૭૦માં અંગદાનની હાઇલાઈટ્સ
• નેપાળી બ્રેઇનડેડ લક્ષ્મણભાઇના હ્ય્દય, કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું
• અંગદાનમાં મળેલા હ્ય્દયને અમદાવાદની સિમ્સ હોસ્પિટલ, લીવર અને સ્વાદુપિંડને મુંબઇની ગ્લોબલ હોસ્પિટલ અને કિડનીને અમદાવાદની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું
• અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટર માર્ગે પાર્થિવ દેહને નેપાળ મોકલવાની વ્યવસ્થા કરી આપવામાં આવી
ગુજરાત સરકારે આદરેલા અંગદાનના સેવાયજ્ઞ અને સેવાકીય કાર્યોની મહેંક ૧૩૦૧ કિ.મી. દૂર નેપાળ સુધી પ્રસરી છે.આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન બ્રેઇનડેડ થયેલ ૨૫ વર્ષના નેપાળી યુવક લક્ષ્મણભાઇ મંગેતાના પરિજનોએ અંગદાનનો ર્નિણય કર્યો. ગુજરાતમાં અન્ય દેશના દર્દીએ અંગદાન કર્યું હોય તેવી સમગ્ર ગુજરાતમાં અને સંભવતઃ દેશમાં પ્રથમ ઘટના છે. અંગદાન બાદ ગુજરાતમાં અંગદાનની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અંગદાન સેવા ટ્રસ્ટ દ્વારા પાર્થિવ દેહને મોટરમાર્ગે નેપાળ પહોંચાડવાની સમગ્ર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. મૂળ નેપાળના અને અમદાવાદમાં ૮ વર્ષથી સ્થાયી થયેલ મંગેતા પરિવારના ૨૫ વર્ષીય યુવક લક્ષ્મણભાઇને ૧૦મી જુનના રોજ માર્ગ અકસ્માત સાંપડ્યો હતો. માર્ગ અકસ્માત દરમ્યાન માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. ટ્રોમા સેન્ટરના તબીબોએ જરૂરી તમામ રીપોર્ટસ કરાવ્યા બાદ સ્થિતિ ગંભીર જણાઇ આવતા આઇ.સી.યુ.માં દાખલ કર્યા હતા. રીપોર્ટમાં હેમ્રેજ થયું હોવાનું નિદાન થયું હતું. તબીબોએ લક્ષ્મણભાઇની સઘન સારવાર હાથ ધરીને સ્થિતિમાં સુધાર લાવવામાં તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ વિધાતાના તરફથી કદાચ લક્ષ્મણભાઇનો સંદેશો આવી ગયો હતો. માટે ચાર દિવસની અથાગ મહેનત બાદ પણ ૧૪મી જુને લક્ષ્મણભાઇને તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. લક્ષ્મણભાઇના બ્રેઇનડેડ થયાના સમાચાર સાંભળીને પરિવારજનો ગમગીન બન્યા. પરંતુ આ ક્ષણે પરોપરકારન ભાવ કેળવીને પોતાના અનમોલ રત્નને અમરત્વ પ્રદાન કરવા અંગદાનનો ર્નિણય કર્યો હતો. બ્રેઇનડેડ લક્ષ્મણભાઇના અંગદાનમાં હ્ય્દય, બે કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળી જવા પામ્યું છે. અંગદાનમાં મળેલા હ્ય્દયને ગ્રીનકોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું. જ્યારે લીવર અને સ્વાદુપિંડને મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે પહોંચાડવામાં આવ્યા છે. કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં મોકલાયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડો. રાકેશ જાેષી જણાવે છે કે, મૂળ નેપાળમાં અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા મંગેતા પરિવારના લક્ષ્મણભાઇના પાર્થિવદેહને સ્વમાનભેર નેપાળ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથો સાથો સિવિલ હોસ્પિટલના ખર્ચે તેમના પરિવારજનો માટે અન્ય મેડિકલ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં કુલ ૭૦ અંગદાન થયા છે. જેમાં ૨૨૧ અંગો મળ્યા જેના થકી ૧૯૮ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ ૬૮ અને ૬૯માં અંગદાનમાં ક્રમશઃ જયાબેન વિંજુડા અને કિરણભાઇ પણ સિવિલ હોસ્પિટલમા સારવાર દરમ્યાન બ્રેઇનડેડ થતા બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. અત્રે નોંધનીય બાબત છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સબળ નેતૃત્વ હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ આરોગ્યસેવાઓને સમાજના, રાજ્યના અને દેશના તમામ નાગરિકો માટે ઉપલબ્ધ બનાવી છે. ગુજરાતમાં રાજ્ય ઉપરાંત રાજ્ય બહારના દર્દીઓ પણ મોટી સંખ્યામાં સારવાર અર્થે આવે છે. ૮ વર્ષથી ગુજરાતમાં રહેતા નેપાળી પરિવારે ગુજરાતની માટીનું ઋણ અદા કરીને બ્રેઇનડેડ દિકરાના અંગદાનનો ર્નિણય કરી ૫ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે. ગુજરાત સરકારે આદરેલા અંગદાન અને અંગોના પ્રત્યારોપણના સેવાયજ્ઞની મહેંક આજે ખરા અર્થમાં જગવ્યાપિ બની છે.