કચ્છના અખાતના ખાનગી બંદર મુંદ્રા બંદર ઉપરથી ઈરાનથી આવેલ અને મીઠાના કન્ટેનરમાંથી કોકેન નામનું ડ્રગ પકડાયું !

0

• શું ગુજરાત બીજું અગાઉનું પંજાબ બનવા તરફ જઈ રહ્યું છે ?
• કચ્છનો અખાતના ખાનગી બંદરો શું ડ્રગ્સની હેરાફેરીના કેન્દ્ર ?
• શું ફક્ત આ જાહેર થયેલા સિવાયના બિન અધિકૃત ખાનગી બંદરો ઉપર પણ આ પરિસ્થિતિ છે ?
• રાજ્યમાં જાહેર ખાનગી બંદરો ઉપરથી જ ડ્રગ્સ પકડાયું છે ત્યારે બિન અધિકૃત ખાનગી બંદરો ઉપર શું ?
• છેલ્લા ઘણા વર્ષોથી ચાલતું આ કોભાંડમાં આટલું પકડાયું તો આવ્યું કેટલું ?
• શું આવનારી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પણ સતા પરિવર્તન પંજાબ જેવું થશે ?
• કેન્દ્ર-રાજ્ય કોણ છે આ પરિસ્થિતિ માટે જવાબદાર તે હજુ સુધી નક્કી નથી થતું ?

રાજ્યના વધુ એક ખાનગી બંદર મુંદ્રા ઉપરથી ડી.આર.આઈ. દ્વારા ૫૦૦ કરોડ રૂપિયાનો કોકેન નામના ડ્રગ્સનો જથ્થો ઈરાનથી મીઠાની બેગ્સના ભરેલા કન્ટેનરને પકડી પાડયા બાદ કચ્છના અખાતમાંથી ડ્રગ્સનો જથ્થો લઈ આવતા અને સલામતી પૂર્વક જાહેર અને ખાનગી માલિકીના બંદરો ઉપર લેંડિગ પોઈન્ટ સુધી પહોંચી જતાં ડ્રગ્સના કરોડો રૂપિયાના વિશાળ જથ્થાને તંત્ર દ્વારા લેન્ડિંગ પોઈન્ટ ઉપરથી પકડવાની કાર્યવાહીમાં સફળતા મેળવનાર તંત્રની હિંમત ધન્યવાદને પાત્ર છે. મુંદ્રા બંદર ઉપરથી ઈરાનથી મીઠાના પેકેટ કન્ટેનરમાં ભરીને આયાત કરવામાં આવેલ જેમાં ડી.આર.આઇ.ને મળેલ માહિતી અન્વયે મીઠાની બેગ્સ સાથે કોકેન નામના ડ્રગની બેગ્સ પણ રાખવામાં આવેલ છે અને તે માટે દરેક બેગને સૂંઘી સૂંઘીને સુગંધ ઉપરથી ચેક કરી કરી આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત આશરે ૫૦૦ કરોડ રૂપિયા થાય છે તેનો ૫૨ કિલોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. હકિકતમાં કન્ટેનરના નામે કચ્છના અખાતના ખાનગી બંદરો ઉપરથી અવાર-નવાર કઇંક કેટલીય પ્રતિબંધીત વસ્તુ આયાત-નિકાશ થતી પકડવામાં આવ્યાનું અવાર-નવાર બહાર આવે છે. પણ આ વખતે ઈરાનથી મીઠાના પેકેટના નામે આયાત કરી તેમાં કોકેન નામના ડ્રગની હેરાફેરીની ઓપરેન્ડી તંત્ર માટે નવો પડકાર બની રહેવાની શક્યતા જણાય છે. જે મુજબ દેશ માંથી કઇંક કેટલીય ખાદ્ય સામગ્રી નિકાસ થાય છે. ત્યારે અહીં દેશમાં ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલા અને દુનિયાની જરૂરિયાતના ૨૭% જેટલું મીઠું સાગર કિનારાના કારણે ઉત્પન્ન કરતાં આ દેશમાંથી મીઠાની નિકાશ થવાના બદલે આયાત થવા પાછળ અને તે પણ દુનિયાભરમાં પેટ્રોલિયમ પેદાશોની જ ફક્ત નિકાશ કરતાં ઈરાન નામના દેશ ઉપરથી મીઠાની આયાત અને તે પણ ઇન્ડસ્ટ્રિયલ એટલે કે લુઝ જથ્થામાં કરવાના બદલે નાના પેકમાં કરવા પાછળના કારણો જ કઇંક શંકા-કુશંકા ઊભી કરે છે. ત્યારે આ હકિકત જાણતા કસ્ટમ ખાતાની જ એક બ્રાન્ચ ડી.આર.આઈ. દ્વારા આ કૌભાંડને પકડી પાડી કન્ટેનર પેકના બહાને દેશમાંથી પ્રતિબંધિત વસ્તુઓની ગેરકાયદેસરની આયાત-નિકાશની એક નવી ઓપરેન્ડીને પકડી પાડવામાં આવેલ છે. ત્યારે હવે અગાઉ આજ પ્રમાણે આયાત-નિકાશ કરાયેલા કન્ટેનરોની પણ સઘન તપાસ કરવી જરૂરી જણાય છે. ત્યારે પ્રશ્ન તે થાય છે કે, આ જાહેર કરાયેલા ખાનગી બંદરો ઉપર ડ્રગ્સની હેરાફેરીની આ હાલત છે તો પછી રાજ્યના ૧૨૦૦ કિ.મી.ના લાંબા દરિયા કાંઠા ઉપર કઇંક કેટલાય મચ્છીમારી જેટીઓના નામે જાહેર ના કરાયેલ પરંતુ ખાનગી બંદરો આવેલા છે ત્યાંની હાલત તપાસ માંગે છે ? હકિકતમાં રાજ્યમાં વિકાસના નામે જે કઈ કાયદેસર-બિન કાયદેસર વ્યવસાય સ્વીકારવામાં આવી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિનો લાભ દેશ દ્રોહી તત્વો પોતાની દેશ વિરોધી પ્રવૃતિઓ માટે ઉપયોગ કરી રહ્યાનું ઉપરોક્ત ઘટના ઉપરથી સાબિત થાય છે. બીજી બાજુ આ દેશ દ્રોહી પ્રવૃતિઓની હેરાફેરી ભારતના સી.આર.ઝેડ.ના નિયમો અંતર્ગત ગણાતા ઈકોનોમી ઝોન વિસ્તારમાં થાય છે માટે આ માટે જવાબદાર કોન કેન્દ્ર કે રાજ્ય સરકાર તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કારણ કે, આ ઈકોનોમી ઝોન ઉપરની સુરક્ષાની જવાબદારી કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય તટ રક્ષક દળની છે. જ્યારે આ પ્રવૃતિ હેઠળ બિન અધિકૃત માલસમાનની હેરાફેરીની ઘુંષણખોરી થાય છે તે સી.આર.ઝેડ.ના નિયમો અંતર્ગત ગણાતા ભારતીય જળ સરદીય વિસ્તારમાં થાય છે અને ત્યાંની સુરક્ષાની જવાબદારી રાજ્યની અલગ-અલગ સુરક્ષા એજેન્સીઓની હોય છે. ત્યારે અહી આ દેશદ્રોહી પ્રવૃતિઓ માટે ખરેખર કોણ જવાબદાર છે તે જ હજુ સુધી નક્કી ના હોવાનું ખુદ તંત્રમાં ખાનગીમાં ચર્ચાય છે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં ત્રણ મહાકાય બંદરો કંડલા-મુંદ્રા અને પીપાવાવ બન્યા બાદ રાજ્ય સરકારની માલિકીના અને હવે ગુજરાત મેરી ટાઈમ બોર્ડની માલિકીના બની ગયેલા ૧૬ જેટલા પોર્ટ પણ હાલ ખાનગી માલિકીના હોય તેમ જે તે બંદરો ઉપર જે તે સ્ટીવીડોર એજન્ટોના હાથોમાં જ વહીવટ ચાલતો હોય તેવી પરિસ્થિતિમાં છે. ત્યારે આ બંદરો સિવાયના અન્ય નાના દરિયા કાંઠાના ગામો ઉપર માછીમારો દ્વારા પોતાની બોટો લંગરવાના બહાના હેઠળ બનાવાયેલા ખાનગી જેટીઓ પણ કોઈપણ ખાનગી કે સરકારી સુરક્ષા વગર આરામથી રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેતી હોય છે. ત્યારે આવા બંદરો ઉપરની હાલત શું છે તે તો ફક્ત દેશદ્રોહી તત્વો-તેની બિન અધિકૃત પ્રવૃતિઓમાં સામેલ સ્લીપર સેલના સક્રિય ખેલાડીઓ અને તેના લાભાર્થીઓ જ જાણે છે જે પણ અત્યારના આધુનિક ટેકનોલોજીના જમાનાની શરમ જનક સત્ય હકિકતો છે. હાલમાં જે ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવેલ છે તે તો ફક્ત કોઈ ચોક્કસ બાતમીદારની બાતમી અને તંત્રની હિંમતના કારણે પકડાયેલ છે. ત્યારે પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે, અગાઉ જે હાલત દેશના ભારત-પાક રસ્તે જાેડાયેલા અને સરદીય રાજ્ય પંજાબની હતી તે હાલત અત્યારે આપણાં રાજ્યની બન્યાનું નકારી શકાતું નથી ! હકિકતમાં પંજાબ રાજ્ય તો ભારત-પાક સરહદ સાથે રાહ રસ્તે જાેડાયેલ છે અને ત્યાં સીમા ઉપર વાયર ફેનસીંગ સાથે રાઉન્ડ ધ ક્લોક સિક્યુરિટી ગાર્ડ ચોંકી કરી રહ્યા છે. જ્યારે અહીં તો કચ્છનો અખાત તો સી.આર.ઝેડ.ના નિયમો અંતર્ગત ગણાતા ઈકોનોમી ઝોન વિસ્તારથી જાેડાયેલો છે. ત્યારે અહીં તો વિદેશી દેશ દ્રોહી તત્વોને આ વિસ્તારમાં હરવા-ફરવા માટેનું આ આંતરરાષ્ટ્રીય કાનૂનનું પ્રોટેક્શન મળેલ છે ત્યારે અહીં આ કાનૂનનો દૂર ઉપયોગ દેશ દ્રોહી તત્વો આરામથી કરી શકે તે સ્પષ્ટ હોવા છતાં આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે ? હકિકતમાં પંજાબ સરહદે વાયર ફેનસીંગનું કામ પૂર્ણ થયા બાદ તંત્ર પણ જાણતું હતું કે, હવે દેશ દ્રોહી તત્વો ગુજરાતના સાગર કાંઠાનો દૂર ઉપયોગ દેશ દ્રોહી પ્રવૃતિઓ માટે કરશે અને તે કારણે કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના અખાતમાં થતી હિલચાલ ઉપર નિગરાની રાખવા વેસલ્સ ટ્રેકિંગ સિસ્ટમ-મરીન કમાન્ડો ફોર્સ-કોસ્ટ ગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાટર્સ-બી.એસ.એફ. ટ્રેનીંગ સેન્ટર જેવી સુરક્ષા ઉપલબ્ધ કરાવેલ છે અને તેના પરિણામ આ પકડાતાં ડ્રગ્સના જથ્થા ઉપરથી જણાય છે પરંતુ આ જથ્થો બંદરો સુધી પહોંચી જાય છે તેના માટે જવાબદાર કોણ છે ? તે તપાસનો વિષય છે કારણ કે, આ માટે બહુ મોટું નેટવર્ક રાજ્યમાં સક્રિય હોવાનું નકારી શકતું નથી. જેમાં સ્થાનિક તત્વો-તંત્રના ભ્રષ્ટ કર્મચારીઓ અને સ્લીપર સેલના સભ્યોની સાંઠગાંઠ અને નેટવર્કને નેસ્ત નાબૂદ કરવાનો સમય આવ્યો છે. કારણ કે, નહિતર રાજ્યમાં આવનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પણ પંજાબનું પૂર્નઃરાવર્તન થવાની પણ શક્યતા નકારી શકાતી નથી. બીજી બાજુ આ પ્રશ્ને ખાનગીમાં ઘણું બધુ જાણનારામાં ચર્ચાતી વિગતો મુજબ હવે દેશની સુરક્ષા એજેન્સીઓ દ્વારા પોતાના માહિતીના સ્ત્રોતને નવેસરથી વ્યવસ્થિત ગોઠવી માહિતીની આપ-લે એક-બીજા તંત્રને કરી સંયુક્ત ઓપરેશન હાથ ધરી કોઈપણ કાર્યવાહી કરે તો આ પ્રશ્નનો કાયમી નિકાલ આવી શકે તેમ છે. કારણ કે, આ જે કઈ ડ્રગ્સનો જથ્થો છેલ્લા થોડા સમયથી પકડવામાં આવ્યો છે તે રાજ્યની એ.ટી.એસ.-કોસ્ટ ગાર્ડ કસ્ટમના ડી.આર.આઈના સંયુક્ત ઓપરેશનથી જ સફળતા પૂર્વક હાથ ધરાયેલ છે. ત્યારે હવે જાગ્યા ત્યારથી સવાર માની રાજ્યને બીજું પંજાબ થતું અટકાવવાની જવાબદારી પ્રજા અને સરકારી તંત્રે નિભાવવાની છે અને ભાવિ પેઢીને ડ્રગ્સના કારોબારથી મુક્ત કરી સ્વચ્છ હેલ્થી સમાજનું નિર્માણ કરવાનું છે.

error: Content is protected !!