જૂનાગઢ તાલુકાના બામણગામ તથા ચોકલી ગામે આવેલ ગેબનશાહપીરની દરગાહમાં તોડફોડ કરનાર શખ્સને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવેલ અને તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકાના બામણગામનાં ઈરફાનભાઈ મહંમદભાઈ સમા (ઉ.વ.૩૦)એ અજાણ્યા સફેદ કલરની ફોરવ્હીલનાં ચાલક વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે, આ અજાણ્યા ચાલકે બામણગામ તથા ચોકલી ગામની દરગાહમાં દાતરડા સાથે પ્રવેશ કરી દરગાહની ચાદરોમાં તોડફોડ કરી તથા બામણગામની દરગાહનાં તાવીઝમાં તોડફોડ કરી અને બામણગામની દરગાહમાં રૂા.ર૦૦૦ તથા ચોકલી ગામની દરગાહમાં રૂા.૧૦૦ એમ કુલ રૂા.ર૧૦૦નું નુકશાન કરેલ છે તેમજ બંને દરગાહમાં મુસ્લીમ ધર્મનું અપમાન કરવાનાં ઈરાદે ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરી નુકશાન કરવા અંગેની ફરીયાદ પોલીસમાં નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન જૂનાગઢ સેલના નાયબ પોલીસ મહનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રઈમ બ્રાન્ચના પીઆઈ એચ.આઈ. ભાટી અને સ્ટાફે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ. આ દરમ્યાન ચોકકસ મળેલી બાતમીના આધારે ભવનાથ વિસ્તારમાં ગિરનાર પગથીયા નજીક એક શખ્સ ઉભો હોય અને તે તોડફોડ કરવાના બનાવમાં સંડોવાયેલો હોય માહિતીના પગલે એલસીબી પોલીસે સ્થળ ઉપર જઈ તપાસ કરી અને નટવર ઉર્ફે નટુ ગાંડો ગાંડાભાઈ ટપુભાઈ બુટાણી પટેલ (ઉ.વ.૩૬) રહે.રબારીકા ગામ વાળાને ફીયાટ કંમ્પનીની લીનીયા ગાડી નં.જીજે ૦૧, કેસી ૦૭પર સાથે ઝડપી લઈ અને તેની પુછપરછ કરતા તેણે આ તોડફોડ કરી હોવાની હકકીત જણાવતા આરોપીનો કબ્જાે તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે.