જૂનાગઢમાં અજાણ્યા વ્યકિતની હત્યાનો ભેદ ઉકેલતી પોલીસ : આરોપીની ધરપકડ

0

જૂનાગઢમાં અજાણ્યા યુવકની હત્યાનાં બનાવ અંગેની જીણવટભરી તપાસ હાથ ધરી અને ગણતરીનાં સમયમાં આ અજાણ્યા યુવાનની હત્યાનાં બનાવ અંગેનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને આરોપીની ધરપકડ કરી તેનાં વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર તાજેતરમાં તા.૧૪-૩-૨૦૨૨ના રોજ જૂનાગઢ જિલ્લા જેલની પાછળ વહેલી સવારે એક લાશ મળી આવેલ હતી. પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચતા, લાશ અજાણ્યા ભીક્ષુક જેવા આશરે ૩૦ વર્ષના યુવાનની હતી. યુવાનની ઓળખ થઈ ના હતી અને માથામાં તથા મોઢા ઉપર પથ્થર વડે ઈજા કરીને અજાણ્યા આરોપી દ્વારા ગંભીર જીવલેણ ઈજાઓ કરી, કોઈપણ કારણોસર મોત નિપજાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ હોય હતું. આ બનાવ અંગે મળતી વિગત અનુસાર બી.આર. શર્મા (ઉ.વ.૫૮) રહે. જિલ્લા જેલ પાછળ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ.વાઢેર તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સુખનાથ વિસ્તારમાં અજાણ્યા યુવાનની અજાણ્યા આરોપીની થયેલ હત્યાના બનાવની ગંભીરતાને ધ્યાને લઈ, આ ગુન્હામાં જીણવટ ભરી તપાસ કરી, મરણજનાર વ્યક્તિ કોણ છે અને કયા કારણોસર કોના દ્વારા તેનું ખૂન કરવામાં આવ્યું છે ? તે શોધી કાઢી, ગુન્હામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગુન્હા વાળી જગ્યાની વિઝિટ કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, સ્થાનિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ.વાઢેર, પીએસઆઈ એ.કે.પરમાર, ટેકનિકલ સેલના પીએસઆઈ ડી.એમ. જલું તથા સ્ટાફની ત્રણ અલગ અલગ ટીમો બનાવી, તાત્કાલિક ટેકનિકલ સોર્સ તથા બાતમીદારોથી બાતમી મેળવી, ઉંડાણપૂર્વક તપાસ કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી. આ ગુન્હામાં મરણજનાર તથા ગુન્હો આચરનાર આરોપીની કોઈ ઓળખ થયેલ ના હોય, આ ગુન્હાના ભેદને ઉકેલવો, જૂનાગઢ પોલીસ માટે પડકાર રૂપ કામ હોય,  જૂનાગઢ પોલીસની જુદી જુદી ટીમો દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેર ખાતે ગોઠવવામાં આવેલ સીસીટીવી કેમેરા તથા અન્ય પ્રાઇવેટ જગ્યાએ ગોઠવવામાં આવેલ સીસીટીવી કેમેરા જાેવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સંકલન રાખી, આશરે ૧૦૦૦ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરી, સીસીટીવી કેમેરા આધારે મરણજનાર અને તેની સાથે એક યુવાન કચરો વીણવા જતા હોવાની વિગત જાણવા મળી હતી. ત્યારબાદ બીજા સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ આરોપી મોટર સાયકલ લઈને જતો જાેવામાં આવેલ હતો. જેમાં મોટર સાયકલ નંબર મળતા, ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ચેક કરવામાં આવેલ અને તેના માલિકને શોધી, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીનો ગુન્હો નોંધવામાં આવેલ હતો. આ ખૂન કરીને આરોપી મોટર સાયકલ ચોરી કરીને નાસી ગયેલ હોવાના અનુમાન આધારે વિશ્વાસ પ્રોજેક્ટ આધારે ગોઠવવામાં આવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા, બનાવ બાદ સવારના છ વાગ્યા દરમ્યાન શંકાસ્પદ આરોપીના ચોરીના મોટર સાયકલ સાથે જૂનાગઢ બહાર જતા સીસીટીવી ફૂટેજ મળી આવેલ હતા. જૂનાગઢ શહેર ખાતે બનેલ ખૂનના બનાવને શોધી કાઢવા કાર્યરત જુદી જુદી ટીમોને શંકાસ્પદ આરોપીની થોડી વિગત  મળતા, તપાસ વધુ તેજ કરવામાં આવી હતી. દરમ્યાન જૂનાગઢ પોલીસ ટીમને બાતમીદારો દ્વારા માહિતી મળેલ કે, મરણ જનાર અને શંકાસ્પદ આરોપી બંને લાવારિસ જીવન ગુજારતા હતા, કચરો વીણીને ગુજરાન ચલાવતા હતા. મરણ જનાર ગાંધી ચોકથી રેલવે સ્ટેશન વચ્ચે રોડ ઉપર પડ્યો રહેતો હતો, જેનું નામ કોઈ જાણતું ના હતું. જ્યારે શંકાસ્પદ આરોપી છેલ્લા બે એક મહિનાથી જૂનાગઢમાં આવેલ હતો અને તેનું નામ સંતોષ બૂટિયા છે અને દેવીપૂજક જ્ઞાતિનો છે. આ સંતોષ બુટિયા કચરો વહેંચવા જતો, એવી જગ્યાએ તપાસ કરતા, સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા. જૂનાગઢ પોલીસની જુદી જુદી ટીમોને આરોપીનું ટુંકુ નામ અને સીસીટીવી ફૂટેજ આધારે ફોટોગ્રાફ મળતા, ઈ-ગુજકોપ અંતર્ગત પોકેટકોપ એપ્લિકેશનમાં આરોપીના નામ આધારે સર્ચ કરતા, આરોપીનું નામ ઉમેશ ઉર્ફે સંતોષ અશ્વિનભાઈ બુટિયા દેવીપૂજક રહે. બાજરડા ગામ તા.ધંધુકા જી.અમદાવાદ હોવાનું અને ડિસેમ્બર ૨૦૨૧માં અટકાયતી પગલાં અંતર્ગત ધરપકડ કરી હોવાની માહિતી પોલીસને હાથ લાગી હતી.  જેના આધારે ધંધુકા પોલીસ દ્વારા માહિતી મેળવેલ કે, સંતોષ બુટિયા દેવીપૂજકના મા-બાપ મરણ ગયેલ હોય, લાવારિસ જિંદગી જીવે છે, દારૂ પીવાની તથા નાની નાની ચોરીઓ કરવાની ટેવ વાળો છે. ધંધુકા, લીંબડી અને વઢવાણ વચ્ચે ફરે છે, પરંતુ બે મહિનાથી આ બાજુ જાેવા મળેલ નથી. ઉપરાંત સંતોષ બુટીયાની આધારકાર્ડ ફોટા સહિતની વિગત પણ મળેલ હતી. જે માહિતી આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, પો.કો. સાહિલભાઈ સમા, વિક્રમભાઈ, યશપાલસિંહ સહિતની એક ટીમ વઢવાણ, લીંબડી, ધંધુકા વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરતાં, લીંબડી નજીક કેનાલ પાસેથી ચોરીના મોટર સાયકલ સાથે આરોપી ઉમેશ ઉર્ફે સંતોષ અશ્વિનભાઈ બુટિયા દેવીપૂજક રહે. બાજરડા ગામ તા.ધંધુકા જી.અમદાવાદને રાઉન્ડ અપ કરી, જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ હતો. પકડાયેલ આરોપી ઉમેશ ઉર્ફે સંતોષ અશ્વિનભાઈ બુટિયા દેવીપૂજક રહે.બાજરડા ગામ તા.ધંધુકા જી.અમદાવાદની પૂછપરછ કરતા, મરણ જનાર હિન્દીભાષી યુવરાજ અને પોતે અવાર-નવાર રાત્રીના સમયે કચરો વીણવા બજારમાં જતા હોય, પોતે આ યુવાનને ૮૦ રૂપિયા ઉછીના આપેલા હોય, બનાવના દિવસે રાત્રીના સમયે મરણ જનાર પોતાને રેલવે સ્ટેશન પાસે મળેલો અને કચરો વીણવા જતા હતા. બનાવ બન્યો ત્યારે અમે બંને દારૂ પિતા હતા ત્યારે મે ૮૦ રૂપિયા પાછા માંગતા, એ બાબતે બોલાચાલી ઝઘડો થયેલો, ઝપાઝપી દરમ્યાન પોતાને ગુસ્સો આવતા, બાજુમાં પડેલ પથ્થર વડે માથામાં ઈજા કરતા, પડી ગયેલ, ત્યારબાદ બીજાે મોટો પથ્થર માથામાં મારી દેતા, એ પડી ગયેલો અને પોતે ગભરાઈ જતા, એના જ થેલામાં પડેલા કેસરી કપડા પહેરી, નાસવા માટે, બાજુમાં પડેલા મોટર સાયકલ ચાલુ કરી, ચોરી કરી, કપડા બદલાવી, નાસી ગયેલાની અને ગુન્હો કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. આરોપી સંતોષની કબૂલાત આધારે પોલીસ પણ ચોંકી ગયેલ હતી. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા વિશ્વાસ સીસીટીવી કેમેરા અને પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સનો ભરપુર ઉપયોગ કરી, અજાણ્યા વ્યક્તિનું, અજાણ્યા આરોપી દ્વારા ખૂન કરવાના ગુન્હામાં આરોપીની માહિતી મેળવી, ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી, ધરપકડ કરી, ખૂનના ગુનો અને સાથેસાથે વાહન ચોરીનો ગુન્હો, એમ બે ગુન્હાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ઉમેશ ઉર્ફે સંતોષ અશ્વિનભાઈ બુટિયા દેવીપૂજક રહે.બાજરડા ગામ તા.ધંધુકા જી.અમદાવાદની ધરપકડ કરી, આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ.વાઢેર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

error: Content is protected !!