પ્રાકૃતિક ખેતી અપનાવી ગીર-સોમનાથના પ્રગતિશીલ ખેડૂતની આવક થઈ બમણી, મેળવ્યું ઉત્તમ ઉત્પાદન

0

ગુજરાતનો ખેડૂત હવે પ્રગતિશીલની સાથે જ વિકાસશીલ પણ બની રહ્યો છે જે વાતની સાક્ષી પૂરી રહ્યાં છે ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંકોલવાડી ગામના ધાર્મિકભાઈ મકાણી. ધાર્મિકભાઈ મકાણી ત્રણ વર્ષ પહેલા રાસાયણિક ખેતી કરતા હતાં પરંતુ હવે તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે અને આ ખેતીના મીઠા ફળ પણ તેમને મળી રહ્યાં છે. ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો પણ તેમને વિપુલ પ્રમાણમાં લાભ મળ્યો છે, તે બદલ તેમણે સરકારનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો. ધાર્મિકભાઈએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સૌથી મુખ્ય કારણ રાસાયણિક ખેતી થતો વધુ ખર્ચ અને રાસાયણોથી આરોગ્ય તેમજ જમીનને થતું નુકસાન હતું. આ કારણોસર હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો અને હવે રાસાયણિક ખેતી કરતા ઓછા ખર્ચે મારી આવક પણ બમણી થઈ છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે ખેડૂતોને કરેલ આહ્વાન તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને અપાતા માર્ગદર્શન અને સુભાષ પાલેકરની પદ્ધતિઓથી પ્રેરાઈને ધાર્મિકભાઈ મકાણી દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવી હતી. ધાર્મિકભાઈ ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે સાથે જ તેઓ જીવામૃત, પંચગવ્ય જેવા બહુ ઉપયોગી કુદરતી ખાતર પણ જાતે જ બનાવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, સીધા જ તેઓ પ્રાકૃતિક ખેતી ઉપર નથી આવ્યાં. પહેલા વર્ષે મેં કુદરતી ખાતર ઉપર વધુ ધ્યાન આપ્યું અને સાથે જ જીવામૃતનો પણ પ્રયોગ કર્યો હતો. જેનો ફાયદો મને જાેવા મળ્યો હતો. જે પછી ચોમાસા દરમ્યાન લિંબોળીનો ખોળ-એરંડિયા નાખવા જેવા વિવિધ પ્રયોગ પણ કર્યા હતાં અને તેનું ઉત્તમ પરીણામ મળતા હવે સંપુર્ણ પ્રાકૃતીક ખેતી અપનાવી છે. ગુજરાત સરકાર તરફથી મળેલી સહાયનો ઉલ્લેખ કરતા ધાર્મિકભાઈએ કહ્યું હતું કે, બાગાયત વિભાગ તરફથી ટપક સિંચાઈ માટે ૭૦ ટકા તેમજ પેકહાઉસ બનાવવા માટે પણ ૪૦ ટકા જેટલી સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત કુદરતી ખાતર બનાવવા માટે પ્લાસ્ટિક ડ્રમ સહિતની વિવિધ સહાય પણ તેમને મળી હતી. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ મળતા ઉત્પાદનમાં થયેલ સુધાર અંગે તેમણે ઉમેર્યુ હતું કે, જ્યારથી હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું ત્યારથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો જાેવા મળ્યો છે અને ફળની ચમકમાં પણ વધારો થયો છે. ધાર્મિકભાઈ પોતાની પ્રાકૃતિક ખેતીની સફળતા બાબતે સરકારના અભિયાનને શ્રેય આપતા ઉમેરે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રસાયણ મુક્ત ધરતી અને પ્રાકૃતિક ખેતી તરફના અભિયાનમાં જાેડાઇને હું ખૂબ ગર્વ અનુભવું છું. ધાર્મિકભાઈ પ્રાકૃતિક ખેતીની સાથે જ જમીન અને તેના બિયારણ અને પાકમાં પણ વિવિધ પ્રયોગો કરતા રહે છે. ધાર્મિકભાઈએ કેરી, ઉપરાંત પોતાના ખેતરમાં શ્યામતુલસી અને ઋતુ અનુસાર ગલગોટા પણ ઉગાડી રહ્યાં છે. ખેતરમાં થતી ખેતપેદાશોથી ચામાચીડિયા, રોઝ, ચિત્તલ અને વન્યપ્રાણીઓને દૂર રાખવા માટે તેમણે પ્રયોગ કરતા થર્મોકોલ અને કાચની બોટલના ઉપયોગ વડે તીણો અવાજ આવે તેવી વ્યવસ્થા પણ ગોઠવી છે. જેથી અવાજથી વન્યજીવો દૂર રહે અને પાકને નુકશાન ન પહોંચાડે. ધીરજના ફળ મીઠાં એ કહેવતને સાર્થક કરતા ધાર્મિકભાઈ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ ખરા અર્થમાં પ્રેરણાદાયક બન્યા છે.

error: Content is protected !!