મેંદરડામાં રહેતા એક યુવાનને હનીટ્રેપમાં ફસાવી ગોંધી રાખી ટોળકીએ દસ લાખ માગ્યા હતાં. અને પૈસા ન આપે તો મારી નાખવા અને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવા ધમકી આપી હતી. આ અંગે જાણ થતાં એલસીબી અને સ્થાનીક પોલીસે યુવાનને મુકત કરાવી મહિલા સહિત ચાર શખ્સને પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મેંદરડાનાં સરદારનગર વિસ્તારમાં રહેતા મનીષ પરસોતમભાઈ વઘાસીયા સાથે કિરણ નામની યુવતીએ ફોન કરી પરીચય કેળવી સંબંધ બાંધ્યો હતો. છેલ્લા બે-ત્રણ માસથી તે મળતા હતાં. ગત તા. ૧૦ જુનનાં રોજ કિરણે મનીષને મળવા બોલાવ્યો હતો. અને બાદમાં તેને ગોંધી રાખી દુષ્કર્મ કેસમાં ફસાવી દેવા અને મારી નાખવાની ધમકી આપી હતી. અને મનીષના ફોનમાંથી તેનાં પિતાને ફોન કરી રૂા. ૧૦ લાખ માંગ્યા હતાં. આ અંગે મનીષનાં પિતાએ પોલીસને જાણ કરતા પીએસઆઈ કે.એમ. મોરી અને એલસીબીનાં સ્ટાફે મનીષનાં પિતાનાં ફોનમાંથી ફોન કરી પૈસાની વ્યવસ્થા થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. અને મનીષને મુકત કરવા માંગ કરી હતી. આ ટોળીકીએ પૈસા ભરેલી બેગ સાથે વાડલા ફાટક નજીક આવવા કહયું હતું. આથી એલસીબીનો સ્ટાફ ત્યાં ગોઠવાઈ ગયો હતો. બાદમાં આ ટોળકી કાર અને બાઈક લઈ પૈસા લેવા આવતાં મનીષને મુકત કરાવી કેશોદનાં ગાંધી સોસાયટીમાં રહેતા ભાવેશ ઉર્ફે ભાવિન ગાંગા દાસા (ઉ.વ. ર૪), રાજકોટના આજી ડેમ ચોકમાં રહેતો પરેશ મંછારામ દેવમુરારી (ઉ.વ. ૩૮), મજેવડીનો દિનેશ ઉર્ફે દિનયો અમૃત ઠેસીયા (ઉ.વ. ૩ર) અને જૂનાગઢમાં રહેતી કિરણ હિતેશ ખટારીયા (ઉ.વ. ર૯)ને પકડી લઈ કાર, બે બાઈક કબ્જે કરી હતી. અને આ ટોળકીને મેંદરડા પોલીસને હવાલે કરી હતી.
આ કામગીરીમાં ડીવાયએસપી પી.જી. જાડેજા, ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, ડી.જી. બડવા, મેંદરડાનાં પીએસઆઈ કે.એમ. મોરી, જૂનાગઢનાં નિકુલ પટેલ, પ્રકાશભાઈ ડાભી, જીતેષ મારૂ, દિવ્યેશ ડાભી, મયુરભાઈ કોડીયાતર, જગદીશભાઈ ભાટુ, રાજેશ્રી દિવરાણીયા, મેંદરડાનાં પ્રધ્યુમનસિંહ ઝણકાંત, અરવિંદભાઈ હેરભા, અનીલભાઈ જમોડ, મુકેશભાઈ પરમાર, કેતનભાઈ પરમાર વગેરે જાેડાયેલ હતાં.