જૂનાગઢમાં મેઘરાજાની શુકનવંતી પધરામણી : લોકોનાં હૈયે ટાઢક

0

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસનાં દિવસે મેઘરાજાએ શુકનવંતી પધરામણી કરી દીધા બાદ ગઈકાલે બપોર બાદ વરસાદ તુટી પડયો હતો અને બે દિવસમાં અઢી ઈંચ વરસાદ પડી જતાં લોકોનાં હૈયે ટાઢક થઈ છે. ઉનાળાની સતત ૪ માસની સખ્ત ગરમી, તાપ, ઉકળાટ સહન કર્યા બાદ મેઘરાજાનું ગમે ત્યારે આગમન થાય તેવો માહોલ સર્જાયો હતો. અને આ સાથે જ શનિવારનાં રોજ મેઘરાજાની શુકનવંતી પધરામણી બાદ ગઈકાલે રવિવારનાં દિવસે પણ સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહયું હતું. અને બપોરનાં સમયે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. અને ભારે સટાસટી બોલાવી દીધી હતી. ગઈકાલે બપોર બાદ ૪ થી ૬ દરમ્યાન જૂનાગઢ શહેરમાં ભારે પવન સાથે ધમાકેદાર વરસાદ પડવો શરૂ થઈ ગયો હતો. સતત વરસાદ વરસવા લાગતાં રસ્તા ઉપર પાણી ફરવા લાગ્યા હતાં. જયારે અગાશીઓ ઉપરથી પાણી પડવા શરૂ થઈ ગયા હતાં. જૂનાગઢ શહેરમાં મોટાભાગનાં રસ્તાઓ ઉપર પાણી ભરાવા લાગ્યા હતાં અને વહેવા લાગ્યા હતાં. જયારે કયાંક વૃક્ષ ધરાશયીની ઘટના પણ બની હતી. ગઈકાલે ભારે પવન સાથે વરસાદ તુટી પડતા ગિરનાર ઉપરની રોપ-વે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. દરમ્યાન ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વરસાદ અંગેની જારી કરાયેલી યાદીમાં ભીમ અગિયારસનાં દિવસે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ર૧-ર૧ મીમી વરસાદ પડયો હતો. જયારે વિસાવદર પંથકમાં ર૦ મીમી વરસાદ થયો હતો. આમ કુલ ૭૭ મીમી વરસાદ પડયો હતો.
જયારે ગઈકાલે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ર થી ૪ દરમ્યાન ૪-૪ મીમી વરસાદ થયો હતો. જયારે ૪ થી ૬ દરમ્યાન જૂનાગઢ શહેરમાં ૩૪ મીમી, ગ્રામ્યમાં ૩૪ મીમી વરસાદ નોંધાયો હતો. અને ૬ થી ૮ દરમ્યાન વધુ પાંચ-પાંચ મીમી વરસાદ નોંધાતા ગઈકાલનાં દિવસે જૂનાગઢમાં ૪૩ મીમી અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૩ મીમી સાથે મોસમનો કુલ વરસાદ જૂનાગઢ શહેરમાં ૬૪ મીમી અને ગ્રામ્યમાં ૬૪ મીમી થયો હતો. જયારે વિસાવદર પંથકમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ શહેરમાં બે દિવસમાં અઢી ઈંચ વરસાદ સાથે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે.

error: Content is protected !!