વ્યાજનાં પૈસા લઈ આફતમાં આવી ગયેલા ખેડૂત પરિવારને જૂનાગઢ પોલીસે કરી મદદ

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ભાટ સિમરોલી ગામ ખાતે રહેતા એક ખેડૂત ઉંમર લાયક થતા અને માનસિક નબળા બનતા, તેનો યુવાન દીકરો ખેતીકામ સંભાળતો હતો. ખેડૂતના પત્ની બીમાર થતા, ખેડૂતના દિકરાએ પોતાના મામા મારફતે એક વેપારી પાસેથી રૂપિયા ૬ લાખ હાથ ઉછીના લીધા હતા. જેનું તેના મામા દ્વારા વેપારીને વ્યાજ આપવા જણાવતા, વ્યાજ દર મહિને આપવાનું ચાલુ કર્યું હતું. ખેડૂતના પત્નીની તબિયત વધારે ખરાબ થતા અને હોસ્પિટલમાં ખર્ચ વધતા, બીજા ૬ લાખ લીધા અને કર્જની રકમ ૧૨ લાખ થઈ ગઈ હતી. વેપારી સાથે પોતાનો મામો જ સંડોવાયેલ હોય, તેની નજર ખેડૂતની એટલે કે પોતાના બનેવીની જમીન ઉપર હતી અને વેપારી સાથે મળી, જમીન હડપ કરવાનો કારસો કર્યો હતો. ખેડૂત દ્વારા ૧૨ લાખ જેટલી માતબર રકમ લીધી હોવાથી બાનાખત કરી દીધુ હતું. ખેડૂતની પત્નીની તબિયત વધુ બગડતાં સગાવ્હાલા પાસેથી પણ રૂપિયા ઉછીના લીધા હોય, ખેડૂતને પોતાની જમીન વહેંચવી પડી હતી અને એક બીજા ખેડૂતને જમીન વહેંચી દેવી પડી હતી. જમીન વહેંચ્યા બાદ ખેડૂતના સગા સાળા તથા વેપારી દ્વારા જેને જમીન વહેંચી હતી તેને જમીનમાં જવાની મનાઈ કરી હતી અને પોતાને વ્યાજ સહિત ૩૦ લાખ રૂપિયા લેવાના હોવાની વાત કરી, ખેડૂતને ધમકીઓ આપવાનું ચાલુ કરેલ હતું. ખેડૂત અને તેનો દીકરો જાે ૩૦ લાખ તેના મામા અને વેપારીને આપે તો, બીજા સગા સંબંધી લેણીયાતને શું આપવું ? પોતે શું ખાવું ? એવા વિચારો આવવા લાગ્યા હતા અને ખેડૂતની પત્નીની તબિયત પણ સારી ના રહેતી હોય, તેમાં પણ ખર્ચ થવાની શક્યતા હોવાથી, ખેડૂતનો આખો પરિવાર મૂંઝાયો હતો અને ખેડૂત પોતાના દીકરા, પત્ની બાળકો સાથે જૂનાગઢ ડીવાયએસપી કચેરી આવી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, સમગ્ર હકિકત જણાવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.બી.કોળી, સ્ટાફના હે.કો. જયેશભાઇ ભેડા, સંજયસિંહ ઝાલા સહિતની ટીમ સાથે સંકલન કરીને અરજદાર ખેડૂત પરિવારને કેશોદ પોલીસ સ્ટેશન મોકલી, સામાવાળા ખેડૂતના સાળા, વ્યાજે રૂપિયા આપનાર વેપારીને બોલાવી, પોલીસની ભાષામાં શાનમાં વ્યાજ જાેઈએ કે જેલ ? એવું સમજાવતા, માત્ર બાકી રહેતા રૂપિયા આપી, લખાણ પણ કરી આપ્યું હતું. ખેડૂતના આખા પરિવાર દ્વારા પોતાની કફોડી પરિસ્થિતિમાં મદદ કરવા બદલ જૂનાગઢ કેશોદ પોલીસનો આભાર વ્યક્ત કરી, પોતાની મદદ ના કરી હોત તો, આખા પરિવારને ઝેર પીવાને વારો આવત, એવું જણાવી, ગળગળા થઈ ગયા હતા. પોલીસે પણ પોતાની ફરજ ગણાવી, હવે પછી તકેદારી રાખવા પરિવારને વિનંતી કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા સામન્ય કુટુંબના ખેડૂત અરજદારને મદદ અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

error: Content is protected !!