રાજ્યમાં વિકાસની વાતોના રાજમાં ઉચ્ચ અધિકારીઓની અછત ?

0

ગુજરાત રાજ્યના પશ્ચિમ વિસ્તારના છેવાડાના વિધાનસભા વિસ્તાર ૮૨-દ્વારકાની ત્રણ-ત્રણ નગરપાલિકામાં જવાબદાર અધિકારી ચીફ ઓફિસરની હાલત થ્રી ડાયમેન્શન જેમ ફરજ સ્થળ દ્વારક-ચાર્જમાં પશ્ચિમ બાજુમાં ૩૦ કિ.મી. દૂર ઓખા અને પૂર્વ બાજુ ૫૦ કિ.મી. દૂર રાવલના ચાર્જમાં હોય, હાલ તો તે ક્યારે-કયા હોય તેવો પ્રશ્ન પ્રજા માટે અને તેના માટે કયા જવું તેવો પ્રશ્ન ઉપસ્થિત થવા સાથે વિકાસના કામો ખોરંભે ચડયાનું બહાર આવેલ છે.
આઝાદીથી આજ દિન સુધી ઓખો જગથી નોખો તે હજુ પણ નોખો ?
જે અંગેની વિગત મુજબ અગાઉ રજવાડા અને બ્રિટિશ રાજના સમયમાં ઓખા મંડળ તાલુકો જે ત્રણ બાજુ સમુદ્ર કિનારાથી ઘેરાયેલો છે અને જામનગર સાથે રાહ-રસ્તે જાેડાયેલ હોવા છતાં પણ વડોદરા રાજવીની હકૂમત હેઠળ આવતો હોય અને તે કારણે તેનું જિલ્લા મથકનું સ્થળ પણ જામનગરના બદલે કોઈપણ સમુદ્ર વિસ્તાર ન ધરાવતા અમરેલી જિલ્લા સાથે રજવાડાના રાજની પધ્ધતિના કારણે જાેડાયેલ હોય, આ વિસ્તારને “ઓખો જગથી નોખો’ તેમ કહેવાતું હતું. ત્યારે આ વાત અત્યારે પણ સરકારી તંત્ર દ્વારા ચાલુ રાખવા માંગતું હોય તેમ આ વિધાનસભા વિસ્તાર ૮૨-દ્વારકાના શહેરી વિસ્તારો ઓખા-દ્વારકા-રાવલને નગરપાલિકામાં અપગ્રેડ કર્યા બાદ હવે પરિસ્થિતિ તેવી નિર્માણ થયેલ છે કે, આ વિસ્તારો વર્ષ ૧૯૬૦ના પંચાયતી રાજના સમયથી નગરપંચાયતની સત્તા ધરાવતી હતી અને તેનો વહીવટ સ્થાનિક લેવલે બિન રાજકીય પક્ષીય ધોરણે સુંદર ચાલતો હતો.
રાજ્ય સરકારે વિકાસ કરવા નગરપાલિકા બનાવી તંત્રે કાગળો ઉપર અમલ કર્યો !
પરંતુ રાજ્ય સરકારની વિકાસની નીતિ અને અહીં આવેલ દેશના ખ્યાતનામ ધાર્મિક સ્થળો દ્વારકા-બેટ દ્વારકા જેવા વિસ્તારોને કારણે આ વિધાનસભા વિસ્તાર ૮૨-દ્વારકાના આ શહેરોને નગરપાલિકામાં પરિવર્તિત કરી સીધી સરકારી નિગહરાની વચ્ચે કરોડો રૂપિયાના વિકાસના કાર્યો પણ કરવામાં આવ્યા છે. જે ફક્ત આ નગરપાલિકાની રચનાને આભારી છે તે સત્ય હકિકત છે. પણ હવે આ વિકાસના કામોની ગતિ અવિરત જાળવી રાખવા માટે જરૂરી જવાબદાર અધિકારીની જ રાજ્યમાં અછત હોય કે અહીં ફરજ બજાવવા કોઈ આવવા તૈયાર ના હોય તેમ ત્રણ-ત્રણ નગરપાલિકા ઓખા-દ્વારક-રાવલ વચ્ચે ફક્ત અને ફક્ત એક ચીફ ઓફિસર ફરજ બજાવે છે. જે કારણે તેની હાલત થ્રી ડાયમેન્શન જેવી મધ્યમાં દ્વારકા રહેવું ? પશ્ચિમમાં ઓખા જવું ? કે પૂર્વમાં રાવલ જવું ? તેવી બનવા પામેલ છે.
કોઈપણ નગર પાલિકામાં પૂરતો કાયમી સ્ટાફ નથી !
હકિકતમાં અહીં આ પરિસ્થિતિ આજથી નથી પણ છેલ્લા પાંચ વર્ષથી છે. જેમાં પણ વધુ આશ્ચર્યજનક હકિકત તો છે કે, આ ત્રણ નગરપાલિકા પૈકીની બે તો ક્લાસ-બી કક્ષાની નગરપાલિકાઓ છે. જેમાં ફક્ત અને ફક્ત ૧ ટકા જ કાયમી સ્ટાફ છે અને બાકીના ૯૯ ટકા કર્મચારીઓ રોજમદાર-૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે ! જેમાં પણ સ્વ સંચાલિત સ્કૂલોમાં લગભગ શિક્ષક રોજમદાર છે. જ્યારે સફાઇ જેવી કાયમી જરૂરિયાતની સુવિધામાં પણ લગભગ તેજ હાલત છે, સ્ટ્રીટ લાઇટ-વહીવટમાં ક્યાંક ક્યાંક કોઈકની કોઈક અગાઉ વર્ષ ૧૯૬૨ના ભરતી નિયમો અંતર્ગત નિમણુંક પામેલ છે.
પરિસ્થિતિ સરકારી તંત્રના ‘ગુડ ગવર્નન્સના બદલે ગોડ ગવર્નન્સ’ જેવી જણાય છે
હકિકતમાં ૮૨-દ્વારકા વિધાનસભા વિસ્તારમાં જગ વિખ્યાત શ્રી દ્વારકાધીશનું મંદિર દ્વારકા અને બેટ દ્વારકામાં અને દ્વાદશ જ્યોતિલિંગ પૈકીનું એક નાગેશ્વર શિવજી મંદિર નાગેશ્વરમાં અને દેશનો એક માત્ર બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપૂર જેવા યાત્રા અને ફરવાના સ્થળો ઉપર દરરોજ કોઈકને કોઈક વી.આઈ.પી. અને વી.વી.આઈ.પી.ની મુલાકાતો અને ધર્મિક પ્રસંગોની ઉજવણીઓના કારણે અહીં અધિકારીઓની હાલત બધા ઉચ્ચ અધિકારીઓની વ્યવસ્થાઓ ગોઠવવામાં અને પ્રોટોકોલમાં જ ફરજના દિવસો પૂરા થઈ જતાં હોય છે અને તેમની કચેરીઓ તો સ્વાગત કાર્યાલય જેવી ફરજાે બજાવતી હોય છે ત્યારે આ વિસ્તાર હકિકતમાં ‘ગુડ ગવર્નન્સના બદલે ગોડ ગવર્નન્સ’ના ભરોસે ચાલતો હોય તેમ ચાલી રહ્યાનું ખુદ અધિકારીઓમાં ચર્ચાએ છે અને તેને સ્વીકારે પણ છે. ત્યારે પ્રશ્ન તે થાય છે કે, શું હજુ આઝાદીના આટલા વર્ષો પછી પણ “ઓખો જગથી નોખો” જ રહેશે કે તેનો વિકાસ જેમ ચાલુ કરવામાં આવેલ છે તેમ અવિરત ચાલુ રહેશે તેવો પ્રશ્ન પ્રજામાં ચર્ચાય છે.

error: Content is protected !!