ગિરનારની ગોદમાં જ ગિરનાર સાધના આશ્રમની તપોભૂમિ ઉપર અડધી સદીથી તપસ્યા કરનાર પૂ. પુનિતાચાર્યજી મહારાજને એ જ ભૂમિ ઉપર ભગવાન શ્રી દત્તાત્રેયજીએ પ્રગટ થઈને દર્શન અને આશીર્વાદ આપ્યાં હતા. હિમાલયની કંદરાઓમાં ભ્રમણ કરતાં કરતાં એમણે અનેક પ્રતિતીઓ કરી, પરમ તત્વનો પૂર્ણ સાક્ષાત્કાર એમણે કર્યો હતો. બાલ્યાવસ્થાથી જ જિજ્ઞાસાવૃતી અને ધાર્મિક માનસિકતા એમની રહી હતી. કાશીમાં રહીને સંસ્કૃત સાહિત્ય, ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. સ્વામી અનંતાનંદજી, સ્વામી કરપાત્રીજી જેવા પ્રસિદ્ધ આચાર્યો અને વિદ્વાનોના સાંનિધ્યમાં એમની જ્ઞાનયાત્રા ચાલી હતી. ભારતના અધ્યાત્મક્ષેત્રની વિશિષ્ટ ભૂમિ ઋષિકેશમાં તો અનેક સંતો-સાધુઓએ તપ કર્યું છે. ગુરૂદેવ પુનિતાચાર્યજી પણ ઋષિકેશ ગયા હતા. ધ્યાનની અવસ્થામાં એમને ત્યાં ભગવાન કૃષ્ણના દર્શન થયાં હતા. આ ઘટનાથી સકારાત્મક વિહ્વળતા પ્રગટી અને કૃષ્ણના દર્શન માટે તેઓ કાશી ગયા. કાશીમાં સાક્ષાત્કાર થયા બાદ ત્રણ વર્ષે તેમણે ગિરનાર તરફ પ્રયાણ કર્યું. ગિરનારમાં એક ગૂફામાં તપ કરવા લાગ્યા. કયારેક કોઈ આવીને ભોજન આપી જાય કયારેક ભૂખ્યા રહેવું પડે. નજીકના કુવામાંથી પાણી ભરીને સ્નાન કરી લે. આમ સાધના ચાલી. અને એક પાવન દિવસે ૧૯૭૫ની ૧૫મી નવેમ્બરે એમને જટાશંકરી ગૂફા પાસે એક શીલા ઉપર એમને ભગવાન દત્તાત્રેયજીએ દર્શન આપ્યાં હતાં. જેમને ભગવાન દત્ત સ્વયં દર્શન દે તે સાધનાના શિખરે જ પહોંચે. તેઓ એક પરમ સિદ્ધ સંત બન્યા. ભગવાન દત્તે દર્શન આપ્યાં સાથે જ એક મંત્ર ગિરનારની કંદરાઓમાં ગૂંજ્યો હરિ ઓમ તત્સત, જય ગુરૂદત્ત અને એ વિશ્વ વ્યાપી બની ગયો. તમામ ધર્મ, સંપ્રદાયના લોકો તેનો જપ કરી શકે. આ મંત્ર પછી તો ગિરનાર સાધના આશ્રમમાં તથા જ્યાં જ્યાં એના સત્સંગ કેન્દ્રો શરૂ થયાં ત્યાં અને એમ ઘરે ઘરે ગૂંજવા લાગ્યો. ગિરનાર ક્ષેત્ર ગેબી છે અને સિદ્ધ સંતોની ત્યાં ચેતના છે એવું સાંભળ્યું તો બધાએ હોય પરંતુ આ અનુભૂતિ ગિરનાર સાધના આશ્રમની મુલાકાત એકવાર પણ જેમણે લીધી હોય એમને થઈ જ હોય. ગુરૂપુર્ણિમા કે અન્ય કોઈ પણ પૂનમે અને એ સિવાયના દિવસોમાં પણ ગિરનાર સાધના આશ્રમની ઊર્જા અનોખી હોય છે. આવા તપસ્વી, તેજસ્વી પુરૂષની સ્થૂળ વિદાય સ્વાભાવિક રીતે વસમી છે પરંતુ તેઓ તો આપણી અંદર જ સમાયા છે. મંગળવારે રાત્રે આ દુઃખદ ઘટના બની છે તેવી જાણ થતાં જ આશ્રમના અનુયાયીઓ ભારે હૈયે જૂનાગઢ પહોંચ્યા છે. હા, એ પાવન દેહ હવે નથી પરંતુ એમના કંઠે અને હૃદયેથી નીકળેલો હરિઓમ તત્સત્, જય ગુરૂદત્તનો મંત્ર તો હંમેશાં વાતાવરણમાં ગૂંજતો રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews