ચોમાસામાં જૂનાગઢ મનપાની કૃપા : તુટેલા અને ચીકાસવાળા માર્ગો ઉપર સંભાળીને ચાલજાે, વાહન સલામત રીતે ચલાવજાે !

0

જૂનાગઢ મહાનગરમાં છેલ્લા ત્રણ વર્ષથી ભુગર્ભ ગટર, ગેસ, પાણીની લાઈન સહિતના કામો થઈ રહયા છે. અને આ કામોને લીધે શહેરના મુખ્ય માર્ગો અને નાની -મોટી તમામ સોસાયટીના રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. આ ખોદાયેલા રસ્તાઓમાં પાઈપલાઈન ફીટીંગની કામગીરી ત્રીજા વર્ષે ચોમાસું આવી ગયા પછી પણ હજુ પણ ચાલુ છે અને ચોમાસાના સમયગાળા દરમ્યાન રાહદારીઓ અને વાહનચાલકોને આ તુટેલા રસ્તાઓ ઉપરથી અવર-જવર કરવી ભારે મુશ્કેલ બનેલ છે. ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને વરસાદને લીધે તુટેલા રસ્તાઓને કારણે કાદવ-કીચડનું સામ્રાજય છવાયું છે. કાદવ-કીચડથી રસ્તાઓ પણ ચીકણા બની ગયા હોય અવાર-નવાર નાના-મોટા અકસ્માતના બનાવો બની રહયા છે. આ દુવિધા માટે જૂનાગઢ મહાનગરપાલિકા તંત્રના પદાધિકારીઓ અને અધિકારીઓની બેદરકારી જ કારણભુત હોવાનું જાેવા મળે છે. કેમ કે, છેલ્લા ત્રણ વર્ષથી મંથર ગતિએ આ રોડ રસ્તાના અને ભુગર્ભ ગટર સહિત પાઈપલાઈનના કામો થઈ રહયા છે. મનપા ઉપરાંત સરકારની અન્ય એજન્સીઓ દ્વારા પણ કામો થઈ રહયા છે અને આ સંબંધીત વિભાગો વચ્ચે કોઈપણ પ્રકારનું સંકલન કે આયોજન ન હોવાથી રસ્તાઓ ખોદાય છે. કયાંક નવા રોડ બને છે અને ફરી પાછા આ નવા રોડના ડામરને તોડી નાખવામાં આવે છે. આમ આ રીતે જૂનાગઢ મહાનગરમાં વિકાસના નામે રોડ-રસ્તાના કામો થઈ રહયા છે અને તુટેલા રસ્તાઓનો ભોગ નાગરીકો બની રહયા છે. આ તુટેલા રસ્તાઓ અંગે એક જાગૃત નાગરીકે તો વોટ્‌સએપમાં મેસેજ પણ ફરતો કર્યો છે કે, નગરજનો હાલ આપણા શહેરમાં વરસાદ પડી રહયો છે અને રોડ-રસ્તા સાવ ભંગાર હાલતમાં હોય અને વરસાદી પાણીને લીધે ચીકણા બની ગયા હોય, ચાલવામાં કાળજી રાખજાે અને વાહન ચલાવવામાં સ્પીડ ધીમી રાખજાે નહિતર સ્લીપ થઈ જશો. આડેધડ વાહનને ફુલ ટર્ન પણ મારતા નહિ અને આગળની બ્રેકનો તો જરા પણ ઉપયોગ કરશો નહીં. અત્રે નોંધનીય બની રહેશે કે મહાનગરપાલિકા તંત્ર દ્વારા રોડ-રસ્તાના કામમાં ભેદભાવ અને પક્ષપાત ભરી નીતિ પણ અપનાવવામાં આવી રહી હોવાનો લોકોમાંથી આક્ષેપો થઈ રહયા છે. કેમ કે, હાલમાં કલેકટર ઓફીસ જવાના સિમેન્ટ રોડને પાઈપલાઈન ફીટ કરવાના બહાને તોડવામાં આવેલ અને માત્ર ૧પ દિવસમાં જ ફરી ત્યાં સિમેન્ટ રોડ બનાવીને રોડને સરસ રીતે અવર-જવર માટેનો બનાવી દેવાયો છે. આ જ રીતે શહેરના પોશ વિસ્તાર ગણાતા રાયજીબાગ સોસાયટી વિસ્તારમાં પણ ખોદકામ કરાયેલા રસ્તાઓને સમથળ કરી ડામર રોડ પાથરીને સરસ બનાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પંચશીલ સોસાયટીમાં પણ અધિકારીઓના નિવાસ આવેલા હોય અહીંયા પણ તુટેલા રોડ ઉપર ડામર રોડ પાથરી દેવામાં આવ્યો છે. જયારે આ સોસાયટીને અડીને આવેલા હાઉસીંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં રસ્તાઓ ખોદાયેલી હાલતમાં જેમ તેમ પડયા છે અને હાલ ચોમાસામાં તો આ વિસ્તાર નર્કાગારની સ્થિતીમાં ફેરવાઈ ગયો છે. આમ મહાનગરપાલિકા તંત્રની કૃપાથી શહેરીજનોને ચોમાસામાં ભારે હાલાકી અને પરેશાની ભોગવવાનો સમય આવ્યો છે.
ગાંધી ચોકથી ઝાંસીની રાણીની પ્રતિમા સુધીના માર્ગમાં ટ્રાફીક જામ
શહેરનાં ગાંધીચોકથી ઝાંસીની રાણીની પ્રતિમા સુધીના માર્ગમાં રોડનું ખોદકામ ચાલી રહયું હોય સતત ટ્રાફીક સમસ્યા રહે છે. તેમાં પણ રેલ્વે ફાટક બંધ થાય છે ત્યારે તો નાના-મોટા વાહનોના થપ્પા લાગી જાય છે અને કાદવ-કીચડથી ખરડાયેલા અને ચીકાસવાળા માર્ગ ઉપર વાહન પસાર કરવા મુશ્કેલ બને છે.

error: Content is protected !!