જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં હોળી – ધુળેટીનાં પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ એ રંગોનાં તહેવારને મનાવ્યો હતો. ગુરૂવારે હોળી પર્વ નિમિતે નિર્ધારીત સમયે જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં તેમજ સોરઠનાં વિવિધ શહેરોમાં હોલીકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ શહેરમાં સૌપ્રથમ ગિરનાર ઉપર આવેલા અંબાજી માતાજીનાં મંદિર પરીસરમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને ત્યારબાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં હોલિકાદહનનાં કાર્યક્રમો યોજાયા હતા. જયારે ઉપલા દાતાર બાપુની જગ્યા નજીક પણ હોળી પ્રગટાવવામાં આવી હતી અને ભાવિકોએ હોળી માતાનાં દર્શન કર્યા હતા. જૂનાગઢ અને જીલ્લાભરમાં હોલીકાઉત્સવ નીમિતે હોળી પ્રગટાવ્યા બાદ ભાવિકોએ ખજૂર, ધાણી, કોપરૂ સહિતનું નૈવેધ ધરાવ્યું હતું તેમજ હોલી માતાની પ્રદક્ષિણા કરી સૌનાં કલ્યાણની કામના કરી હતી. જયારે બીજા દિવસે એટલે કે શુક્રવારે ધુળેટી પર્વની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રંગોનાં આ તહેવારની ઉજવણી અંતર્ગત લોકોએ એપાર્ટમેન્ટનાં ધાબા ઉપર પોતાના મહોલ્લા, શેરી વિસ્તારોમાં તેમજ પરસ્પર સગા-સંબંધી, પાડોશીઓ મિત્રોને રંગોનાં કલરથી રંગી દઈ શુભકામનાઓ પાઠવી હતી.