કેશોદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા જે. બી. ગઢવી પોતાની ફરજ સાથે ગરીબોના બેલી બની અવારનવાર મદદરૂપ બની રહ્યા છે. ડીવાયએસપી જે. બી. ગઢવીએ અગાઉ પણ ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકો ઝુંપડામાં નીચે સુતા હોય તેથી સુવા માટે ખાટલાઓ આપ્યા હતા. ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને બુટ, ચંપલ, કપડા, રાશનકિટ સહિતનું અનેક વખત વિતરણ કરી માનવતાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડયું છે. ડીવાયએસપી કચેરી ખાતે ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને રમવા માટે અનેક જાતના રમકડા વસાવી બાળકો સાથે ઘણો સમય વિતાવે છે. બાળકોને દરરોજ વાર પ્રમાણેનું મેનુ બનાવી દરરોજ વિવિધ નાસ્તો પણ આપે છે. તહેવારો નિમીતે મીઠાઈ, ફરસાણ, રાશનકિટ વિતરણ કરવામાં આવે છે અને બાળકોને ફરવા લઈ જાય છે. ડીવાયએસપી કચેરી બહાર પાણીના નળ મુકવામાં આવ્યા છે જ્યાંથી ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને પીવાનું પાણી મળી રહે
છે. રખડતા ગૌવંશ માટે લોખંડનો શેડ બનાવી પાણી તથા લીલા ઘાંસચારાની પણ વ્યવસ્થા સાથે ડીવાયએસપી કચેરીમાં મનમોહક ફુલોના બગીચા સાથે અનેક વૃક્ષોના ઉછેર સાથે જતન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ચોમાસાની સિઝન આવતી હોય, ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને વરસાદથી બચવા માટે ઉપયોગી પચ્ચાસ હજારની કિમંતની સો જેટલી તાડપત્રીનું ડીવાયએસપી જે.બી. ગઢવીએ વિનામૂલ્યે વિતરણ કર્યુ હતું. બાળકોની અનોખી સેવા સાથે ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકોને મદદ માટે ડીવાયએસપી જે.બી. ગઢવીને તેમનો તમામ સ્ટાફ પણ અનેક રીતે મદદરૂપ થાય છે. સાથે ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે અનેક બાળકોને શાળાએ લઈ જઈ પ્રવેશ અપાવી બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયત્નો સાથે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોની અનેક રીતે મદદરૂપ થાય છે. ડીવાયએસપી જે.બી. ગઢવીની સેવાકીય પ્રવૃત્તિઓને લોકો બિરદાવી રહ્યા છે.