ઓખા નગરપાલિકાનાં ૧.૮૨ કરોડનાં વિકાસ કામોનું પબુભા માણેકનાં હસ્તે ખાત મુર્હુત કરાયું

0

ઓખા, બેટ, આરંભડા અને સુરજકરાડી માટે દર વર્ષે ૧૫ થી ૨૦ કરોડનાં વિકાસ કાર્યો થાય છે. ગ્રામ પંચાયત વખતથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત સુરજકરાડી જેવા વિસ્તારનો સંપૂર્ણ વિકાસ કરવા ૨૦૦ કરોડ જરૂરી છે જે તબક્કાવાર ફાળવાશે અને પ્રજાલક્ષી કાર્યો થશે તેમ પબુભા માણેકએ જણાવ્યું હતું. ઓખા નગરપાલિકાનાં સુરજકરાડી અને આરંભડા વિસ્તારમાં ૧.૮૨ કરોડનાં અલગ અલગ કામોનું ખાત મુહૂર્ત પબુભા વિરમભા માણેક તેમજ ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહીલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઓખા, આરંભડા, સુરજકરાડી અને બેટ એમ ચાર વિસ્તાર ઓખા નગરપાલિકામાં આવેલ છે. આ વિસ્તારમાં અગાઉ ગ્રામ પંચાયત હતી એટલે પ્રજાલક્ષી કાર્યોમાં ખુબ તકલીફો હતી પરંતુ નગરપાલિકાનો દરજ્જાે આવતા આ ચાર વિસ્તારોમાં લાઈટ, પાણી, રોડ-રસ્તા, સફાઈ, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપલબ્ધ કરાઈ છે. હજુ પણ જયાં પ્રાથમિક જરૂરિયાતો અપુરતી છે ત્યાં ઓખા નગરપાલિકા તબક્કાવાર કામો કરે છે. આરંભડા સુરજકરાડીનાં જે વિસ્તારોમાં કામો કરવાના બાકી છે તેવા કામોનું ખાત મુર્હુત કરાયું હતું. આ કાર્યક્રમમાં પબુભા વિરમભા માણેક ઉપરાંત ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન ગોહીલ, સહદેવસિંહ પબુભા માણેક, ચેતનભા માણેક, ખેરાજભા કેર, હાડાભા માણેક, ચીફ ઓફિસર ઉદય આર. નસીત, લુણાભા સુમણીયા, મોહનભાઇ ગોહીલ, વરજાગભા માણેક, આલાભા માણેક ઉપરાંત ઓખા નગરપાલિકાના સદસ્યઓ, કાર્યકરો તેમજ સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓખા નગરપાલિકાનો સ્ટાફ તેમજ સદસ્યઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રામભા જગતિયાએ કર્યું હતું.

error: Content is protected !!