ગીર-સોમનાથમાં વેરાવળ તાલુકાના ભાલકાના રહેવાસી મહેબૂબ શેખના ૮ મહિનાના દીકરા અહેમદ શેખને જન્મજાત હૃદયમાં તકલીફ હતી. મહેબૂબ શેખ છૂટક કલરકામ કરીને માંડ પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. આ સ્થિતિમાં દીકરાને જન્મની સાથે જ તકલીફના કારણે પરિવારજનો ખૂબ જ વ્યથિત હતાં. દીકરાની હૃદયની બીમારીની જાણ થતાં જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. દીકરાની સારવાર કઈ રીતે થશે તે અંગેની આર્થિક બાબતની ચિંતા પણ તેમને સતાવી રહી હતી. જે પછી તેમને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ કાર્ડની જાણકારી મળી અને અમદાવાદની પ્રતિષ્ઠિત યુ.એન.મહેતા હોસ્પિટલમાં તેમના લાડલાનું ઓપરેશન એકપણ રુપિયાના ખર્ચ વગર થયું હતું. આ મદદ માટે સમગ્ર પરિવારે ગુજરાત સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગે અહેમદના માતા અનિસા બહેને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘જ્યારે અમને જાણ થઈ કે મારા દીકરાને હૃદયની તકલીફ છે ત્યારે સમગ્ર પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. અમે અમદાવાદ અને જૂનાગઢ પ્રાઈવેટ હોસ્પિટલના ધક્કા ખાધા હતા પરંતુ ઓપરેશનના ખર્ચનો આંકડો સાંભળીને જ હિંમત હારી ગયા હતા. ગરીબ પરિવારમાંથી આવતા હોય અમને ચિંતા સતાવી રહી હતી કે કેવી રીતે અમારા લાડલાનું ઓપરેશન કરાવીશું ? ત્યારબાદ આંગણવાડી કાર્યકર સુનિતા બહેને અમને ‘સંદર્ભ કાર્ડ’ અંગે માહિતી આપી અને કાર્ડ કઢાવવામાં મદદ કરી હતી. જે પછી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં મારા દીકરાનું ઓપરેશન થયું અને હવે મારો દીકરો સંપૂર્ણપણે સ્વસ્થ છે. હોસ્પિટલના સ્ટાફનું વર્તન પણ સારૂ હતું અને અમને ઘરે પરત ફરવાનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે અમારી ખૂબ મદદ કરી છે અને એકપણ રૂપિયાનો ખર્ચ થયો નથી. આ માટે હું ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરૂ છું.’ અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભાલકા કોલોનીના તાલાલા નાકા વિસ્તારમાં તબિબોએ સુનિતાબહેનની આંગણવાડીની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન અહેમદની બીમારીની જાણ થતાં મહેબૂબ ભાઈના ઘરની મુલાકાત લીધી હતી. જે પછી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની વેરાવળની ટીમે તેમને સંદર્ભ કાર્ડ અંતર્ગત સેવા પૂરી પાડી હતી અને સિવિલ હોસ્પિટલ વેરાવળમાં લઈ જવામાં આવ્યા હતાં. અહીં બાળકોના સ્પેશ્યિલ ડોક્ટરની એક્સપર્ટ સલાહ લઈ અહેમદને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ઓપરેશન વિનામુલ્યે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. વેરાવળના તાલુકા હેલ્થ ઓફિસના આયુષ મેડિકલ ઓફિસર ડો. બ્રિજેશ સોલંકી અને સ્વરૂપા ચાવડાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નિયમિત રીતે આંગણવાડીની મુલાકાત લઈને નવજાત શિશુ સહિતના બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવતી હોય છે. જે દરમ્યાન અમને અહેમદની હૃદયની બીમારીની જાણ થઈ હતી. જેમાં ઓપરેશન કરવાનું જરૂરી હોવાથી સંદર્ભ કાર્ડ ભરવા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી અમદાવાદની યુ.એન.મહેતામાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સરકારના આ કાર્યક્રમથી અનેક બાળકોને નવજીવન મળ્યું છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બાળ કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે અને આવવા-જવાનું ભાડું પણ ચૂકવવામાં આવે છે.