શિવરાત્રીએ સોમનાથ મહાદેવના ૧.૫૮ લાખ ભાવિકોએ પ્રત્યક્ષ અને ૭૬ લાખ ભાવિકોએ વર્ચ્યુઅલ દર્શનનો લ્હાવો લીધો

0

શિવની ભકિતના પવિત્ર દિવસ ગણાતા એવા મહાશિવરાત્રી પર્વે પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિર ભાવિકો માટે સળંગ ૪૨ કલાક ખુલ્લુ રહેલ હતુ. આ સમયગાળામાં વિશેષ મહાપૂજા સહિતના ધાર્મીક કાર્યક્રમો યોજાયેલ હતા. આ પર્વે સોમનાથ મહાદેવના દોઢ લાખથી વધુ ભાવિકોએ પ્રત્યક્ષ તો પોણા કરોડ ભાવિકોએ સોશીયલ મિડીયાના માધ્યમથી વર્ચ્યુઅલ દર્શનનો લ્હાવો લઇ ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ પવિત્ર દિવસે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર જાપ કરવાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં ભારત સહિત અન્ય દેશોમાંથી ૪૨ હજાર શિવભકતોએ જાેડાઇ જાપ કરી શિવ આરાધના કરી હતી. મહાશિવરાત્રીને લઇ સોમનાથ મંદિર ટ્રસ્ટને રૂા.૬૬.૪૧ લાખની નોંધપાત્ર આવક પણ થઇ છે.
મહાશિવરાત્રી પર્વે વહેલીસવારથી યાત્રાધામ સોમનાથમાં શિવભકતનો પ્રવાહ અવિરત ઉમટી રહેલ જાેવા મળ્યો હતો. આ પવિત્ર દિવસે મહાદેવની થયેલ ચાર પ્રહરની આરતી-મહાપૂજા, પાલખીયાત્રા, મહામૃત્યુંજય યજ્ઞ, ધ્વજાપુજાનો લહાવો લાખો ભાવિકોએ લીધો હતો. જે અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, શિવરાત્રી પર્વે સોમનાથ મંદિર સળંગ ૪૨ કલાક ભાવિકો માટે ખુલ્લું રહેલ તે દરમ્યાન ૧.૫૮ લાખ ભાવિકોએ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા. જયારે સોમનાથ મંદિરના સોશીયલ મિડીયાની સાઇટો ઉપરના ઓફીશયલ પેઇજ ઉપર અડધા કરોડ ભાવિકોએ દર્શન-આરતી સહિતના કાર્યક્રમોનો લહાવો લીધો હતો. જેમાં ફેસબુક ઉપર ૪૨.૮૬ લાખ, યુ-ટયુબ ઉપર ૧૫.૫૯ લાખ, ઇન્સ્ટાગ્રામ ઉપર ૧૧.૦૨ લાખ, ટવીટર ઉપર ૬.૬૭ લાખ સહિત મળી કુલ ૭૬.૧૮ લાખ શિવભકતોએ વર્ચ્યુઅલ દર્શનનો લહાવો લીધો હતો.
વધુમાં શિવરાત્રિની મધ્યરાત્રીએ ૧૨ વાગ્યે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર જાપનો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં ભારત ઉપરાંત અમેરીકા, કેનેડા, અરબ આમીરાત, સાઉથ આફ્રીકા, કુવૈત, કેન્યા, બાંગ્લાદેશ, મોરીસશ સહિતના દેશમાંથી ૪૨ હજાર ભકતોએ ભાગ લઇ ઓમ નમઃશિવાયના ઓનલાઇન જાપ કર્યા હતા. તો મહાશિવરાત્રી પર્વે મંદિરની ગોલખ, ડોનેશન, પુજાવિધિ, પ્રસાદ, ગેસ્ટહાઉસ, અને પાર્કીંગની મળી કુલ રૂા.૬૬.૪૧ લાખની આવક મંદિર ટ્રસ્ટીને થઇ છે. તો દેશ-વિદેશના ૫૪૬ લોકો અગાઉથી નોંધાવી શિવરાત્રીના દિવસે ઘરબેઠા ઓનલાઇન માધ્યમથી વર્ચ્યુઅલ પૂજા કરવાનો લહાવો લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!