દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુદરતી રીતે કાયમી ધોરણે પવનની ગતિ અને દિશા વીંડફાર્મ કંપનીઓને માફક આવે તેવી છે. જેના કારણે અહીં ખુબ મોટી સંખ્યામાં પવન ચક્કીઓ ઉભી કરવામાં આવી છે. અને હજુ અનેક વિન્ડમિલ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ વિન્ડમિલ ઉભા કરવામાં અને તેમના દ્વારા ઉત્પાદિત વીજળીને વહન કરવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં તારનું જાણે કરોડિયાનું જાળું રચાઈ રહ્યું છે. આ જિલ્લાના ખેડૂતો વિકાસના વિરોધી નથી. પરંતુ વિકાસના નામે કંપનીઓ માલામાલ થાય અને ખેડૂતો પાયમાલ થાય એ ક્યાંનો ન્યાય કહેવાય ? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. વીજ ઉત્પાદન કરતી કંપનીઓ અને વીજ વહન કરતી કંપનીઓ માત્ર નફો જ નફો કમાઈ રહી હોવાનું ફલિત થાય છે. આ કંપનીઓ ધંધો વ્યવસાય કરે છે અને કરોડો રૂપિયાનો નફો કરે છે. એક એનર્જી કંપનીએ રજૂ કરેલા પાકા સરવૈયામાં માત્ર ચાર-પાંચ વર્ષમાં જ ૧૦૦ કરોડથી વધારે તેમનું ટર્ન ઓવર વધ્યું છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ તે કેવા પ્રકારનો વિકાસ ? એક બાજુ કંપનીના માણસોના ઘાડે-ધાડા આવીને ખેડૂતોને ધમકાવે છે. જેના કારણે ખેડૂતો છેલ્લા ઉપાય તરીકે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. તેમની ફરિયાદ સુધ્ધાં પણ લેવામાં ન આવતી હોવાના આક્ષેપો વચ્ચે બીજી બાજુ કંપનીના માણસોના એક ફોન ઉપર પોલીસ પ્રસાશન હરકતમાં આવી જાય છે. એટલું જ નહીં, ખેડૂતોને પોલીસ સ્ટેશને બોલાવે, તેમને ધમકાવે, ખેડૂતો ઉપર ફરજમાં રૂકાવટના ખોટા કેસો કરે અને આખે-આખું પ્રસાશન જાણે કંપનીઓના ખિસ્સામાં હોય તે રીતે કંપનીઓ ખુલ્લા સાંઢ માફક વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ ખેડૂતોનો છે. આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકાના આગેવાનો- ખેડૂતો દ્વારા ગઈકાલે ગુરૂવારે અહીંના જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં વધુમાં જણાવાયું છે કે, પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવતી હોય એમાં સહમત પણ પોલીસ પોતે જ કાયદાની આડમાં કંપનીઓના એજન્ટની જેમ વર્તન કરે એ તો કેમ ચલાવી લેવાય ? તેવો ધગધગતો સવાલ કરવામાં આવ્યો છે. કંપનીઓના માણસો ખેડૂતોને પહેલા પોતે ધમકાવે, ખેડૂત ડરે નહિ તો પોલીસના નામે ધમકાવે. તેમ છતાં પણ ખેડૂત ડરે નહિ તો પોલીસ પોતે ધમકાવે અને પોલીસ કેસ દાખલ કરે… છેલ્લા પખવાડિયામાં જિલ્લામાં વીજ કંપનીઓએ પોલીસને આગળ કરીને અનેક ખેડૂતો ઉપર આ પ્રકારે પોલીસ કેસો કરી ખેડૂતોને માનસિક રીતે તોડી પડવાનું ષડયંત્ર થયું હોવાનું જણાવાયું છે. આના અનુસંધાને ભોપલકા ગામના દેવરામભાઈ સોનગરાએ જાતે ઝેરી દવા પીવાની ફરજ પડી. જેના કારણમાં દેવરામભાઈએ કંપનીઓના માણસોના ત્રાસના કારણે ગત તા.૨૧ના રોજ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ૫ દિવસમાં આ ગંભીર ઘટનામાં પોલીસ દ્વારા કંપનીઓના માણસો સામે શું કાર્યવાહી કરવામાં આવી ? તેવો વેધક સવાલ કરવામાં આવ્યો છે. આ કંપનીઓ ખેતી લાયક જમીનમાં પોતાના કેમ્પો ઉભા કરી ખેતીની જમીનનો હેતુ ફેર કર્યા વગર ઉપયોગ કરી રહ્યા છે. તે પોલીસ કે પ્રસાશનને કેમ દેખાતું નથી ? ત્યાં કેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ? તેવા સવાલ પણ કરવામાં આવ્યા છે. આ વીંડફાર્મ કંપનીઓ પોતાના ભારે વાહનો ગ્રામ સડક ઉપરથી પસાર કરે છે. જેના કારણે ગ્રામ સડકોને નુકશાન થાય છે. જેથી આ કંપનીઓને કેટલો દંડ આપ્યો કેટલો દંડ વસુલ કરવામાં આવ્યો તે પણ એક પ્રશ્ન છે. આવી અનેક ઘટના બને છે. જેના કારણે કહી શકાય કે, “બળિયાના બે ભાગ” ઉક્તિ મુજબ પોલીસ – પ્રસાશન જાણે કંપનીઓ માટે જ હોય અને બધા જ નીતિ-નિયમો માત્ર ખેડૂતો- ગ્રામજનો માટે હોય એવું લાગી રહ્યું છે. આ મહત્વના મુદ્દામાં પ્રસાશન યોગ્ય કાર્યવાહી કરી પોતાની નિષ્પક્ષતા દર્શાવે તેવી અપેક્ષા વ્યક્ત કરી, કંપનીઓ વિકાસના રૂપકડા નામે અબજાે કરોડોનો નફો કરે અને ખેડૂતો પોતાની આજીવિકા ગુમાવે તે સર્વાંગી વિકાસ નથી. આ ખેડૂતોના ભોગે ખાનગી કંપનીઓનો વિકાસ છે તેવો સુર વ્યક્ત કરી, વિવિધ મુદ્દે કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, છેલ્લા ૧૦-૧૫ દિવસમાં વીજ કંપનીઓએ ખેડૂતો ઉપર કરેલા ખોટા કેસો પરત ખેંચવામાં આવે અને ભોપલકાના ખેડૂત દેવરામભાઈ સોનગરાને આત્મહત્યા કરવા જેવું અંતિમ પગલું ભરવા મજબુર કરનાર કંપનીઓના માણસો ઉપર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ આવેદનપત્ર વેળાએ કલ્યાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવરામભાઈ સોનગરા, ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા, દેવુભાઈ ગઢવી, રાકેશ નકુમ, માલાભાઈ ભરવાડ, હિતેશ નકુમ, મોહનભાઈ સોનગરા, ડાયાભાઇ સોનગરા સહિતના આગેવાનોએ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી.