ચડિયાતા છે તેવું નથી પરંતુ બંને એક સમાન છે. તેવી વિચારધારા સાથે ચાલવામાં આવે તો સમાજમાં સંતુલન જળવાઈ શકશે. આ સાથે તેમણે સગર્ભા મહિલાઓને પુત્ર જન્મે તેવી  શુભેચ્છાઓ આપવાની બદલે સ્વસ્થ્ય બાળક જન્મે તેવી શુભેચ્છાઓ પાઠવવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે. ખાચર, નિવાસી અધિક કલેક્ટર બી.વી. લિંબાસીયા મદદનીશ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, દહેજ પ્રતિબંધક અધિકારી આર.એમ. જીંજાલા સહિત મોટી સંખ્યમાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!