ખંભાળિયામાં મૂલી મજૂર કર્મચારીઓના પ્રશ્ને ધારાસભ્યના ઉપવાસ બાદ ટૂંકા સમયમાં પારણા

0

ખંભાળિયા નગરપાલિકામાં મુલી મજૂર તરીકે ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે ચાલી રહેલું સખળડખળ દિવસે દિવસે વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. સોમવારે મહિલા કામદારો દ્વારા આત્મહત્યાના પ્રયાસ બાદ ગઈકાલે મંગળવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર તથા ત્યારબાદ તેની તેઓની અટકાયત પછી ગઈકાલે ઢળતી સાંજે આ તમામ રોજમદાર મહિલાઓ અહીંના ધારાસભ્યના વડપણ હેઠળ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા. અહીંના ધારાસભ્ય તથા આગેવાનોના ઉપવાસ આંદોલનને પાલિકા તંત્રએ અયોગ્ય ગણાવતા આખરે ટૂંકા સમયગાળામાં રાત્રે જ આ આંદોલન સમાપ્ત થઈ ગયું હતું. ખંભાળિયા પાલિકાના ૧૪ મહિલા રોજમદાર કર્મચારીઓ દ્વારા સોમવારે અહીંના નગર ગેઈટ ટાવર ઉપરથી ગળાફાંસો ખાઈને કરવામાં આવેલા આત્મહત્યાના પ્રયાસ બાદ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી. આ પછી ગઈકાલે મંગળવારે પાલિકાના આ મૂલી મજૂર મહિલાઓને તંત્ર દ્વારા છૂટા કરવામાં આવ્યા હોવાનું જણાવી તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. આ લોકોના આગેવાન નટુભાઈ ગણાત્રાની રાહબરી હેઠળ ચાલતા આ કાર્યક્રમમાં ગત સાંજે પૂર્નઃ નટુભાઈ તથા મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. આ રોજમદાર કર્મચારીઓને નગરપાલિકા દ્વારા છૂટા કરવામાં આવ્યા હોવાનું જણાવી અહીંના જાેધપુર ગેઈટ ચોક વિસ્તારમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તથા આગેવાન નટુભાઈ ગણાત્રાએ ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. આ મુદ્દે ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા જણાવ્યા અનુસાર છેલ્લા ત્રીસેક વર્ષથી નગરપાલિકામાં નોકરી કરતા સફાઈ કામદારોને તેઓના હક્ક મુજબ કાયમી કરવાના બદલે છુટા કરાયા તે બાબત ગંભીર અને અન્યાયકર્તા છે. આ મુદ્દે જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી તેમના દ્વારા અન્નનો ત્યાગ કરવામાં આવ્યો હતો. તેમની સાથે નટુભાઈ ગણાત્રા, ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા, કોંગી આગેવાન જીવાભાઈ કનારા, કાંતિભાઈ નકુમ, સંજય આંબલીયા, ગુલમામદ ખીરા, દેવુ ગઢવી, હિતેશ દલવાડી વિગેરે પણ જાેડાયા હતા.
પાલિકા દ્વારા કોઈપણ કર્મચારીને છૂટા કરાયા નથી ઃ પ્રમુખ
આ મુદ્દે ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખંભાળિયા નગરપાલિકા દ્વારા કોઇપણ કર્મચારીને લેખિત કે મૌખિક રીતે છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો નથી. ગઈકાલે સોમવારે આત્મહત્યાનો પ્રયાસ કરનારા કામદારોને કે જેઓ ફરજ ઉપર હોય, તેઓ તેમની ફરજના સ્થળે ન હોવા અંગે સેનેટરી ઇન્સ્પેક્ટર કિશોરસિંહ સોઢા દ્વારા નિયમ મુજબ ફક્ત ખુલાસો પુછવામાં આવ્યો છે. છુટા કરાયાની વાતો તદ્દન ખોટી હોવાની તેઓએ વધુમાં ઉમેર્યું હતું. ધારાસભ્ય વિક્રમ માડમ તેમજ નટુભાઈ ગણાત્રા સાથેની આ ઉપવાસી છાવણીમાં ગતરાત્રે પાલિકાના હેડ ક્લાર્ક જે.બી. ડગરા તથા સેનેટરી ઇન્સ્પેક્ટર કિશોરસિંહ સોઢાએ રૂબરૂ જઈ અને નગરપાલિકાએ કોઈ કર્મચારીને છૂટા કર્યા નથી તેમજ આ કર્મચારીઓ આગલા દિવસની ગેરહાજરીનો વ્યક્તિગત ખુલાસો આપે તો તેઓને પુનઃ કામ પર લેવાની વાતે આંદોલન સમેટાઈ ગયું હતું. આમ, છેલ્લા બે દિવસથી ચાલી રહેલા આ નાટ્યાત્મક આંદોલન તથા માત્ર ત્રણેક કલાકના સમયગાળામાં ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ પૂર્ણ થઇ જતાં આ બાબત નગરપાલિકા વર્તુળ સાથે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.

error: Content is protected !!