વેરાવળમાં ફાયર સેફટી ચેકીંગ અર્થે રીજીયોનલ ફાયર અધિકારીની સુચનાથી ટીમે પાલીકાના અધિકારીને સાથે રાખી ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શહેરની મધ્ય આવેલ એસટી બસ સ્ટેશન પાસે આવેલ આનંદધામ કોમ્પલેક્ષમાં કાર્યરત બે હોટલો અને ૫૦ જેટલી ઓફીસ-દુકાનો સીલીંગ કરી સપાટો બોલાવી દીધો હતો. આ કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખે સીલીંગની કાર્યવાહી રોકવા માટે કલાકો સુધી હવાતીયા મારી રહેલ પરંતુ દબાણને વંશ થયા વગર અધિકારીઓએ મકકમતાપૂર્વક તમામને ન્યાય આપતી તટસ્થ કાર્યવાહી પુર્ણ કરી હતી. વેરાવળમાં આગની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને લોકોની સલામતી માટે મોટા કોમર્શીલય બિલ્ડીંગો, એપાર્ટમેન્ટો, હોસ્પીટલો, શાળાઓ જેવી ઇમારતોમાં ફાયર સેફટીની સુવિધા રાખવા અને ફાયર એનઓસી મેળવી લેવા ઘણા સમયથી પાલીકા તંત્ર અપીલ કરી રહયુ હતુ. જેને મોટાભાગના લોકો ગણકારતા ન હોવાથી ઉચ્ચકક્ષાએથી કાર્યવાહીના આદેશ થતા થોડા દિવસો પહેલા જ અમુક શાળાઓને નોટીસો મોકલી સીલ કરવામાં આવી હતી. તેમ છતાં ઘણા વગદાર લોકો ફાયર સેફટી સુવિધા ઉભી કરવા બાબતે ઉદાસીનતા રાખતા હોવાનું ધ્યાને આવતા તંત્રે કડક કાર્યવાહી અંતર્ગત ગઈકાલે એક મોટા કોમર્શીલય કોમ્પલેક્ષને સીલીંગ કરવાની કામગીરી કરતા શહેરભરમાં ચકચાર પ્રસરી ગઇ છે. આ કાર્યવાહી અંગે ચીફ ઓફીસર ચેતન ડુડીયાએ જણાવેલ કે, શહેરમાં બસ સ્ટેશન પાસે આવેલ આનંદધામ કોમ્પલેક્ષના જવાબદારોને છેલ્લા છ મહિનાથી સમયાંતરે નોટીસો મોકલી ફાયરની સુવિધા ઉભી કરવાની તાકીદ કરવામાં આવતી હતી. તેમ છતાં આ કોમ્પલેક્ષના હર્તાકર્તાઓએ ફાયરની કોઇ સુવિધા ન ઉભી કરી હોવાથી ગઈકાલે રીજીયોનલ ફાયર ઓફીસરની ટીમે પાલીકાના સ્ટાફને સાથે રાખી કોમ્પલેક્ષ સીલીંગ કરવાની કાર્યવાહી કરી છે. આ કોમ્પલેક્ષમાં બે હોટલો ઉપરાંત અંદાજે ૫૦થી વધુ ઓફીસ-દુકાનો સીલ કરવામાં આવી છે. જે કોમ્પલેક્ષો, એેપાર્ટમેન્ટોમાં નિયમોનુસાર ફાયર સેફટીની સુવિધા ન હોય તો તાત્કાલીક ફીટ કરાવવા અપીલ કરી છે. જાે કે, આ કાર્યવાહી અટકાવવા કોંગી આગેવાન ઉપરાંત અન્યોએ પણ સીનસપાટા કરેલ તે તમામની કારી અધિકારીઓ સમક્ષ ફાવી ન હતી. અત્રે નોંધનીય છે કે, ગઈકાલે સીલીંગ કરાયેલ આનંદધામ કોમ્પલેક્ષમાં શહેર કોંગ્રેસના પૂર્વપ્રમુખની દુકાન આવેલી હોય જે સીલ થવાની જાણ થતા તેઓ સ્થળ ઉપર દોડી આવી અધિકારીઓ સમક્ષ પાયાવિહોણી રજુઆતો કરવા લાગેલ જેને મચક મળતી ન હતી. જેથી ગિન્નાયેલા કોંગી આગેવાને ગાંધીનગર સત્રમાં ભાગ લઇ રહેલ કોંગી ધારાસભ્યને રજુઆતો કરી સીલીંગની કાર્યવાહી અટકાવવા ત્રણ કલાક સુધી પ્રયાસો કરેલ પરંતુ તેમાં સફળ ન થતા તેઓની કારી ફાવી ન હતી. જેથી દબાણને વંશ થયા વગર અધિકારીઓએ નિયમોનુસાર સીલીંગની કાર્યવાહી પુર્ણ કરી હતી. તો બીજી તરફ અમુક લોકો દ્વારા સતાપક્ષ ભાજપના આગેવાનોને પણ રજુઆતો કરેલ પરંતુ હાઇકોર્ટનો આદેશ હોય જેને લઈ ભાજપના સાંસદ અને સંગઠનના ધુરંધરોએ આ પ્રકરણથી દુર રહી કાયદાકીય કાર્યવાહીને સહકાર આપવા જણાવી દીધુ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews